Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કર્મયોગમાં અદ્દભુત તાકાત : રાજીવ મિશ્રા

સોમવારે અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ હોલમાં વિશેષ કાર્યક્રમ : લાઇવ પ્રસારણ સાથે કર્મયોગના ચમત્કારી અને વૈજ્ઞાનિક જ્ઞાન અંગે માર્ગદર્શન અપાશે : આત્મહત્યા, આતંકવાદ, ભ્રષ્ટાચારને નાબુદ કરવાની કાબેલીયત પણ કર્મયોગમાં હોવાનો દાવો

રાજકોટ તા. ૨૬ : 'કર્મયોગમાં અદ્દભુત ચમત્કારીક શકિત સમાયેલી છે. કર્મના સિધ્ધાંતને અનુસરવાથી જીવનમા તેજોમય ઉર્જા રેલાય છે અને આપો આપ જ ચહેરા ઉપર ખુશી ઉભરાવા લાગે છે' તેમ આજે યોજાયેલ પત્રકાર પરીષદને સંબોધતા કર્મયોગ મંદિર ટીમના ડો. રાજીવ મિશ્રાએ જણાવ્યુ હતુ.

અહીં રાજકોટ ખાતે આગામી તા. ૧ જાન્યુઆરીના તૃતીય કર્મયોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે તે અંગે માહીતી રજુ કરી હતી. તા. ૧ ના સોમવારે સવારે ૯ થી ૧ર અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ હોલમાં એક વિશેષ કાર્યક્રમ આયોજીત થયો છે. જેમાં કર્મયોગના ચમત્કારીક અને વેજ્ઞાનિક જ્ઞાનનું લાઇવ પ્રસારણ સોહમ ઇન્ટરનેશનલ ચેનલ ઉપર પણ થશે.

આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રીમતી અંજલીબેન રૂપાણીને આમંત્રિત કરાયા છે. જયારે કર્મયોગના જ્ઞાન અંગે ડો. રાજીવ મિશ્રા (એમ.ડી. મેડીસીન અને મુખ્ય ટ્રસ્ટી કર્મયોગ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ) પ્રકાશ પાડશે.

અહીં ડો. મિશ્રાએ વધુમાં જણાવેલ કે કર્મયોગનું જ્ઞાન એટલું ચમત્કારીક છે કે તે માણસમાં અદ્દભુત અને અવિનાશી શાંતિ, સંતુષ્ટિ, ઉર્જા, આનંદનો સંચાર કરે છે. માણસનું જીવન ખીલી ઉઠે છે. ચહેરા ઉપર ખુશી તરવરવા લાગે છે. કેમ કે અંદરથી તમો ડીસ્ટર્બ હશો ત્યારે તનાવ ચહેરા ઉપર ઉતરી આવે છે. પરંતુ કર્મો એવા કરો કે આત્મામાં આનંદ ઉભરાય અને એ ખુશી ચહેરા ઉપર રેલાય.

તેઓએ ત્યાં સુધી દાવો કરેલ કે અમને ૧૦૦ ટકા વિશ્વાસ છે કે કર્મયોગના ચમત્કારીક જ્ઞાનથી લોકોના જીવન ૧૦૦ ટકા બદલી જશે. આત્મ હત્યાના બનાવો અટકી જશે અને આતંકવાદ, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ પણ હળવી બની જશે.

તમામ લોકોએ કર્મના આવા ચમત્કારોને સમજીને કર્મો સુધારવા પ્રયત્નશીલ બનવું જોઇએ તેમ અંતમાં ડો. રાજીવ મિશ્રા (મો.૦૮૫૧૧૮ ૨૯૦૦૨) એ જણાવેલ.

તસ્વીરમાં પત્રકાર પરીષદને સંબોધી રહેલ ડો. રાજીવ મિશ્રા અને ગીતાબેન બાલચંદાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)