Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

વેરા બીલનાં ઠેકાણા નથીને ઉઘરાણી કડકઃ ફુડ ચેકીંગમાં પણ અત્યાચાર

વર મરો... કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરોઃ અધિકારીઓની તાનાશાહીઃ પદાધિકારીઓનું ગર્ભીત મૌન : ૬૯માં ગણતંત્ર દિને પણ રાજકોટમાં તાનાશાહ વહીવટઃ વેરા બીલમાં ઓછી રકમ છતાં મોટી ઉઘરાણી દર્શાવી : બાકીદારની બદનામીઃ ફુડ ચેકીંગમાં વેપારીઓને ખોટી કનડગતઃ તંત્ર બેદરકારી છુપાવવા નિર્દોષોને દંડી રહયું છેઃ લોકરોષ

રાજકોટ, તા., ર૬: આજે દેશનો ૬૯મો ગણતંત્ર દિવસ છે. સમગ્ર દેશ ભારતની આઝાદી બાદ સ્વદેશી બંધારણ ઘડાયું તેનો આનંદ-ઉલ્લાસ આજે પણ ઉજવી રહયો છે. પરંતુ આમ છતા રાજકોટની પ્રજા ઉપર હજુ અંગ્રેજ શાસન જેવી તાનાશાહી ચાલી રહી હોય તેવું નાગરીકો અનુભવી રહયા છે. કેમ કે મ્યુ. કોર્પોરેશન દ્વારા યેન-કેન પ્રકારે પ્રજા ઉપર નીત-નવા દંડ ફટકારી અને 'વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો' એ નીતીથી માત્ર તંત્રની તિજોરી ભરી અને પછી એ તિજોરીમાંથી સ્વપ્રસિધ્ધીનાં તાયફાઓ કરવામાં આવી રહયા છે અને રાજકોટની સહનશીલ પ્રજા આ બધુ મુંગા મોઢે સહન કરી રહી છે.

ખાસ કરીન લોકોમાં વેરા વિભાગ દ્વારા કરદાતાઓનો વગર વાંકે ખોટી રીતે હેરાન કરી અને બદનામ કરવાની કાર્યવાહી સામે લોકરોષ જોવા મળી રહયો છે. કેમ કે દર વર્ષે છેલ્લા દિવસોમાં વેરા વિભાગ જાગે છે અને આવકનો લક્ષ્યાંક પુરો કરવા પ હજારથી પ લાખનાં બાકીદારો સામે મિલ્કત સીલ હરરાજીની કડક કાર્યવાહી કરે છે. જેમાં અનેક કિસ્સામાં તંત્રની બેદરકારીનો ભોગ બનેલા નિર્દોષ કરદાતાઓ પણ વગર વાંકે દંડાઇ રહયા હોવાની ફરીયાદો ઉઠી છે.

તાજેતરમાં લીંબડા ચોક વિસ્તારમાં કોમર્શીયલ મિલ્કતનો બાકી વેરો વસુલવા ઇન્સ્પેકટરોની ટુકડી મિલ્કત સીલ માટે ગઇ ત્યારે મિલ્કત ધારકને ખબર પડી કે તેનો વેરો બાકી છે. કેમ કે 'વેરા બીલ પહોંચાડવામાં તંત્ર વર્ષોથી બેદરકાર રહયું છે એ હવે પ્રજાએ સ્વીકારી લીધું છે'.

દરમિયાન વેરા ઇન્સ્પેકટરોએ રૂ. ૪.૭ર  લાખનું વેરા બીલ બાકી હોવાનું જણાવતાં મિલ્કતધારકે સ્થળ ઉપર જ ચેક આપી પુરેપુરો વેરો ભરી દીધો હતો. પરંતુ આમ છતા વેરા વિભાગે આ મિલ્કત ધારકનો રૂ. ૧૮ લાખનો વેરો બાકી હોવાના સમાચારો પ્રસિધ્ધ કરાવી અને ખોટી વાહ... વાહ... મેળવવા આ નિર્દોષ કરદાતાને બદનામ કરી નાંખ્યા.

