Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આઇયે આપ કા ઇન્તઝાર થા...હેલ્મેટની હૈયાહોળીમાં દંડના ડામથી રોજ દાઝી રહ્યા છે વાહન ચાલકોઃ બમણા જોશથી એક દિ'માં ૩૯.૨૮ લાખનો દંડ

ચોકે-ચોકે, મુખ્ય માર્ગો પર હેલ્મેટ વગરના, રોંગ સાઇડમાં આવતાં વાહન ચાલકોનું પોલીસ કરે છે 'મેમો'થી સ્વાગત : હેલ્મેટના કાયદાથી પ્રજાજનો જ નહિ ખુદ પોલીસ પણ કંટાળી ગઇ છે!...રોંગ સાઇડમાં હેલ્મેટ વગર નીકળેલા ટ્રાફિક બ્રાંચના પીએસઆઇને દંડ ભરવો પડ્યો

રોકડા ન હોય તો ફોટો પડાવતા જાવ,હેલ્મેટ વગર આવ્યા છો  તો દંડ લેતા જાવ...

રાજકોટ તા. ૨૬: નેવુંના દસકમાં (૧૯૯૪)માં આવેલી આજના સિંઘમ સ્ટાર અજય દેવગણ અને અભિનેત્રી તબ્બુની ફિલ્મમાં એક ગીત 'આઇયે આપ કા ઇંતઝાર થા...' ખુબ હિટ થયું હતું. આ ગીત જાણે આજે શહેરના ચોકે-ચોકે, મુખ્ય માર્ગો પર દરરોજ મેમો બૂક સાથે હેલ્મેટ વગરના વાહન ચાલકોની રાહ જોઇને ઉભી રહેતી પોલીસની ટીમને જોઇને યાદ આવી જાય છે. હેલ્મેટ વગર કે રોંગ સાઇડમાં આવતાં દેખાય એ સાથે જ આવા વાહનચાલકના પોલીસ 'મેમો'થી પોખણા કરી ૫૦૦ થી માંડી ૧૫૦૦નો 'ચાંદલો' વસુલે છે...એટલે કે કાયદાના ભંગ બદલ દંડ વસુલે છે. વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ પડ્યા પછી પોલીસ રોજબરોજ હજ્જારો વાહન ચાલકોને લાખો રૂપિયાનો દંડ ઇ-ચલણથી ફટકારી રહી છે, તો દરરોજ સ્થળ પર પણ દંડની વસુલાત થઇ રહી છે. વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન ચોક્કસપણે કરવું જ જોઇએ, એ સત્ય છે. પરંતુ હેલ્મેટની હૈયાહોળી શહેરી વિસ્તારમાં મોટાભાગના ટુવ્હીલર ચાલકો ઇચ્છતા નથી. જો કે પોલીસે નિયમ મુજબ, આદેશ મુજબ દંડની વસુલાત યથાવત રાખી છે. ગઇકાલે દંડનો ડામ બમણા જોશથી અપાયો હોઇ તેમ એક જ દિવસમાં ૬૦૦૭ વાહન ચાલકોને રૂ. ૩૯,૬૮,૯૦૦ના ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

ઠેકઠેકાણે દરરોજ સવાર-સાંજ ટ્રાફિક શાખાની ટીમો અને અન્ય પોલીસ મથકોની ટીમો વાહન ચાલકો પાસેથી હેલ્મેટ, વન-વે, ત્રણ સવારી સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ વસુલાતની કાર્યવાહી કરે છે. જેમાં હેલ્મેટ ન પહેર્યુ હોય તેવા વાહન ચાલકોને રૂ. ૫૦૦નો દંડ ભરવો પડે છે. તો રોંગ સાઇડમાં વાહન દોડાવનારાને રૂ. ૧૫૦૦નો ડામ આવે છે. જો કે મોટે ભાગે હેલ્મેટનો દંડ વધુમાં વધુ વસુલાય છે. શહેરના મોટા ભાગના ટુવ્હીલર ચાલકો રોજબરોજ દંડના ધોકા ખાવા કરતાં ઇચ્છા નથી નથી ને નથી...છતાં હેલ્મેટ પહેરવા મજબૂર થઇ ગયા છે. આમ છતાં અનેક એવા વાહનચાલકો પણ હોય છે જેને પકડાઇ ગયા તો ભરી દઇશું, નહિ પકડાય તો રાજી રહીશું...એવું નક્કી કરી હેલ્મેટ વગર નીકળી પડે છે. આવા ચાલકોને પોલીસ ચોકે-ચોકે, મુખ્ય માર્ગો પર ઉભી રહી 'આઇયે આપ કા ઇંતઝાર થા...' મુજબ દબોચી લઇ દંડનો ડામ આપી દે છે.

