Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

દિવાળી બાદ રાજકોટ યાર્ડમાં મગફળીની ૧ લાખ ગુણીની જંગી આવકઃ ભાવ ઘટયા

શિયાળુ વાવેતર પૂર્ણ થતા ખેડૂતો મગફળીનો જથ્થો યાર્ડમાં ઠાલવી રહ્યા છેઃ મગફળીની પુષ્કળ આવકને પગલે મણે ૨૦ રૂ. ભાવ ઘટયા અને કપાસના ભાવમાં ૨૦થી ૨૫ રૂ.નો ઉછાળો

રાજકોટ, તા. ૨૬ :. રાજકોટ માર્કેટયાર્ડમાં દિવાળી બાદ આજે મગફળીની ૧ લાખ ગુણીની જંગી આવકો થતા યાર્ડ મગફળીની આવકોથી છલોછલ થઈ ગયુ હતુ. પુષ્કળ આવકોને પગલે મગફળીના ભાવોમાં ૨૦ રૂ.નું ગાબડુ પડયુ હતું.

રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા જ મગફળી ૧ લાખ ગુણીની જંગી આવકો થઈ હતી. દિવાળી બાદ પ્રથમવાર ૧ લાખ ગુણીની આવકો થઈ છે. દિવાળી પૂર્વે મગફળીની ૧ લાખ ગુણીની આવકો થઈ હતી. શિયાળુ વાવેતર પૂર્ણ થતા ખેડૂતો જંગી જથ્થામાં મગફળી યાર્ડમાં ઠાલવી રહ્યા છે. મગફળી જીણી ૧ મણના ભાવ ૮૮૯થી ૧૧૭૫ રૂ. તથા મગફળી જાડી ૯૦૦થી ૧૧૯૨ રૂ.ના ભાવે સોદા પડયા હતા. જ્યારે મીલ ડીલવરીમાં મગફળી જીણી ૧ મણના ભાવ ૧૨૫૦થી ૧૨૬૦ તથા મગફળી મોટીના ભાવ ૧૨૪૦ થી ૧૨૫૦ રૂ. હતા. પુષ્કળ આવક થતા મગફળીમાં ૧ મણે ૨૦ રૂ. ઘટયા છે. પરપ્રાંતમાં રાજસ્થાન અને યુપીમાં પણ મગફળીની આવકો વધતા ભાવો ઘટયાનું વેપારી સૂત્રોએ જણાવ્યુ હતુ.

બીજી બાજુ કપાસના ભાવો થોડો સમય ઘટયા બાદ ફરી ઉછાળો થયો છે. રાજકોટ યાર્ડમાં કપાસની ૫૦૦૦ કવીન્ટલની આવકો થઈ હતી. કપાસ ૧ મણના ભાવ ૧૫૫૦થી ૧૭૫૦ રૂ.ના ભાવે સોદા પડયા હતા. કપાસના ભાવમાં મણે ૨૦થી ૨૫ રૂ.નો ભાવ વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે કપાસનો પાક બગડી જતા ઓછા ઉત્પાદનની શકયતાએ ચાલુ વર્ષે કપાસના ભાવો આસમાને છે. આગામી દિવસોમાં હજુ પણ કપાસના ભાવો વધે તેવી શકયતા છે.

(12:40 pm IST)