Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

યાજ્ઞિક રોડ પર મનપા ત્રાટકી ૨૫૦૦ ચો.ફૂટ પાર્કિંગમાંથી દબાણો દૂર

ત્રિકોણબાગથી અકિલા ચોક સુધીના રાજમાર્ગો પર ૨ કોમ્પ્લેક્ષના પાર્કિંગ તથા માર્જિનની જગ્યા ખુલ્લી કરાઇ : ૨૮ લાખની વેરા વસુલાત : તમામ વિભાગ દ્વારા સંયુકત કામગીરી હાથ ધરાઇ

મ્યુ. કોર્પોરેશન દ્વારા આજે સવારે યાજ્ઞિક રોડ પરના કોમ્પ્લેક્ષ, દુકાન, એપાર્ટમેન્ટ તથા હોટલના માર્જિન - પાર્કિંગના દબાણો દુર કર્યા હતા તે વખતની તસ્વીરો. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૫: મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર 'વન વીક, વન રોડ' ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં દર સપ્તાહમાં ક્રમશઃ ત્રણેય ઝોનમાં વારાફરતી અલગ અલગ દિવસે એક વોર્ડમાં એક મુખ્ય રોડ પર વિવિધ શાખાઓ દ્વારા ઝુંબેશના સ્વરૂપે રોડને વ્યવસ્થિત રાખવા, ચોખ્ખો રાખવા માટે કામગીરી થશે. જેમાં આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારના યાજ્ઞિક રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રકચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેકસ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ.

૨૫૦૦ ચો. ફુટ જગ્યા ખુલ્લી કરાઇ

ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૭ માં સમાવિષ્ટ ડો. યાજ્ઞિક રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૨ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૨૫૦૦ ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે તેમજ ૨ ચાલુ બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ લગાડવા માટે સુચના આપવામાં આવેલ છે. (૧) રાધીકા કોર્પોરેશન, પેન્ટાલું બિલ્ડીંગ ખાતે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળની અંદાજે ૧૨૦૦ ચો.ફૂટ જેટલી જગ્યા કપાત કરવામાં આવેલ અને સ્થાનિકે બાંધકામ શાખા દ્વારા મેટલીંગનું કામ શરૂ કરી, રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાયેલ છે. (૨) બિઝનેશ ટર્મિનલ ખાતેપાર્કિંગને

નડતરરૂપ બેરીકેડીંગ દુર કરાવી અંદાજે ૧૩૦૦ ચોફૂટ જેટલી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. તેમજ બિલ્ડીંગ્સમાં પાર્કિંગ + ૦.૦૦ લેવલ કરાવેલ મિલકતની સંખ્યા – ૦૧, માર્જીન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી / પતરાનું દબાણ દુર કરાવેલ મિલકતની સંખ્યા – ૦૧, ચાલુ કન્સ્ટ્રકશન સાઇટમાં ગ્રીન નેટ કરાવેલ સાઇટની સંખ્યા – ૦૨ અને પાર્કિંગમાં ખુલ્લી મુકવામાં આવેલ જગ્યા (ચો.ફુ.) અંદાજિત ૨૫૦૦ ચો. ફૂટ કામગીરી કરવામાં આવેલ હતી.

૨૮ લાખનો વેરો વસુલાયો

વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૭નાં વિવિધ વિસ્તારમાંથી કુલ ૧૭ મિલ્કતો પાસેથી કુલ રૂ. ૨૭.૮૨ રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ છે.

જાહેરમાં કચરો ફેંકનાર ૪ વેપારીઓ દંડાયા

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેકનાર/ગંદકી કરવા સબબ ૦૪ વેપારીઓને રૂ.૧૨૫૦નો વહીવટી ચાર્જ, કચરાપેટી/ડસ્ટબીન ન રાખવા સબબ કુલ-૦૪ દુકાનદારોને રૂ. ૧૧૦૦નો વહીવટી ચાર્જ, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા/ઉપયોગ કરવા સબબ કુલ-૦૫ દુકાનદારોને રૂ. ૧૪૦૦નો વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. તેમજ વોર્ડના કુલ ૦૬ પબ્લીક ટોઇલેટ, ૦૪ ટ્વીન બીન રીપેર કરવામાં આવેલ અને વોર્ડના આવેલ ૦૧ વોકળાની પણ સફાઈ કરવામાં આવેલ. આમ કુલ ૧૩ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૭૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ.

(3:20 pm IST)