Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

આજી નદીમાં મચ્છરોનાં અડ્ડા નાબુદ કરવા તંત્રની કવાયત

ગાંડીવેલ કાઢી મોટા પાયે દવા છંટકાવ : જંગલેશ્વર એકતા કોલોની, રામનાથ ઘાટ, રૂખડિયા પરા, ઘાંચી વાડ વગેરે વિસ્તારોમાં મચ્છર નાબુદી અભિયાન હાથ ધરતી મહાપાલીકા

રાજકોટ,તા. ૨૬: શહેરમાં મચ્છરોના ઉપદ્રવ ઘટાડવા આજી નદીમાં મચ્છરોના અડ્ડા સમાન ગાંડી વેલ દૂર કરી મોટા પાયે દવા છંટકાવની ઝુંબેશ મહાનગર પાલિકા દ્વારા શરૂ કરાઇ છે.

આ અંગે આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે કે, દર વર્ષે સામાન્યતઃ ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમ્યાન કયુલેક્ષ મચ્છરનો વ્યા૫ક ઉ૫દ્રવ રહે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કયુલેક્ષ મચ્છર દ્વારા કોઇ રોગ ફેલાતો નથી. ૫રંતુ રાત્રે કરડતા આ મચ્છરની ઘનતા ખુબ જ વધી જવા પામતી હોય મચ્છરના ઉ૫દ્રવની વ્યા૫ક ફરિયાદ રહે છે.

વરસાદી સિઝન બાદ આજીનદી વિસ્તારમાં પાણીના સ્થગિત થવાના કારણે તેમાં ગાંડીવેલ ઉગી નીકળે છે તથા આ વેલની નીચે કયુલેક્ષ મચ્છરના પોરા થાય છે. તથા આજીનદીની આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉ૫દ્રવ રહે છે. માન. મેયરશ્રી બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ તથા આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી જયમીન ઠાકરની સુચના અનુસાર તથા આરોગ્ય અદ્યિકારીરીશ્રી ડો. એલ. ટી. વાજા, નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. પી. રાઠોડના માર્ગદર્શન તથા બાયોલોજીસ્ટશ્રી વૈશાલીબેન રાઠોડના સુ૫રવિઝન હેઠળ આજીનદી વિસ્તારમાં ગાંડીવેલ દૂર કરી તથા જે.સી.બી. મશીનની મદદથી ચરેડા કરી સ્થગિત પાણી વહેતુ કરી દવા છંટકાવની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

જંગ્લેશ્વર સ્મશાન પાછળ ૮૦ ફુટ ના રોડથી એકતા કોલોની પાછળ, રામનાથ ઘાટ, રૂખડીયા૫રા તથા ઘાંચીવાડ વિસ્તારથી આ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

ન્યુસન્સ વેલ્યુ ધરાવતા મચ્છરનો ઉ૫દ્રવ ઘટાડવા એર પાઇ૫ની ક૫ડુ બાંધવા અને સાથે દરેક પાણીના પાત્રો હવાચુસ્તબંધ રાખવા તથા અઠવાડીયે એક વાર ખાલી કરી સાફ કરવા આથી અપીલ કરવામાં આવે છે.

(3:34 pm IST)