Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અનમોલ પાર્કના કરિયાણાના વેપારી શશીભાઇ સોઢાએ વ્યાજખોરીમાં ફસાતા ફિનાઇલ પી લીધું

ધંધા માટે કેટલાક લોકો પાસેથી નાણા લીધા બાદ ચાર વર્ષથી વ્યાજ ભરતા'તાઃ વધુને વધુ વ્યાજ મંગાતા કંટાળીને પગલું

રાજકોટ તા. ૨૬: વ્યાજખોરીના અનેક કિસ્સા અગાઉ સામે આવી ગયા છે. પોલીસ વ્યાજખોરો સામે ગુના નોંધી કાર્યવાહી પણ કરે છે. વધુ એક બનાવમાં આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્કમાં રહેતાં કરિયાણા-પાનના વેપારી લોહાણા પ્રોૈઢે વ્યાજખોરીમાં ફસાતાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.

અનમોલ પાર્ક-૧માં રહેતાં શશીભાઇ ખીમજીભાઇ સોઢા (ઉ.વ.૫૬)એ સાંજે સાડા સાતેક વાગ્યે ઘરે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. શશીભાઇને ગમારા પેટ્રોલ પંપ કરિયાણા અને પાનની દૂકાન છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. પુત્ર જય સોઢાએ જણાવ્યું હતું કે પિતાએ કેટલાક લોકો પાસેથી ધંધાના કામે વ્યાજે નાણા લીધા હતાં. છેલ્લા ચાર વર્ષથી તેઓ વ્યાજ ભરતાં હતાં. હજુ પણ વધુ ને વધુ વ્યાજની ઉઘરાણી કરી હેરાન કરવામાં આવતાં હોવાથી તેણે આ પગલું ભર્યુ છે. આજીડેમ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)