Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

રાજકોટમાં મોરબીની ત્રિપુટી સામે કાર લે-વેંચના બહાને ૧૯ લોકો સાથે ૧.૨૦ કરોડની ઠગાઇ ગુનો

મહિલા કોલેજ અન્ડરબ્રિજ ઉપર રામ મોટર્સ એન્ડ ફાયનાન્સ નામે ઓફિસ ખોલી અનેકને ફસાવી ઉઠમણા કરી લીધા'તા : મોરબીના જય સેજપાલ, વત્સલ પટેલ અને કરણ ઉનડકટ સામે એ-ડિવીઝનમાં જીવરાજ પાર્કના વેપારી સુરેશચંદ્ર બાવરીયાની એફઆઇઆરઃ તેમના પુત્રની કાર પણ ગઇઃ કરણ અને વત્સલની પુછતાછ

રાજકોટ તા. ૨૫: મહિલા કોલેજ અન્ડર બ્રિજ ઉપર કોસ્મો કોમ્પલેક્ષમાં રામ  મોટર્સ એન્ડ ફાયનાન્સ નામે ઓફિસ ખોલી કાર લે-વેંચના નામે અનેક લોકો સાથે કરોડોની ઠગાઇમાં અંતે એ-ડિવીઝન પોલીસે મોરબીના ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ ત્રણેય સામે હાલ ૧૯ લોકો સાથે કાર વેંચી આપવાના બહાને ચાંઉ કરી જવાનો અને નવી ખરીદી આપવાના નામે ડાઉનપેમેન્ટ મેળવી લઇ કાર નહિ આપી કુલ રૂ. ૧,૨૦,૭૨,૨૦૦ની ઠગાઇ કરવાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવમાં પોલીસે નાના મવા રોડ અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક કસ્તુરી એવીએરી બ્લોક નં. ૯૦૨માં રહેતાં અને ખેતી તથા વેપાર કરતાં સુરેશચંદ્ર ભવાનભાઇ બાવરીયા (પટેલ) (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી મુળ મોરબીના વત્સલ ચેતનભાઇ પટેલ, કરણ હરિશભાઇ ઉનડકટ તથા જય મુકેશભાઇ સેજપાલ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૯, ૧૨૦ (બી) મુજબ કાવત્રુ ઘડી કોસ્મો કોમ્પલેક્ષમાં રામ મોટર્સ એન્ડ ફાયનાન્સ નામે પેઢી ખોલી વેપારી તથા એજન્ટ તરીકે જુની-નવી કારની લે-વેંચ કરી આપવાના બહાને ફરિયાદી તથા બીજા લોકો પાસેથી તેઓની કાર વેંચાતી લઇ થોડી રકમ આપી બાકીની રકમ કે કાર ન આપી કુલ ૧૪ કારની રકમ રૂ. ૯૯,૫૬,૨૦૦ તથા ડાઉન પેમેન્ટ પેટે મેળવેલા રૂ. ૨૧,૧૬,૦૦૦ મળી કુલ રૂ. ૧,૨૦,૭૨,૨૦૦ની ઠગાઇ કરવા સબબ ગુનો નોંધી બે વત્સલ તથા કરણને સકંજામાં   લઇ પુછતાછ આદરી છે.

સુરેશચંદ્ર બાવરીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ખેતી કરવાની સાથે પાવડર કોટીંગનો વેપાર કરે છે. તેમને પોતાની ટોયોટા ફોર્ચ્યુનર કાર જીજે૦૩એચકે-૯૯૯૯ વેંચીને બીજી ગાડી લેવી હોઇ ગામમાં તપાસ કરતાં જાણવા મળેલ કે રાજકોટમાં કોસ્મો કોમ્પલેક્ષ મહિલા કોલેજ અન્ડર બ્રિજ ઉપર જય સેજપાલની રામ મોટર્સ એન્ડ ફાયનાન્સ નામની ઓફિસ છે ત્યાં નવી-જુની કારનું કામ થાય છે. આથી તેઓ ૧૯/૧૦ના રોજ પુત્ર મિત સાથે રાજકોટ આવ્યા હતાં અને જયની ઓફિસે ગયા હતાં. ત્યાં જય સાથે કરણ અને વત્સલ નામના શખ્સો પણ હતાં. ફોર્ચ્યુનર ગાડી વેંચવાની વાત કરતાં જયએ ગાડી જોયા બાદ રૂ. ૧૫,૨૫,૦૦૦ કિંમત નક્કી કરી હતી. ટોકન પેટે રૂ. ૧૧ હજાર રોકડા આપી દીધા હતાં અને ૮,૫૦,૦૦૦નો વત્સલ પટેલે એકસીસ બેંકનો ચેક આપ્યો હતો.

એ પછી સુરેશચંદ્રએ પોતાની ગાડી જયને સોંપી હતી. જયએ બાકીના રૂ. ૬,૬૪,૦૦૦ વાહનનું એનઓસી આવ્યે ચુકવી આપશે તેવી ખાતી આપી હતી. પણ આ ચેક સુરેશભાઇએ પોતાના ખાતામાં જમા કરાવવા નાંખતા તે બાઉન્સ થતાં જયને વાત કરતાં તેણે પોતે રોકડા કરાવી આપશે તેવું કહ્યું હતું. આ ઉપરાંત સુરેશચંદ્રના પુત્ર મિતની કાર જીજે૧૧એએસ-૬૫૭૬ રૂ. ૫,૭૧,૦૦૦ની નક્કી કરી ૨૪/૧૦ના રોજ ૧ લાખ તથા ૨૫/૧૦ના રોજ ૫૦ હજાર આપી બાકીની રકમ બે દિવસ પછી ચુકવી આપવાની વાત કરી હતી. પરંતુ ૨૭/૧૦ના મિત ઓફિસે તપાસ કરવા આવતાં જયની ઓફિસ બંધ હતી અને બીજા માણસો ભેગા થયા હોઇ તેના દ્વારા જાણવા મળ્યું હતું કે આ લોકો પણ છેતરાયા છે.

