Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સ્મશાનમાં વિધી કરવાથી તારા ઘરે સંતાન થશે...તેવું કહી ૧ લાખની સોનાની હાંસડી લઇ જનારી લાભુ અને નયના ઝડપાઇ

મારા ભાઇના ઘરે રાંદલ માતાની કૃપાથી ઘણા વર્ષે દિકરાનો જન્મ થયો છે, માતાજી માટે કંકુ-ચાંદલા માંગવાની માનતા રાખી છે...કહી કુવાડવાની જલ્પાને 'જાળ'માં ફસાવી હતી : કુવાડવા પોલીસે નવાગામ આણંદપરમાં રહેતી બે મહિલાની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે કર્યોઃ કોન્સ. મનિષ ચાવડા, દિલીપ બોરીચા અને અજીત લોખીલની બાતમી પરથી સફળતા

રાજકોટ તા. ૨૬: કુવાડવા રહેતી જલ્પા દિપક બાહુકીયા (ઉ.૨૨) નામની કોળી પરિણીતા પંદર દિવસ પહેલા ઘરે એકલી હતી ત્યારે સવારે સાડા અગિયારેક વાગ્યે બે મહિલાએ આવી રાંદલ માતાજીને પ્રસાદી ધરવાની માનતા કરવાની છે...વિધી કરવાથી સંતાન પ્રાપ્તિ થાય...તેવી વાતો કરી જલ્પાને પોતાની જાળમાં ફસાવી રૂ. ૧ લાખના સોનાના દાગીના અને પ૫૦૦ની રોકડ લઇ છનનન થઇ ગઇ હતી. આ ગુનાનો ભેદ કુવાડવા રોડ પોલીસે ઉકેલી નાંખી નવાગામ  આણંદપર દિવેલીયાપરામાં રહેતી લાભુ મહેશ ઉર્ફ ભડીયો નકુમ (નાથબાવા) (ઉ.૩૪) તથા આણંદપર રંગીલાના પુલ પાસે રહેતી નયના ભરત નકુમ (નાથબાવા) (ઉ.૪૦)ને પકડી લઇ તેણે છેતરપીંડીથી મેળવી લીધેલા રૂ. ૧ લાખના સોનાના દાગીના તથા રૂ. ૫૫૦૦ની રોકડ કબ્જે કર્યા છે.

જલ્પા ૧૨/૧૧ના રોજ તેના ઘરે એકલી હતી ત્યારે બે મહિલા આવી હતી અને તેમાંથી એકે પોતે કુવાડવાના કવાર્ટરમાં રહેતી હોવાનું તેમજ પોતાનું નામ જયાબેન હોવાનું કહ્યું હતું. એ પછી બીજી એક મહિલાએ કહ્યું હતું કે-મારા ભાઇના ઘરે રાંદલ માતાની કૃપાથી ઘણા વર્ષે દિકરાનો જન્મ થયો છે. મેં રાંદલ માતાની માનતા રાખી છે. માતાજીના લોટા તેડવા માટે ચાંદલા-કંકૂ માંગવાની માનતા છે, મને ચાંદલાનું પેકેટ અને કંકુ હોય તો આપ...તેમ કહેતાં જલ્પાએ પોતાને પણ લગ્નના બે વર્ષ થયા છતાં સંતાન નથી તેમ કહેતાં એ મહિલાએ તેના માટે વિધી કરવી પડે...મને રૂ. ૫૦૫૧ આપ અને સોનાનું એક ઘરેણું હોય તો લઇ આવ અને મારી સાડીના છેડે બાંધી દે એટલે તને  વિધી કરી આપીએ...આ વિધી બાદ તારા ઘરે સંતાન પ્રાપ્તિ થશે. તેવી વાત કરતાં જલ્પા તેની જાળમાં ફસાઇ ગઇ હતી અને રૂ. ૨૦૦૦ની એક અને ૫૦૦ની સાત  નોટ આપી હતી. તેમજ ઘરમાં સોનાની અઢી તોલાની હાંસડી રૂ. ૧ લાખની હતી તે લાવી હતી અને મહિલાની સાડીના છેડે બાંધી દીધી હતી.

એ પછી મહિલાએ વિધી કરતી હોય તેવો દેખાવ કર્યો હતો અને 'અમે કુવાડવાના સ્મશાનમાં વિધી કરીને પાછા આવી તારા ઘરેણા-રૂપિયા આપી દઇશું' તેમ કહી નીકળી ગઇ હતી. જલ્પાએ લાંબો સમય રાહ જોવા છતાં બંને મહિલા પાછી ન આવતાં ઘરમેળે શોધખોળ આદરી હતી. પરંતુ પત્તો ન મળતાં અને કુવાડવા કવાર્ટરમાં કોઇ જયાબેન રહેતી નહિ હોવાની ખબર પડતાં કુવાડવા પોલીસને જાણ કરી હતી. ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના હેઠળ પી.આઇ. એમ.આર. પરમાર, પીએસઆઇ એમ. કે. ઝાલા, હેડકોન્સ. બી.ટી. ભરવાડ, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા, કોન્સ. દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, અજીતભાઇ લોખીલ, રઘુવીર ઇશરાણી, દેવેન્દ્રસિંહ જાડેજા, મહિલા કોન્સ. ક્રિષ્નાબેન સિતાપરાએ તપાસ હાથ ધરી બાતમી પરથી બંને નાથબાવા મહિલાને ઝડપી લઇ સોનાની હાંસડી અને રોકડ કબ્જે કરી તેણે આવા વધુ કોઇ ગુના આચર્યા છે કે કેમ? તેની તપાસ હાથ ધરી છે.

ભત્રીજાવહૂ અને કાકીજીએ સાથે મળી આર્થિક ભીંસ દૂર કરવા પ્લાન ઘડ્યો'તો પણ...

 બંને મહિલા ભત્રીજાવહૂ અને કાકીજીનો સંબંધ ધરાવે છે. આર્થિક ભીંસ ઉદ્દભવી હોઇ આવી કારીગીરી કરી રોકડા કરવાનો બંનેએ પ્લાન કરી અમલમાં મુકયો હતો. પણ પોલીસે બંનેને શોધી કાઢી હતી.

(3:58 pm IST)