Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

છેલ્લા ૧૫ દિ'માં ગાંધી મ્યુઝિયમ ૨૬૦૦ લોકોએ નિહાળ્યુ

પાંચ વિદેશી મુલાકાતીઓએ ગાંધીજીના જીવન ચરિત્ર સમજ્યુ : દર સોમવારે મ્યુઝિયમ બંધ રહે છે

રાજકોટ તા. ૨૫ : રાજકોટમાં નિર્માણ પામેલ'મહાત્મા ગાંધીમ્યુઝીયમ'ના માધ્યમથી ગાંધીજીના મૂલ્યો,સિધ્ધાંતો અને ઉદેશોનો વ્યાપ વિશ્વના ફલક ઉપર વિસ્તરી રહ્યા છે. ગાંધી બાપુનેસાચી શ્રધ્ધાંજલિ રૂપે આ મ્યુઝિયમ એક અનોખી અને ઐતિહાસિક પહેલ બની રહી છે. પૂજય બાપુએ જયાં અભ્યાસ કર્યો છે તે આલ્ફ્રેડ હાઈસ્કુલમાં બનેલા આ મ્યુઝીયમની દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. જેમાં છેલ્લા પંદર દિવસમાં કુલ ૨૬૦૦ જેટલા મુલાકાતીઓએ ગાંધી મ્યુઝીયમની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી.

છેલ્લા પંદર દિવસમાં જુદા જુદા દેશના ૦૫ મુલાકાતીઓ તેમજ ૧૨ વર્ષથી મોટી ઉંમરના ૨૦૫૨ અને ૫૩૬ બાળકો એમ કુલ મળીને ૨૬૦૦થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં મુલાકાતીઓનું અન્ય એક ગ્રુપ પણ સામેલ છે. જે તા.૨૪ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટની જીલ્લા શિક્ષણ તાલીમ કોલેજ, રાજકોટની કુલ ૬૦ વિદ્યાર્થીનીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતો અંગેની માહિતી મેળવી અભિભુત થયા હતા.

ગાંધી મ્યુઝીયમ ખાતે આવતા મુલાકાતીઓ માટે ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧૦ રૂ., ૧૨ વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીમાં માટે ૨૫ રૂ. અને ફોરેનના મુલાકાતીમાં માટે ૪૦૦ રૂ. વિઝિટ ફી રાખવામાં આવી છે. ગાંધી મ્યુઝીયમની મુલાકાતનો સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૬.૦૦ સુધીનો રાખવામાં આવેલ છે તેમજ દર સોમવારે મ્યુઝીયમ બંધ રાખવામાં આવે છે.

મ્યુઝીયમ ખાતે ગાંધીજીના જીવન ચરિત્ર અને સિદ્ઘાંતો પર આધારિત કલા કૃતિઓ રાખવામાં આવી છે. વધુમાં મુલાકાતીઓ માટે લાઈબ્રેરી અને કેન્ટીનની પણ વ્યવસ્થા રાખવમાં આવી છે.

(2:57 pm IST)