જય સહિતની ત્રિપુટીએ જુની ગાડીની વધુ કિંમત નક્કી કરી પોતે ખરીદી લઇ તેની અમુક રકમ આપી બાકીની રકમ ન આપી તેમજ નવી ગાડીઓ કંપનીમાંથી છોડાવી ફાયદો કરાવી દેવાના બહાને બૂકીંગના નામે ડાઉન પેમેન્ટ મેળવી લઇ મોટી ઠગાઇ કર્યાનું જાણવા મળ્યું હતું.

ફરિયાદીના પુત્ર મિત બાવરીયાએ તપાસ કરતાં અન્ય છેતરાયેલા લોકો પણ સામે આવ્યા હતાં. જેમાં ગોંડલ નંદનવનના રવિ વલ્લભભાઇ ડોબરીયાની સિયાઝ કાર જીજે૦૩એચકે-૨૫૯૩ રૂ. ૫,૨૧,૦૦૦, નિલેષ ગુલાબદાન ગઢવી (રહે. અર્જુન એપાર્ટમેન્ટ સાધુ વાસવાણી રોડ)ની જીજે૦૩એચકે-૫૩૧૩ રૂ. ૪,૬૪,૦૦૦,  વિશાલ ગોવિંદભાઇ સિંધવ (રહે. રણછોડનગર રજપૂતવાડી-૧૫)ની મહીન્દ્રા ટીયુવી કાર જીજે૦૩જેએલ-૪૧૯૭ રૂ. ૬ લાખની, સંજય જગદીશભાઇ સબાબપરા (રહે. સફલગોલ્ડ એપાર્ટમેન્ટ, કાલાવડ રોડ)ની કાર જીજે૦૩એચઆર-૮૨૫૩ રૂ. ૪ાા લાખની, વિનર કાંતિલાલ પૂજારા (રહે. ચિત્રકુટ ધામ ચોટીલા)ની જીજે૧૩એએમ-૫૮૦૦ રૂ. ૪,૨૩,૦૦૦ની કાર, ઇમરાન અબ્દુલભાઇ બુકેરા (રહે. આજી વસાહત ખોડિયાર પરા)ની જીજે૦૩એચઆર-૭૩૮૨ રૂ. ૨ લાખની, ઓજસ મધુભાઇ ગજેરા (રહે. આનંદ બંગલા ચોક, શ્રીજી કૃપા)ની જીજે૦૩કેસી-૮૩૭૫ રૂ. ૨,૮૮,૦૦૦ની કાર, મિતેશગીરી હિતેશગીરી ગોસ્વામી (રહે. નાગબાઇ ગઢતા તા. પડધરી)ની રૂ. ૨ લાખની કાર, દિવનપરાના મોહસીન યાસીનભાઇ ગાંજાની રૂ. ૧૫,૫૦,૦૦૦ની જીજે૦૩કેએચ-૭૨૫૫ નંબરની કાર, વૃંદાવન પાર્કના રવિ મહેન્દ્રભાઇ ભીમાણીની ૨,૨૫,૦૦૦ની કાર, મોરબી રોડ કારીયા સોસાયટીના ગોપાલભાઇ દિનકરરાય પંડ્યાની રૂ. ૫૬ હજારની તથા ૨ાા લાખની એમ બે કાર, નંદુબાગ શિવધારાન સ્મીત રમેશભાઇ રૈયાણીના રૂ. ૬ લાખ રોકડા, જમુના પાર્કના રતિલાલ મૈયાભાઇ વરૂના ૨ લાખ રોકડા, પ્રહલાદ પ્લોટના ચેતન હર્ષદભાઇ મહેતાના રૂ. ૧ લાખ તથા ન્યુ જાગનાથના છત્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના રૂ. ૬ લાખ રોકડા મળી કુલ રૂ. ૧,૨૦,૭૨,૦૦ની ઠગાઇ ત્રિપુટીએ કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

જેની કાર ગઇ તેણે કાર વેંચવા મુકી હતી અને રોકડા આપનારાઓને નવી કાર ખરીદવાની હોઇ ડાઉન પેમેન્ટ પેટે રકમ આપી હતી. જય સેજપાલ, વત્સલ પટેલ અને કરણ ઉનડકટે ઓફિસ ખોલી પ્રારંભે તો કાયદેસરનું કામ કરી લોકોને લાભ કરાવ્યો હતો. પરંતુ બાદમાં બૂચ મારી દઇ ઓફિસ બંધ કરી ભાગી ગયા હતાં.

પીઆઇ સી. જી. જોષી, પીએઅસાઇ જે. એમ. ભટ્ટ, ભરતસિંહ ગોહિલ, ડી. બી. ખેર, હારૂનભાઇ ચાનીયા સહિતની ટીમે તપાસ શરૂ કરી બે શખ્સો વત્સલ અને કરણને સકંજામાં લીધા છે. સુત્રધાર જય હાથમાં આવ્યો નથી.

(11:41 am IST)
  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST

  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST