Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ગણતંત્રના પાવન પર્વે રાષ્ટ્રને ઉન્નત શિખરે સ્થાપિત કરીએ

૭૧માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમમાં નાગરીકોને શુભેચ્છા પાઠવતા રાજ્યપાલ

રાજકોટ,તા.૨૭: ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ૭૧મા પ્રજાસત્ત્।ાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ ખાતે યોજાયેલાં એટહોમ કાર્યક્રમમાં નાગરિકોને શુભકામના પાઠવતા જણાવ્યુ હતું કે, આજના પાવન પર્વે રાષ્ટ્રને ઉન્નત શિખરે સ્થાપિત કરી શહિદોએ સેવેલાં સપનાંને સાકાર કરવા સૌ સંકલ્પબદ્ઘ બનીએ.

રાજકોટ ખાતે ૭૧માં પ્રજાસત્ત્।ાક પર્વની રાજયકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉપસ્થિતિમાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહૂતિ આપનારા શહિદોને શ્રદ્ઘાંજલિ અર્પણ કરતા રાજયપાલશ્રીએ જણાવ્યુ હતું કે ક્રાંતિકારી વીર શહિદોની શહાદતને કારણે આપણે સ્વતંત્રતાનું સુખ પ્રાપ્ત કર્યુ છે. રાજયપાલશ્રીએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય પર્વોની ઉજવણી એ રીતે કરીએ કે, જેથી આવનારી પેઢી આપણી સાંસ્કૃતિક પરંપરા અને સ્વાતંત્ર સંગ્રામના શહિદોના યોગદાનને જાણી શ્રેષ્ઠ નાગરિક બનવાની પ્રેરણા મેળવે.

રાજયપાલશ્રીએ રાષ્ટ્રીય પર્વોની રાજયકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવાના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, આવા પ્રયાસોના કારણે રાષ્ટ્રીય પર્વો ખરા અર્થમાં લોકોત્સવ અને વિકાસોત્સવ બની રહયા છે. રાજયપાલશ્રીએ રાષ્ટ્રના વિકાસમાં સૌરાષ્ટ્ર પ્રદેશના ઉદ્યોગશ્રેષ્ઠીના યોગદાનને આ તકે બિરદાવ્યુ હતું.

એટહોમ કાર્યક્રમમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી, શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રીમતી અંજલીબહેન રૂપાણી, સહિતના મહાનુભાવો, નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં રાજકોટના સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમે રાષ્ટ્રભકિત ગીતો પ્રસ્તુત કર્યા હતા.

(12:43 pm IST)