Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કોરોના મૃતકોની સહાય માટે મામલતદાર કચેરીએ સીધી જ અરજી કરો : પદાધિકારીઓની અપીલ

આર.ટી.પી.સી.આર. એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ અથવા ડોકટર દ્વારા કોવિડ-૧૯ના નિદાન થયુ હોય તેવા કિસ્સામાં

રાજકોટ તા. ૨૬ : તાજેતરમાં રાજય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યકિત માટે રૂ.૫૦,૦૦૦ની સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. આ માટે મૃતકના મૃત્યુનું કારણ દર્શાવતું પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ની મહામારીમાં અવસાન પામેલ લોકોને સહાય મેળવવા માટે ફોર્મ-૪(સંસ્થાકીય મૃત્યુ પ્રમાણપત્ર)/ફોર્મ-૪એ(બીન સંસ્થાકીય મૃત્યુ પ્રમાણપત્ર) કાઢી આપવામાં આવે છે.

પરંતુ સરકારશ્રીના પરિપત્ર મુજબ હવેથી કોવીડ-૧૯ના એવા કેસો કે જેનું નિદાન પોઝીટીવ RTPCR/મોલેકયુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટ દ્વારા કરવામાં આવે અથવા હોસ્પિટલમાં/ઇન પેશન્ટ ફેસીલીટીમાં દાખલ કરવામાં આવે ત્યારે સારવાર કરનાર ડોકટર દ્વારા કોવીડ-૧૯નું નિદાન કરવામાં આવે તેવા કિસ્સાઓને કોરોના પોઝીટીવ કેસ ગણવામાં આવશે અને તેઓના કિસ્સામાં પોઝીટીવ RTPCR/મોલેકયુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટ અથવા ડોકટર દ્વારા લખી આપવામાં આવેલ કોવીડ-૧૯નું નિદાન કરવામાં આવે છે, વિગેરે પુરાવા સાથે રાખી સહાય માટે સીધી પોતાના વિસ્તારની મામલતદાર કચેરીએ અરજી કરી શકશે. જાહેર જનતાજોગ સરકારે કરેલી સ્પષ્ટતાઓ અંગે મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ માહિતી આપી હતી.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : જનમ/૧૦૨૦૨૧/૧૦૦૯/બ-૧ તા. ૨૧ નવેમ્બરે જણાવ્યા પ્રમાણે પોઝીટીવ RTPCR/મોલેકયુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટ અથવા ડોકટર દ્વારા લખી આપવામાં આવેલ કોવીડ-૧૯ના નિદાનના પુરાવા હોય તો કોર્પોરેશનમાંથી ફોર્મ-૪ / ફોર્મ-૪એ કઢાવવાની જરૂરિયાત રહેતી નથી. જો અવસાન પામેલ દર્દીના પોઝીટીવ RTPCR/મોલેકયુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટ અથવા ડોકટર દ્વારા લખી આપવામાં આવેલ કોવીડ-૧૯ના નિદાનના પુરાવા હોય તો મૃતકના કુટુંબીજનો/વારસદારો સહાય માટે સીધી જ અરજી કરી શકશે.

જો કોવીડ-૧૯ પરીક્ષણની તારીખ થી અથવા કોવીડ-૧૯ પોઝીટીવ કેસ નક્કી થયાની તારીખ થી ૩૦ દિવસના સમયગાળામાં હોસ્પિટલની અંદર કે બહાર દર્દીનું અવસાન થાય તો તેને પણ કોવીડ-૧૯ને કારણે મૃત્યુ થયું ગણાશે.

કોવીડ-૧૯ના દર્દી હોસ્પિટલ/ઇન પેશન્ટ ફેસીલીટીમાં સારવાર લેતા હોય તે દરમ્યાન અને ૩૦ દિવસ પછી પણ કોરોનાની સારવાર ચાલુ રહે અને ત્યારબાદ મૃત્યુ પામે તો પણ તેને કોવિડ-૧૯ને કારણે મૃત્યુ થયેલ ગણાશે.

કોવીડ-૧૯ દર્દી પોઝીટીવ સાબિત થયાના ૩૦ દિવસની અંદર આત્મહત્યા કરે તો આવા કિસ્સામાં સહાય મેળવવા પાત્ર રહે છે. ઝેર, હત્યા, અકસ્માત મૃત્યુ વગેરેને કારણે થતા અવસાનને કોવીડ-૧૯ મૃત્યુ તરીકે ગણવામાં આવશે નહી પછી ભલેને કોવીડ-૧૯ સહ-ઘટનાની સ્થિતિ હોય.

ઉપર્યુકત કિસ્સાઓમાં મૃતકના કુટુંબીજનો/વારસદારોએ કોવીડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ પાસે કોવીડ-૧૯ મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા અરજી કરવાની રહેતી નથી. આવા કિસ્સાઓમાં મૃતકના કુટુંબીજનો/વારસદારો નાણાકીય સહાય મેળવવા માટે સીધે સીધી જરૂરી કાર્યવાહી કરી શકશે.

(3:26 pm IST)