Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષની ચૂંટણી ૩ ડીસેમ્બરેઃ રાજકીય ગરમાવો

બજેટની કામગીરી ધ્યાને રાખીને ત્વરિત એજન્ડાઃ નવ અધ્યક્ષ તરીકે ચંદુભાઇ-ભાનુબેન તળપદાના નામ ચર્ચામાં : વર્તમાન ચૂંટાયેલી પાંખના એક કારોબારી અધ્યક્ષે મુદત પુરી કરી, બીજાએ રાજીનામુ આપવુ પડયુઃ ત્રીજા અધ્યક્ષને વિકાસ કમિશનરે હોદા પરથી હટાવ્યાઃ હવે ગણતરીના દિવસો માટે ચોથા અધ્યક્ષ ચૂંટવાની ગતિવિધી

રાજકોટ, તા.ર૬ : જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કે.પી. પાદરિયાને લાંચ પ્રકરણમાં વિકાસ કમિશનરે હોદા પરથી હટાવતા નવા અધ્યક્ષની ચૂંટણી માટે વહીવટી તંત્રએ તા. ૩ ડીસેમ્બર ગુરૂવારે સવારનો સમય નક્કી કર્યો છે. આ અંગેનો વિધિવત એજન્ડા આજે સાંજ સુધીમાં બહાર પડી જનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. બીજી તરફ પોતાને હટાવવા સામે કે.પી. પાદરિયાએ સચિવ અથવા હાઇકોર્ટમાંથી સ્ટે. મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. જો સ્ટે મળે તો નવા અધ્યક્ષની ચૂંટણીને બ્રેક લાગી શકે છે.

જિલ્લા પંચાયતનું ચાલુ નાણાકીય વર્ષનું સુધારેલ બજેટ મંજુર કરવાનો સમય બાકી પાકી રહ્યો છે. નિયમ મુજબ બજેટ પહેલા કારોબારીમાં અને પછી સામાન્ય સભામાં મંજુર થવું જરૂરી છે. સમયની મર્યાદાને ધ્યાને રાખીને વહીવટી તંત્રએ કારોબારી અધ્યક્ષની ચૂંટણી ત્વરિત કરાવવાનું જરૂરી માન્યું છે. તા. ૩ના રોજ કારોબારી અધ્યક્ષની ચૂંટણી થઇ જાય પછી નવા અધ્યક્ષે ટુંકા ગાળામાં જ બજેટ સબંધી કાર્યવાહી માટે કારોબારી સમિતિની બેઠક બોલાવાની રહેશે.

જિલ્લા પંચાયતમાં વર્તમાન ચૂંટાયેલી પાંખના કાર્યકાળમાં પ્રથમ અઢી વર્ષ અર્જુન ખાટરિયા કારોબારી અધ્યક્ષ રહેલ. તેમણે મુદત પૂરી કરી હતી. ત્યારબાદ કોંગ્રેસમાં બળવો થતાં ભાજપના સહકારથી રેખાબેન પટોળિયા અધ્યક્ષ બનેલ. તેમની સામે અશ્વિાસ દરખાસ્ત આવતા રાજીનામુ આપવું પડયું હતું. ત્રીજા અધ્યક્ષ કે.પી. પાદરિયાને લાંચ પ્રકરણમાં વિકાસ કમિશનરે હોદ્દા પરથી હટાવ્યા છે. હવે પંચાયતની ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થવાના બાકી ગણતરીના દિવસોમાં ચોથા અધ્યક્ષ ચૂંટવાની વેળા આવી છે. નવા કારોબારી અધ્યક્ષ તરીકે ચંદુભાઇ શીંગાળા, ભાનુબેન ધીરૂભાઇ તળપદા વગેરે નામ ચર્ચામાં છે. પંચાયતમાં રાજકીય ગરમાવો આવ્યો છે.

(11:39 am IST)