Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કાલે માર્કેટયાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે સેન્સઃ પાર્ટી લાઇનના દાવા વચ્ચે દાવેદારોની જુદી જુદી 'લાઇન'

સરવૈયા-ખાચરિયા સેન્સ લેશેઃ સેન્સના આધારે સંકલન સમિતિ પ્રદેશને અહેવાલ આપશે : રાજકોટ તાલુકા ભાજપ કોઇનું નામ આપવાના બદલે પસંદગી પાર્ટી પર છોડશેઃ સાવલિયા સર્વાધિક સિનીયરઃ બોઘરાને બહેતરીન તકઃ કોરાટના કરિશ્માની કસોટી

રાજકોટ, તા. ૨૬ :. કાલે જિલ્લાની ૩ માર્કેટયાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન પદ માટે ગોંડલમાં સેન્સ લેવાનાર છે. રાજકોટની બેડી માર્કેટયાર્ડ માટે કાલે સવારે ૧૧ વાગ્યાનો સમય છે. જિલ્લાના ભાજપ પ્રભારી પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા તથા જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરીયા સેન્સ લેનાર છે. જિલ્લાના મુખ્ય હોદેદારો, ધારાસભ્યો, સાંસદો, ત્રણેય તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ અને યાર્ડમાં ચૂંટાયેલા સભ્યો વગેરે સેન્સ આપવા માટે અપેક્ષિત છે. કાલે સેન્સ આવ્યા બાદ જિલ્લાની સંકલન સમિતિમાં સમિક્ષા કરી અહેવાલ પ્રદેશ ભાજપને મોકલાશે. આખરી પસંદગી પ્રદેશ ભાજપ તરફથી કરવામાં આવશે. દરેક દાવેદારોની પાર્ટીલાઈનની વાતો વચ્ચે અંદર ખાને પદ માટે જુદી જુદી લાઈન પર સક્રિય થયાનું જાણવા મળે છે.

બેડી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ૧૬ પૈકી ૧૫ બેઠકો ભાજપ પ્રેરીત પેનલને મળી છે. સિનીયોરીટીની દ્રષ્ટિએ પરસોતમ સાવલિયા સૌથી વધુ મજબૂત દાવેદાર છે. યુવા શિક્ષિત ચહેરા તરીકે જયેશ બોઘરા અને વિજય કોરાટના નામ છે. સ્થાનિક અગ્રણી તરીકે કેશુભાઈ નંદાણીયાનું નામ ચર્ચામાં છે. વર્તમાન ચેરમેન ડી.કે. સખીયાના સુપુત્ર જીતેન્દ્રનું નામ પણ ઉપસાવવામાં આવી રહ્યુ છે. સહકારી ક્ષેત્ર બીનરાજકીય છે પરંતુ પ્રદેશમાં બદલાયેલા સંજોગોના કારણે નવા સુકાનીઓની પસંદગીમાં પાર્ટીનોે પ્રભાવ વધ્યો છે. ચૂંટણી બીજી ડીસેમ્બરે છે.

ચૂંટણીમાં જયેશ રાદડીયા, ભરત બોઘરા વગેરેએ મહત્વની ભૂમિકા કરેલ. જિલ્લા ભાજપમાં જુથવાદના ફુંફાડા હોવાથી નવા સુકાનીઓની પસંદગીમાં ખેંચતાણ રહે તે સ્વભાવિક છે. છેલ્લી ઘડી સુધી કાવાદાવા ચાલવાની શકયતા છે. રાજકોટ તાલુકા ભાજપે કોઈનું નામ આપવાના બદલે પાર્ટી નક્કી કરે તે સ્વીકારવાની સેન્સ આપવાનું મન બનાવ્યુ છે. અન્ય તાલુકાઓ પણ તેને અનુસરે તેવી શકયતા છે. માર્કેટયાર્ડના પદાધિકારીઓ પસંદ કરવામાં પડદાની આગળ કરતા પાછળના ખેલ તરફ સહકારી વર્તુળોની મીટ છે.

(3:25 pm IST)