Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કાયદાભવન અને લીગલ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા બંધારણદિનની ઉજવણી

રાજકોટઃ ર૬મી નવેમ્બર બંધારણ દિન નિમિતે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોમાં ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા ભવન અને લીગલ રીસર્ચ ફાઉન્ડેશન (સોસાયટી) દ્વારા ભારતીય બંધારણ સમક્ષનાં પડકારો વિષય ઉપર પરિસંવાદ અને બંધારણીય પ્રતિબધ્ધતા અર્થે પ્રતિજ્ઞા સહિતનાં ઉપક્રમો આયોજીત કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફે. કમલેશ જોશીપુરા, કાયદા ભવનનાં અધ્યક્ષ અને પૂર્વ ડીન પ્રોફે. ભરતભાઇ મણીયાર, પ્રાધ્યાપક આનંદ ચૌહાણ સહિત વિવિધ કોલેજોમાં પ્રાધ્યાપકો, વકિલો, સંશોધકો ઉપસ્થિત રહેલ. પ્રારંભે પ્રોફે. ભરતભાઇ મણીયારે ભારતીય બંધારણની રૂપરેખા અને વિસ્તૃત પરિચય આપી અને કોલેજ અને યુનિવર્સિટીનાં પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે બંધારણનો અભ્યાસ અનિવાર્ય પણે આવશ્યક હોવા પર ભાર મુકેલ, શ્રી મણીયારે જણાવેલ કે, ભારતીય બંધારણ વૈશ્વીક દૃષ્ટીથી શ્રેષ્ઠતમ અને સદાય માર્ગદર્શક રૂપ છે- શ્રી મણીયારે બંધારણીય સુધારાઓની ઝલક આપી સમયને અનુરૂપ જરૂરી સુધારાઓ કરી શકવાની જોગવાઇ રાખી ઘડવૈયાઓ દીર્ઘદ્રષ્ટી રાખી છે તેમ જણાવેલ. લીગલ રીસર્ચ ફાઉન્ડેશનનાં ચેરમેન અને વરિષ્ઠ પૂર્વકુલપતિ પ્રોફે. કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે, ભારતીય બંધારણનાં આમુખની શરૂઆત-અમો, ભારતીયથી થાય છે, તેઓ અર્થ પ્રત્યેક સતાનું મુળ પ્રજામાં હિત છે અને પ્રજા જ સર્વોપરી છે અને પ્રજાજનો માટે બંધારણ સર્વોપરી છે. કેન્દ્ર સરકારે સવિશેષ રીતે બંધારણદિનની વ્યાપક ઉજવણી પર ભાર મૂકેલ છે ત્યારે પ્રત્યેક વિદ્યાર્થીઓ સુધી બંધારણીય પ્રતિબધ્ધતાનો સંદેશ પહોંચે તે જરૂરી છે. પ્રાધ્યાપક આનંદ ચૌહાણે સર્વેનું સ્વાગત કરી અને કાર્યક્રમની ભૂમિકા આપેલ. સંચાલન ડો. ધારાબેન ઠાકરે કરેલ. વિદ્યાર્થીની બહેન દ્વારા પ્રતિજ્ઞા-શપથ લેવરાવવામાં આવેલ.

(3:23 pm IST)