Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આયુષ્યમાન કાર્ડ કૌભાંડઃ વણિક આગેવાન સહિત પાંચ જેલમાં: સુરતના ઓપરેટર શૈલેષ ઘીયાના ૧ દિ'ના રિમાન્ડ

તપાસનો દોર એસઓજીએ સંભાળ્યોઃ એક ટૂકડી ભરૂચ તાલુકા હેલ્થ સેન્ટરના ડો. કેશવકુમારની તપાસાર્થે રવાના : શૈલેષે આયુષ્યમાન કાર્ડ કાઢવા ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરની આઇડીનો ઉપયોગ કર્યો હતોઃ ભોગ બનનારા એસઓજીનો સંપર્ક કરે

એક દિવસના રિમાન્ડ પર રહેલો શૈલેષ ઘીયા : કૌભાંડમાં વિજય ઉર્ફ વિરેન્દ્ર મહેતા, ધીરેન્દ્ર ગોરસીયા અને ભરૂચના ત્રણ શખ્સો જેલહવાલે થયા છે

રાજકોટ તા. ૨૬: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્યમાન કાર્ડ સરકારે નક્કી કરેલી કાયદેસરની ફી રૂ. ૩૦ લઇને કાઢી આપવાને બદલે રૂ. ૭૦૦-૭૦૦ ઉઘરાવી આવા કાર્ડ સદર બજારની રમેશભાઇ છાંયા સ્કૂલ ખાતે ગેરકાયદેસર રીતે કાઢી આપવા માટેનો વૈષ્ણવ વણિક સમાજના લોકો માટેનો કેમ્પ  રવિવારે યોજાયો હોઇ તેમાં થતી ગેરરીતિ ઉઘાડી પડતાં સુરત, ભરૂચના ૬ અને રાજકોટના વણિક સમાજના આગેવાન સહિત સહિત ૮ સામે ગુનો નોંધી ૬ની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકીના રાજકોટના વણિક સમાજના આગેવાન સહિત પાંચ જેલહવાલે થયા છે. જ્યારે સુરતના કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ ઘીયાના આજના એક દિવસના રિમાન્ડ મળતાં વિશેષ પુછતાછ થઇ રહી છે. તપાસનો દોર શહેર એસઓજીએ સંભાળતાં એક ટૂકડી ભરૂચ તાલુકા હેલ્થ સેન્ટર ખાતે તપાસાર્થે દોડી ગઇ છે.

આ કૌભાંડમાં બે મુખ્ય સુત્રધાર તરીકે સુરત વણિક સમાજના આગેવાન કિશોર ગાંધી અને અમદાવાદના આગેવાન દિલીપ ગાંધીના નામ સામે આવ્યા છે. આ બંનેનો સંપર્ક રાજકોટ વૈષ્ણવ વણિક સમાજના આગેવાન-પ્રમુખ વિજય ઉર્ફ વિરેન્દ્ર માધાણીએ કરી આર્થિક લાભ મેળવવા માટે કેમ્પનું આયોજન કર્યાનું સામે આવ્યું હતું.

કૌભાંડનો પર્દાફાશ મ્યુ. કોર્પોરેશન આરોગ્ય સમિતીના જયમિન ઠાકરે કર્યા બાદ આ અંગે પોલીસે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ડિસ્ટ્રીકટ કવોલિટી એસ્ટોરન્સ મેડિકલ ઓફિસર તરીકે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી  જન આરોગ્ય યોજનામાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો. પપ્પુકુમારસિંહ રામેશ્વરપ્રસાદ સિંહ (ઉ.૪૮-રહે. પરિમલ સોસાયટી, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ)ની ફરિયાદ પરથી રાજકોટ નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરા ઇ-૩૮૮માં રહેતાં વિજય ઉર્ફ વિરેન્દ્ર વિપુલભાઇ માધાણી (વણિક) (ઉ.વ.૫૨) તથા રામકૃષ્ણનગર-૮ ભરતસ્મૃતિ ખાતે રહેતાં ધીરેન્દ્રભાઇ દામોદરદાસ ગોરસીયા (વણિક) (ઉ.૬૨)  તથા સુરત કામરેજ જાનવી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૨માં રહેતાં શૈલેષ નવીનભાઇ ઘીયા (ઉ.૨૮) અને તેના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામે આવેલા ભરૂચ નારાયણનગર-૩, શકિતનાથ સર્કલ પાસે સી-૨૭ ખાતે રહેતાં ભાવીન બાબુભાઇ વાઘેલા (ઉ.૨૩)   તથા ભરૂચ શહેનાઝ નગરી ઇખડ ગામના વસીમ જીવાશા દિવાન (ઉ.૧૯) તથા ભરૂચના જંબુસર બાયપાસ રોડ વેલફેર હોસ્પિટલ સામે મહેફુઝ કોમ્પલેક્ષ ડી-૨૦૧માં રહેતાં શાહીમખાન શરીફખાન પઠાણ (ઉ.૧૯) તથા  તથા સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધી સામે આઇપીસી ૪૦૯, ૩૪ મુજબ ગુનો નોંધી કિશોર અને દિલીપ સિવાયના  છએયની ધરપકડ કરી હતી.

સમગ્ર કૌભાંડની પ્રારંભીક તપાસ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. બી.એમ. કાતરીયા,  પીએસઆઇ બી.વી. બોરીસાગર, એએસઆઇ સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ જાડેજા, અશોકભાઇ કલાલ, અરવિંદભાઇ મકવાણા, જનકભાઇ, જયેન્દ્રસિંહ, અશોક હુંબલ સહિતની ટીમે કરી હતી. આ ટીમે છ આરોપીઓ રાજકોટના વિજય ઉર્ફ વિરેન્દ્ર માધાણી, ધીરેન્દ્ર ગોરસીયા તથા ભરૂચના ભાવીન વાઘેલા, સાહીમખાન પઠાણ, વસીમ દિવાન અને શૈલેષ ઘીયાની ધરપકડ કરી હતી.

આગળની તપાસ એસઓજીએ સંભાળતાં પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમના પીએસઆઇ એચ. એમ. રાણા સહિતે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરતાં મુખ્ય કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ ઘીયાના આજ એક દિવસ પુરતા રિમાન્ડ મંજુર થયા હતાં. બાકીના પાંચેયને અદાલતે જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

શૈલેષ પોતે આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કોન્ટ્રાકટ ધરાવતી સુરતની કંપની પાસેથી કામ રાખીને જે તે સ્થળે કેમ્પ યોજાયા હોઇ ત્યાં માણસો સાથે પહોંચી કાર્ડ કાઢવાની કામગીરી કરે છે. તેની પાસે આ કામ માટે પોતાને ફાળવાયેલી આઇડી હોવા છતાં ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરને ફાળવાયેલી આઇડીનો રાજકોટ ખાતેના કેમ્પમાં ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હતો. નિયત ફી ૩૦ને બદલે ૭૦૦-૭૦૦ ઉઘરાવી હતી. આ આઇડી ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરની હોઇ ત્યાંના ટીએચઓ (તાલુકા હેલ્થ સેન્ટર)ના ડો. કેશવકુમાર તથા તેની સાથેના મહિલા કર્મચારીની પુછતાછ કરવા એસઓજીની એક ટૂકડી ભરૂચ પહોંચી છે.

રવિવારના કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા દસ્તાવેજો રજૂ કરી જે લોકોએ કાર્ડ કઢાવ્યા છે તેમને શહેર એસઓજી ખાતે નિવેદન આપવા માટે તેડુ મોકલાયું છે. પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમ વિશેષ તપાસ કરે છે.

(1:15 pm IST)