Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સેફ એકસપ્રેસ કુરિયરના ગોડાઉનમાંથી રાજકોટ પોલીસે ૧.૨૧ લાખનો દારૂ પકડ્યોઃ ચાંગોદરમાં અઢી લાખના દારૂનો કંપનીના માણસોએ નાશ કર્યો!

ચાંગોદર પોલીસે ૭ જણા સામે કાવત્રુ ઘડી બારોબાર દારૂનો નાશ કરવાનો ગુનો નોંધ્યોઃ હરિયાણાથી આવેલા પાર્સલમાં દારૂ હોવાની ખબર હતી છતાં ૧૮૨ બોટલ સાથેના પાર્સલો રાજકોટ મોકલી દીધા'તાઃ રાજકોટ પોલીસે ત્રણ મેનેજર અને રાજસ્થાનના ડ્રાઇવરને દબોચ્યા : હરિયાણાના સોનીપતથી આવેલા પાર્સલ મંગાવનારે ફોન બંધ કરી દીધોઃ વડોદરા તરફનો નંબરઃ કોલ ડિટેઇલ કઢાવવા કાર્યવાહીઃ કિચનવેરની બિલ્ટીની આડમાં દારૂની હેરાફેરી : શહેર એસઓજીના સમીરભાઇ શેખ અને અજીતસિંહ પરમારની બાતમીઃ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસઓજી પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારા સહિતનો દરોડો

રાજકોટ તા. ૨૫: પોલીસની બચવા દારૂના ધંધાર્થીઓ કેટલાક સમયથી ટ્રાન્સપોર્ટની આડ લઇ રહ્યા છે. અનેક વખત દારૂના જથ્થા સાથેના ટ્રક શહેર પોલીસ પકડતી રહે છે. આ વખતે શહેર એસઓજીએ ચોક્કસ બાતમી પરથી કુવાડવા રોડ આઇઓસી પ્લાન્ટ સામે આવેલી ખુબ જ જાણીતી સેફ એકસપ્રેસ કુરીયર કંપનીના ગોડાઉનમાં દરોડો પાડી કુરીયરના ટ્રકમાં ભરેલો રૂ. ૧,૨૧,૨૦૦નો ૨૪૦ બોટલ દારૂ કબ્જે કરી કુરીયર કંપનીના ત્રણ મેનેજર તથા રાજસ્થાની ટ્રક ચાલક મળી ચારને પકડી લઇ રૂ. ૧૬,૩૭,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે સેફ એકસપ્રેસની ચાંગોદર બ્રાંચના ૭ કર્મચારીઓએ ૨,૪૪,૦૦૦ના દારૂનો નાશ કરી ખાલી બોકસ સળગાવી દઇ પોલીસને જાણ કરી નહોતી. આ અંગે ત્યાંની પોલીસે અલગ ગુનો નોંધ્યો છે.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ આઇઓસી પાસે આવેલી સેફ એકસપ્રેસ કુરીયર કંપનીના ગોડાઉનમાં આવેલા ટ્રક નં. જીજે૧૮બીટી-૦૫૮૮માં દારૂનો જથ્થો આવ્યો છે અને ગોડાઉનમાં ઉતારવામાં આવી રહ્યો છે તેવી બાતમી એસઓજીના હેડકોન્સ. સમીરભાઇ શેખ તથા અજીતસિંહ પરમારને મળતાં પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ અતુલ એસ. સોનારા સહિતે દરોડો પાડતાં કુરીયર કંપનીના ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની રૂ. ૧,૨૧,૦૦૦ની ૨૪૦ બોટલો મળતાં તે તથા ૧૫ લાખનો ટ્રક, મોબાઇલ ફોન, બારકોડ વે બીલ, ઇનવોઇઝ બીલ મળી રૂ. ૧૬,૩૧,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસે ગોડાઉન ખાતેથી ત્રણ મેનેજર પ્રવિણ શિવચરણ ભાવસાર (ઉ.વ.૩૮-રહે. ગાંધીગ્રામ જીવંતિકાનગર, પુરૂષાર્થ પાસે), શૈલેન્દ્રસિંહ વીકેસિંહ રાણા (ઉ.૩૧-રહે. માધાપર ચોકડી, ગોલ્ડન પોર્ટીકો ડી-વિંગ, ૧૦મો માળ) તથા અજીત રામકેર યાદવ (ઉ.વ.૩૪-રહે. નવાગામ,છપ્પનીયા કવાર્ટર) અને ટ્રક ચાલક રામારામ મંગારામ જાટ(ઉ.વ.૩૬-રહે. ગોદારોની ઢાળી ટુકીયા ગામ તા. લોલાવા જી. બાડમેર રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

