Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ચેક રીટર્ન કેસમાં રેઇન ફલો એન્ટરપ્રાઇઝના માલીકને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

ચેક મુજબની રકમ ન ચુકવે તો આરોપીને વધુ સજાનો હુકમ

રાજકોટ, તા.૨૫: સબમર્શીબલ પમ્પસની ખરીદી પેટેના ચેક રિટર્ન કેસમાં રેઇન ફલો એન્ટરપ્રાઈઝના માલીકને એક વર્ષની સજા કોર્ટ ફરમાવી હતી.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કોઠારીયા વિસ્તારના અમૃત ઉદ્યોગનગરમાં ક્રિષ્ના પમ્પ એન્ડ મોટર્સના નામથી ભુપતભાઇ ચનાભાઇ ધામેલીયા સબમર્શીબલ મીનીઓપન વેલ પમ્પસનો મેન્યુફેકચરનો ધંધો કરે છે.

આ કામના આરોપી રવીકુમાર ચંદુલાલ દેપાણી ગામઃ વાંસજાળીયા, તા.જામજોધપુર, જી.જામનગરવાળા રેઇન ફલો એન્ટરપ્રાઇઝના નામથી વાપી જી.આઇ.ડી.સી. ખાતે ધંધો કરતા ત્યારે રવીકુમાર ચંદુલાલ દેપાણીએ રૂ.૧,૮૪,૮૫૬/ અંકે રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર આંઠસો છપ્પન પુરા. નો સબમર્શીબલ મીની ઓપનવેલ પમ્પસનો માલ શ્રી ભુપતભાઇ ધામેલીયા પાસેથી ખરીદ કરેલો હતો. અને તે રકમ ચુકવવા રવીકુમાર દેપાણીએ તેમના પેઢીના ખાતાવાળી એકસીસ બેંક લી., વાપી બ્રાંચનો ચેક આપેલો હતો. જે ચેક રિટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.

આ કેસ ચાલી જતા રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટના જજ શ્રી એન.એચ. વસવેલીયા કોર્ટ આરોપી રેઇન ફલો એન્ટરપ્રાઇઝના માલીક રવીકુમાર ચંદુલાલ દેપાણીને ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી રવીકુમાર ચંદુલાલ દેપાણીને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા ચેક મુજબની રકમ સાંઇઠ દીવસમાં ફરીયાદીને ચુકવી આપવી અને જો સાઇઠ દીવસમાં રકમ ન ચુકવે તો વધુ ૧ (એક) વર્ષની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી.ફળદુ રોકાયેલા હતા.

(3:00 pm IST)