Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કારોબારી અધ્યક્ષ રાજીનામું ન આપે તો મામલો વિકાસ કમિશનર પાસે

અવિશ્વાસ દરખાસ્તના સામના માટે અધ્યક્ષેક બેઠક બોલાવવાનો સમય પૂરો

રાજકોટ, તા., ર૬: જિલ્લા પંચાયતની કારોબારી સમીતીના અધ્યક્ષ રેખાબેન પટોળીયા સામે ૯ પૈકી ૬ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મુકયાનો આજે ૯ મો દિવસ છે કારોબારી અધ્યક્ષે ૧પ દિવસમાં બેઠક બોલાવાની હોય છે. બેઠક બોલાવવા માટેની સમય મર્યાદા પુરી થઇ ગઇ હોવાથી હવે અધ્યક્ષ રાજીનામુ ન આપે તો મામલો વિકાસ કમિશનર પાસે પહોંચશે. કમિશનર નક્કી કરે તે તારીખે અવિશ્વાસ દરખાસ્ત માટે બેઠક બોલાવાની રહેશે.

કારોબારી અધ્યક્ષે બળાબળના પારખા માટે ૧પ દિવસમાં સમગ્ર કાર્યવાહી પુરી થઇ જાય તે રીતે બેઠક બોલાવાની હોય છે. બે ડીસેમ્બરે ૧પ દિવસની સમય મર્યાદા પુરી થાય છે. ચોખ્ખા ૬ દિવસનો જરૂરી  સમયગાળો જોતા ર જી ડિસેમ્બર સુધીમાં કારોબારી બેઠક બોલાવી શકાય તેમ નથી. કારોબારી અધ્યક્ષે બેઠક બોલાવવાનો સમય પુરો થઇ ગયો છે. દરખાસ્ત રજુ થયાના ૧પ દિવસ પુરા થયા બાદ વિકાસ કમિશનરે આગળની કાર્યવાહી કરવાની થશે. બહુમતી ગુમાવી દીધી હોવા છતા સતા પર રહેલા કારોબારી અધ્યક્ષને રાજીનામુ આપવા માટે  સાથી સભ્યો સમજાવી રહયા છે. સમજાવટ કરતા સભ્યોને રાજીનામુ આવી જવાની આશા છે.

 જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવા માટે પ્રમુખે ડીડીઓને માર્ર્ગદર્શક પત્ર મોકલ્યો છે. ડીડીઓ તરફથી જવાબ આવે તેની પદાધિકારીઓ રાહ જોઇ રહયા છે. પ્રમુખ-ઉપપ્રમુખ સામેનો અવિશ્વાસ દરખાસ્તનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. નવી સામાન્ય સભા બોલાવવાનું કોકડું ગુંચવાયેલું છે.

(3:56 pm IST)