Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

'તું અવાર નવાર મારા બાળકોને કેમ મારે છે' ઠપકો આપતા ઝરીનાબેન લાખાણીને છરી ઝીંકાઇ

મોરબી રોડ ચામડીયા પરામાં બનાવઃ અબુ ભાંડુલા સામે ગુનો

રાજકોટ તા. ર૬: મોરબી રોડ પર ચામડીયા પરામાં 'તું અવાર નવાર મારા બાળકોને કેમ મારે છે' ઠપકો આપવા જતા મહિલાને લતામાં રહેતા શખ્સે છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ સીટી સ્ટેશન ચામડીયાપરા શેરી નં. ૩ માં રહેતા ઝરીનાબેન રજાકભાઇ લાખાણી (ઉ.વ. ર૬) એ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ચામડીયા પરામાં રહેતો અબુ મહેબુબભાઇ ભાડુલાનું નામ આપ્યું છે. ઝરીનાબેને ફરિયાદમાં જણાવેલ છે પોતાને સંતાનમાં ત્રણ પુત્રો છે. પતિ રીક્ષા ચલાવે છે.

ગઇ કાલે પતિ રીક્ષા લઇને ગયા હતા અને સાસુ ખતીજાબેન મજૂરી કામ કરવા માટે ગયા હતા. પોતે ઘરે હતા અને બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે લત્તામાં રહેતો અબુ મહેબુબ ભાડુલા ઘર પાસે આવયો હતો અને મારા બાળકો રમતા હોઇ, તેને મારકુટ કરતા પોતે વચ્ચે પડી અબુ ભાડુલાને 'તું અવાર-નવાર મારા છોકરાને કેમ મારકુટ કરે છે' તેમ કહેતા અબુ ભાડુલાએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી પોતાને જમણા પડખામાં છરીનો ઘા ઝીંકી નાસી ગયો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતા ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ઝરીનાબેન લાખાણીની ફરિયાદ પરથી અબુ મહેબુબ ભાડુલા વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ એન. જે. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)