Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

દેપાળીયામાં શનિવારથી ભાવાંજલી મહોત્સવ

રામનામના અલખ આરાધક નાથાબાપાના ભંડારામાં રામ નામ જપનો સાક્ષાત્કાર કરાશે : હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞ, શિવચરિત્ર મહિમા, સત્યનારાયણની કથા, તુલસી વિવાહ સહિતના પ્રસંગો ઉજવાશે

રાજકોટ તા. ૨૬ : પડધરી તાબાના દેપાળીયા ગામે આવેલ શ્રી રામધામ આશ્રમે તા. ૩૦ નવેમ્બરથી તા. ૯ ડીસેમ્બર સુધી ભાવાંજલી (ભંડારો) કાર્યક્રમ આયોજીત થયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે રામનામ જપના અખંડ અને આજીવન આરાધક સંતમૂર્તિ નાથાબાપા ભગતના ભંડારાના આ અવસરે સંતો મહંતો, સંતવાણીના આરાધકો, સમાજ સેવકો, દાતાઓ અને ભાવિકજનોનો મહાકુંભ મળશે.

નવદિવસીય ભાવાંજલી કાર્યક્રમમાં  રામનામ જપ મહાયજ્ઞ સાથે શિવચરિત્ર મહિમા, હનુમાન ચરિત્ર મહિમા, હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞ, દેવ દેવીઓના પૂજન, તુલસી વિવાહ જેવા પ્રસંગોને પણ આવરી લેવાશે.

તા. ૩૦ ના શનિવારે સવારે ૬ વાગ્યે હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞ, ૮.૩૦ વાગ્યે ધ્વજા પૂજન, ધ્વજારોહણ, રાત્રે ૯ થી ૧૨.૩૦ સુધી શિવચરિત્ર મહિમા, તા. ૧ ના રવિવારે સવારે ૮ કલાકથી રકતદાન   શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સવારે ૯.૩૦ વાગ્યાથી પોથીયાત્રા નિકળશે. તા. ૩ ના સાંજે ૪ થી ૬ સત્યનારાયણ કથા, તા. ૪ ના રાત્રે ૯ વાગ્યાથી નાગબાઇ આશ્રિત નાટક મંડળ, તા. ૫ ના રાત્રે ૯ વાગ્યાથી હનુમાન મંદિર મહીમા ઉજવણી થશે.

તા. ૬ ના સવારે ૮ વાગ્યાથી રકતદાન કેમ્પ, સાંજે ૪ વાગ્યે રામનાથ મહિમા ઉપર પૂ.મોરારીબાપુ પ્રવચન આપશે. તા. ૭ ના સાંજે ૪ વાગ્યે સંત સમારોહ યોજાશે. જેમાં મહામંડલ રાજસ્થાન વિશ્વંભર ભારતીબાપુ જુનાગઢ, પૂ. સંત દંતશરણાનંદ મહારાજ (પથમેડા), સંત ભરતદાસબાપુ (માલસર નર્મદા), સંત અવધકિશોરદાસબાપુ (તપોવન આશ્રમ મોઢેરા), સંત દામજી ભગત (બગથળા), પૂ. શિવ વલ્લભદાસબાપુ (કટાવ રાજસ્થાન), રામેશ્વરબાપુ હરીયાણી (અમદાવાદ), હરીકાંતબાપુ (હમીરપર), રામપ્રસાદબાપુ (ખેરાડીવાળા), પ્રભુચરણદાસબાપુ (હળવદ),  સંત વિદ્યાનંદબાપુ (ગઢડા), રામગીરીબાપુ ખોસમા, ગોપાલનંદજી બાપુ (બલોલ), ગીરીજાનંદબાપુ (સણોસરા), સીતારામબાપુ (આકરી), કમલદાસબાપુ (અયોધ્યા), જશમતભગત (અણદા), ગોરધન ભગત (નર્મદા) છગન ભગત (કોયલી રામગઢ), વિનુભાઇ ચંદારાણા (જોડીયા), કનકેશ્વરીબેન (સોખડા હનુમાન), ભાવેશ્વરી બેન (મોરબી), મોહનદાસજી (મોઢેરા), અનસોયાબેન (જીવાપર) વગેરે ઉપસ્થિત રહેશે.

તા. ૮ ના રવિવારે તુલસી વિવાહની ઉજવણી કરાશે. જાન મોરબીના રાજપર ગામેથી વાજતે ગાજતે આવશે. શ્રીમતી નયનાબેન તથા શૈલેષભાઇ માવજીભાઇ કોટડીયા યજમાનનો લ્હાવો લેશે. રાજપરના રામધૂન મંડળ, ગોપી મંડળ દ્વારા રાસ ગરબાની રમઝટ જામશે. તા. ૯ ના સવારે ૧૦ વાગ્યે મહાઆરતી સાથે ભાવાંજલી કાર્યક્રમનું સમાપન થશે.

આ કાર્યક્રમો દરમિયાન તા. ૧ ના રવિવારે સાંજે ૪ વાગ્યે ઉમિયા માતાજી મંદિર સિદસર ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઇ વાસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉમિયા માતાજી મંદિર ઉંઝા લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરાનું દેપાળીયા ગામ દ્વારા બહુમાન કરાશે.

સમગ્ર મહોત્સવનું આયોજન બાબુભાઇ ભીમજીભાઇ ગોપાણીના નેતૃત્વ હેઠળ થયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે આયોજનની વિગતો વર્ણવતા દેપાળીયા ગામના સર્વશ્રી બાબુભાઇ બી. ગોપાણી, અમરશીભાઇ પી. કોટડીયા, ગોવિંદભાઇ એમ. સાણંદિયા, ધીરજલાલ એ. ચીકાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:29 pm IST)