Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

રાજકોટ વીજતંત્રના ત્રણેય ડિવીઝનના ૯૦ ફીડર અન્ડરગ્રાઉન્ડ કેબલમાં આવરી લેવાયા પરંતુ રાજકોટ આસપાસના ૧૦૦ 'ફીડર' હજૂ બાકી

રાજકોટ પેરીફેરીમાં આવતા ૧૦૦ ફીડર અન્ડર ગ્રાઉન્ડ નહિ થાય તો સ્માર્ટ સીટી કોઇ અર્થ નથી : હાલ વીજતંત્ર પાસે પૂરતો સ્ટાફ અને પૂરતી સાધન સામગ્રી છે : 'સ્કાડા' કન્ટ્રોલ રૂમ અંગે ફરી કોન્ટ્રાકટ આપવાની તૈયારી

રાજકોટ તા. ૨૬ : પીજીવીસીએલના રાજકોટ વીજતંત્રે ગ્રાહકોને સાતત્યપૂર્વક લાઇટ પૂરી પાડવા અંગે સફળતા મેળવી છે, ધોધમાર વરસાદ - તોફાની પવનમાં પણ તંત્રે ઝીંકઝીલી મામૂલી ફરિયાદ આવે તેવી કાર્યવાહી કરી છે, ખાસ કરીને રાજકોટ સીટી-૧, સીટી-૨ અને સીટી-૩ વીજ ડિવીઝનના અંદાજે ૧૦૦ જેટલા ફીડરોના વિસ્તારો અન્ડરગ્રાઉન્ડ કેબલમાં આવરી લેવાયા અને તેના કારણે ભારે વરસાદની સ્થિતિમાં પણ વીજળી જળવાઇ રહી હતી.

પરંતુ ખાટલે મોટી ખોટ સમાન રાજકોટની અંદર આ બધુ થયું પરંતુ રાજકોટ પેરીફેરી - સરાઉન્ડીંગ અને બહારના વિસ્તારમાં આવતા વિસ્તારોના ૧૦૦ જેટલા ફીડરના વિસ્તારો અન્ડરગ્રાઉન્ડ કેબલમાં આવરી લેવાયા ન હોય, આ વિસ્તારોમાં પાવર ઇન્ટરસ્ટટ અને સાતત્વ જળવાતુ નથી તેમ ખુદ હાઇલેવલ વીજ ઇજનેરો માની રહ્યા છે.

રાજકોટમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાંખવાથી ૫૦૦ થાંભલા કાઢી નખાયા, પરંતુ બહારના વિસ્તારો જૈસે થે છે, હાલ વીજતંત્ર પાસે પૂરતો સ્ટાફ છે, સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં છે, સ્ટોરો ઉભરાઇ રહ્યા છે, ત્યારે જે તે સબ સ્ટેશનને જોડતા અન્ડરગ્રાઉન્ડ કેબલ નાંખવાનું તાકીદે શરૂ કરવું જરૂરી બની ગયું છે.

દરમિયાન ખોખડદડ વીજ સબડિવીઝન નવુ મંજૂર થયું, નાયબ ઇજનેરશ્રી ગોહેલનું પોસ્ટીંગ પણ થઇ ગયું છે, પરંતુ હજુ સુધી તે શરૂ નથી થયું તે પણ તાકિદે શરૂ કરવું જરૂરી બન્યું છે, આ વીજ સબડિવીઝન વાવડીમાંથી બાયફરકેશન કરાયું છે, કોઠારીયા - લોઠડા જીઆઇડીસી સહિતના વિસ્તારો - નવા કનેકશનો આ નવા વીજ સબ ડિવીઝનમાં આવી રહ્યા છે.

(3:28 pm IST)