Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

અંતાણી પરિવારનું ગૌરવઃ ચિ. ખ્વાબે સ્કેટિંગમાં રાજ્યકક્ષાએ બે સિલ્વર-એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ડિસેમ્બરમાં દિલ્હી ખાતે નેશનલ ચેમ્પીયનશીપ માટે ગુજરાત તરફથી પસંદગી પામ્યો

રાજકોટઃ. તાજેતરમાં અમદાવાદ ખાતે રોલર સ્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે યોજાયેલ ૪૧મી રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં રાજકોટના ખ્વાબ અંતાણી સબ-જુનિયર કેટેગરીમાં સ્પીડ સ્કેટિંગની અલગ અલગ ઈવેન્ટ્સમાં બે સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યકક્ષાએ વિજેતા બન્યા છે અને આગામી ડીસેમ્બર માસમાં દિલ્હી ખાતે યોજાનારી નેશનલ ચેમ્પિયનશીપ માટે ગુજરાત રાજ્ય તરફથી પસંદગી પામેલ છે. આ સાથે જ રાજ્યકક્ષાની આવી મહત્વની સ્પીડ સ્કેટિંગ ટુર્નામેન્ટમાં વિજેતા બની રાજકોટના કોઈ સ્કેટર દ્વારા નેશનલ લેવલ પર ગુજરાતને represent કરવામાં આવશે એવું ઘણા સમય બાદ બન્યું છે.

માત્ર અઢી વર્ષની વયે સ્કેટિંગની દુનિયામાં પગ મુકનાર ખ્વાબે સ્કેટિંગની શરૂઆતી તાલીમ રાજકોટના પૂજા હોબી સેન્ટર ખાતે મેળવી અને ત્યાંથી ડો. પૂજા રાઠોડ તેમજ પુષ્પાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ  સ્કેટિંગ ડાન્સ, સ્કેટિંગ યોગા તેમજ આર્ટસ્ટીક અને સ્પીડ સ્કેટિંગની અલગ અલગ ઇવેન્ટ્સમાં અનેક વખત નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્તર પર વિજેતા રહી ચૂકેલ છે. ખ્વાબ સ્પીડ સ્કેટિંગ માટેની તાલીમ રાજકોટમાં ઓશન રોલર કલબના કોચ સિદ્ધાર્થ વ્યાસ પાસે લઇ રહ્યા છે જેઓએ ખ્વાબને સ્પીડ સ્કેટિંગની જીલ્લા તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવા જહેમત ઉઠાવેલ છે. હાલમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પેશીયલ ટ્રેનીંગ અમદાવાદ ખાતે રાઈઝીંગ સ્ટાર એકેડેમીના હેડ કોચ ઇન્દ્રજીત રાજપૂત પાસેથી મેળવી રહ્યા છે.

(3:52 pm IST)