પાણી વેરાના બીલોમાં બેદરકારી છતા વ્યાજ સહીત ઉઘરાણી

આ ઉપરાંત સૌથી મોટી બેદરકારી એ છે કે હજારો લોકોને પાણી વેરાનાં બીલો નથી અપાતા અને પછી કોઇ પ્રમાણીક કરદાતા સામેથી પાણી વેરાનું બિલ અનેક ધકકાઓ ખાઇને કઢાવે તો તગડા વ્યાજ સહીત વેરા બીલ કાઢીને તેની કડક ઉઘરાણી શરૂ કરાઇ છે.

હકીકતે તંત્રની મોટી બેદરકારી એ છેકે પાણી વેરો અને મિલ્કતવેરો જેના વર્ષો અગાઉ જુદા જુદા બિલો હતા તેનું લીંક-અપ કરવામાં ઘોર બેદરકારી દાખવાઇ રહી છે. સ્વીકારવાને બદલે નિર્દોષ નાગરીકોને 'સાણસા'માં લઇ તંત્ર દ્વારા વ્યાજખોરોની જેમ કડક ઉઘરાણી કરી અને નાગરીકોને દબડાવાતા હોવાની ફરીયાદો પણ વ્યાપક બની છે.

વેરાની આ તમામ અક્ષમ્ય બેદરકારીમાં અધિકારીઓ-પદાધિકારીઓ કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ  સોફટવેરના બહાના ધરી વેરો તો ભરવો જ પડશે. ભલે અન્યાય થયો હોય તો પણ ભરવો પડશે તેવા બહાના બતાવી હાથ ઉંચા કરી ધ્યે છે.

ફુડ ચેકીંગમાં લોલંલોલ...

આરોગ્ય શાખાનાં ફુડ ચેકીંગમાં પણ નિર્દોષ વેપારીઓને ખોટી કનડગત અને ખોટી રીતે બદનામ કરાતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે.

અવાર નવાર દરોડા પાડીને કીલો મોઢે અખાદ્ય પદાર્થોનો નાશ જીવડા ખદબદી રહેલા ખાદ્ય પદાર્થો ગંકકી હોવાના અહેવાલો  પ્રસિધ્ધ કરાવીને અધિકારીઓ વારંવાર મેળવે છે.

પરંતુ આ દરોડામાં કેટલાક નિર્દોષ વેપારીઓને પણ ખોટી રીતે બદનામ કરી દેવાતા કારસ્તાનો થાય છે. કેમ કે જે સ્થળે ગંદકી નથી હોતી, જીવડા નથી હોતા કે ખાદ્ય પદાર્થોનો નાશ નથી કરવામાં આવતો.

માર એકાદ ચીજવસ્તુ ખરાબ રહી હોય તેવા સ્થળોએ અખાદ્ય પદાર્થોના મોટા જથ્થાનો નાશ કરાયો હોય તેવો માહોલ ઉભો કરી અને ખોટી રીતે વેપારીઓને બદનામ કરાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

આમ દેશની આઝાદી બાદ ભારતીય બંધારણ ઘડાયાના ૬૯માં વર્ષની ઉજવણી વખતે પણ રાજકોટના નગરજનોને અંગ્રેજ શાસનની તાનાશાહ નીતિનો અનુભવ થઇ રહ્યો છે. 'વિકાસ માટે બંધન' જરૂરી છે પરંતુ આ બંધનનો ગેરલાભ ઉઠાવી પ્રજા ઉપર તાનાશાહી થઇ રહી છે તે પદાધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિ સમા કોર્પોરેટરો ખુલી આંખે જોઇ રહ્યા છે છતાં ગર્ભીત મૌન ધારણ કરીને પ્રજાને દંડી રહ્યા છે.

(10:28 am IST)