ટારગેટ મુજબ જો મુખ્ય માર્ગો કે ચોકમાં દંડની વસુલાત ન થાય તો મજબૂર પોલીસ કર્મચારીઓ આજુબાજુની શેરીઓ-ગલીઓમાં પણ પહોંચી જાય છે અને દંડ વસુલવા માંડે છે. આ રીતે રોજબરોજ સ્થળ દંડની વસુલાત અને માથે જતાં આઇ-વે પ્રોજેકટના કેમેરાથી ઇ-ચલણથી હજ્જારો વાહન ચાલકોને 'રડાર'માં લઇ ઘરે મેમો મોકલી દેવામાં આવે છે. આ એક વર્ષમાં જ પોલીસે કુલ ૨,૯૧,૫૦૨ કેસ કરીને રૂ. ૭,૨૬,૫૦,૬૪૯ (સાત કરોડ છવ્વીસ લાખ પચાસ હજાર છસ્સો ઓગણપચાસ)નો દંડ વસુલી લીધો છે. (ઉત્સવપ્રેમી અને દાનવીર એવી રાજકોટની જનતા કદાચ દંડ ભરવામાં પણ રેકોર્ડ બનાવે તો નવાઇ નહિ!!)

હેલ્મેટ માટે વસુલાતા દંડ સામે વાહન ચાલકોનો સતત વિરોધ છે છતાં રોજબરોજ દંડની કાર્યવાહી વધુ આકરી બનાવાઇ રહી છે. ગઇકાલે એક જ દિવસમાં સ્થળ પર ૨૯૧ વાહન ચાલકોને અટકાવી રૂ. ૧,૪૪,૫૦૦નો દંડ વસુલાયો છે. તો ૬૦૦૭ વાહન ચાલકોને ઇ-ચલણ ઇશ્યુ કરાયા છે, આ ચલણના દંડની રકમ રૂ. ૩૯,૮૬,૯૦૦ થવા જાય છે.

કાયદો બધા માટે સમાન એમ પોલીસ કર્મચારીઓ પણ જો હેલ્મેટ વગર નીકળે કે રોંગસાઇડમાં વાહન દોડાવે કે પછી બીજા નિયમોનો ભંગ કરે તો તેને પણ દંડ ફટકારવામાં આવે છે. ટ્રાફિક બ્રાંચના પીએસઆઇ એચ. જે. બારબચીયા હેલ્મેટ વગર રોંગ સાઇડમાં નીકળતાં ઝપટમાં આવી ગયા હતાં. જાણવા મળ્યા મુજબ ટ્રાફિક બ્રાંચના એસીપી દ્વારા આ પીએસઆઇ પાસેથી હેલ્મેટ અને રોંગસાઇડના નિયમના ભંગ સબબ રૂ. ૨૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ હેડકવાર્ટરમાં આવ-જા કરતાં પોલીસ પરિવારના સભ્યો કે પોલીસ કમિશનર કચેરીએ આવતાં કર્મચારીઓને પણ દંડનો ડામ સહન કરવો  પડે છે. જેમ શહેરીજનો દંડના ડામથી દાઝી રહ્યા છે તેમ ખુદ પોલીસ કર્મચારીઓ, તેમના પરિવારજનો પણ દંડનો ડામ સહન કરી રહ્યા છે. હેલ્મેટના કાયદાને શહેરમાંથી મુકિત આપવાની સોૈ કોઇની માંગણી છે. પરંતુ જે રીતે હેલ્મેટના દંડ વસુલાઇ રહ્યા છે તે જોતાં હાલ તો આ કાયદામાં કોઇ બાંધછોડ થાય તેવું જણાતું નથી.

(3:34 pm IST)