આ બધા સામે પુર્વ યોજીત કાવત્રુ રચી બોગસ વે-બીલ તથા બોગઇ ઇનવોઇઝ બીલના દસ્તાવેજો ઉભા કરી કિચનવેરની બિલ્ટીની આડમાં દારૂના પાર્સલોની હેરફેર કરવા સબબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આ પાર્સલ જેણે મંગાવ્યા હતાં તેનો ફોન નંબર હોઇ તેના પર સંપર્ક થતાં તે બંધ થઇ ગયો હતો. વડોદરા તરફનો આ નંબર હોવાનું ચર્ચાય છે. પોલીસે કોલડિટેઇલને આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારા, સમીરભાઇ શેખ, અજીતસિંહ પરમાર સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

ચાંગોદરમાં જથ્થાનો નાશ કરાયો

રાજકોટ એસઓજી સેફ કુરીયરમાંથી દારૂ પકડાતાં તપાસ કરતી હતી ત્યાં જાણવા મળ્યું હતું કે આ જ કુરીયર કંપનીના ચાંગોદર (અમદાવાદ) બ્રાંચના ૭ કર્મચારીઓ સામે ત્યાંની પોલીસે પ્રોહી એકટ, કાવત્રુ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી આવતાં સેફ એકસપ્રેસ કુરીયરના પાર્સલો પહેલા અમદાવાદ ચાંગોદર ખાતેની બ્રાંચમાં ઉતારાય છે. ત્યાંથી જે તે શહેર-જીલ્લામાં ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. હરિયાણાથી આવેલા પાર્સલોમાં દારૂનો જથ્થો હોવાની જાણ ચાંગોદરમાં પાર્સલ ઉતારતી વખતે ત્યાંના કર્મચારીઓને બોટલ ફુટવાને કારણે થતાં કર્મચારીઓએ તપાસ કરતાં અલગ-અલગ પાર્સલોમાંથી રૂ. ૨,૪૪,૦૦૦ની રેડલેબલ, જોની વોકર્સ, રોયલ ચેલેન્જર્સ, બ્લેન્ડર્સ પ્રાઇડ, જ્યોર્જ બેલેન્ટાઇન સહિતની બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી.

આ બાબતે ચાંગોદર પોલીસને જાણ થઇ જતાં પોલીસ દરોડો પાડી માલ પકડે એ પહેલા સેફ એકસપ્રેસના ૭ કર્મચારીઓ વિજય શ્રીમહાકાંત ઝા (રહે. અમદાવાદ બોપલ), અખિલેશકુમાર અવધેશકુમાર રાજવંશ, બ્રિકેશ છબીલાલસીંગ રાજવંશ, સુરેન્દ્રસંગ મહેન્દ્રસંગ રાજપુત (રહે. તમામા સેફ એકસપ્રેસ કંપની ચાંગોદર), હિરાલાલ ભગવાનદાસ જાટ (રહે. અમવાદાવ બોપલ), સુરેન્દ્ર યોગેન્દ્રભાઇ ત્રિવેદી (રહે. સેફ એકસપ્રેસ ચાંગોદર તા. સાણંદ) તથા ખાલીફ (રહે. ચાંગોદર) સામે આઇપીસી ૨૦૧, ૧૨૦ (બી), પ્રોહી એકટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

આ તમામે રૂ. ૨,૪૪,૦૦૦નો દારૂના જથ્થાનો ઇરાદાપુર્વક નવાપુરા ગામના પાટીયા પાસે નાશ કરી નાંખ્યો હતો અને તેના ખાલી બોકસ સળગાવી દીધા હતાં.  તેમજ તેનો મોબાઇલથી વિડીયો પણ બનાવ્યો હતો. સાતમાંથી ખાલીફ હાથમાં આવ્યો નથી. બાકીના છને પકડી લેવાયા છે. પોલીસે ઘટના સ્થળેથી ૨૦૦ એમએલ દારૂ સાથેની ફુટેલી બોટલ તથા બીજી તૂટેલી બોટલો, ઢાંકણા ફોન બધુ કબ્જે કર્યુ છે.

રાજકોટ એસઓજી ચાંગોદરમાં પકડાયેલા કુરીયર કંપનીના માણસોની પણ પુછતાછ કરી શકે છે. તેમજ રાજકોટથી પકડાયેલા ચારેયના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવવા તજવીજ હાથ ધરાઇ છે.

(2:29 pm IST)