Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જીવનો સંસાર સાથે સંબંધ કાચો, ઈશ્વર સાથે સંબંધ સાચો

પ્રેમ માનવને ભગવાન બનાવે છે : શાસ્ત્રી ચંદ્રેશભાઈ સેવકઃ સવજાણી ટ્રસ્ટના આયોજકો - પોથીજીના ભૂદેવો અને લોહાણા સમાજના આગેવાનોનું સન્માનઃ કથામાં ભાવિકો મંત્રમુગ્ધઃ ગિરીરાજ ઉત્સવના મુખ્ય યજમાન બનતા ડો.વૈભવભાઈ અને કૃષ્ણાબેન સવજાણી

રાજકોટ : સમસ્ત સરજાણી પરિવાર જામજોધપુર દ્વારા આયોજીત ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે શાસ્ત્રીજી ભકિત અને પ્રેમનો વિવેચન કરતાં જણાવ્યુ કે પ્રેમ માનવને ભગવાન બનાવે છે.

કૃષ્ણ નંદબાપા, યશોદા, ગોપીઓને રડતા મૂકીને પ્રભુએ લીધેલ અવતારનો કર્મ કરવા મથુરા જાય છે. મથુરામાં કંસે દંભ અહમના કારણે પ્રજાને ખૂબ ત્રાસ આપે છે. કંસ તો એટલો અભિમાનમાં રહે છે કે તે પોતાને અમર અને ભગવાન માને છે પણ પ્રભુ તો અહમનો નાશ કરવા માટે તથા એમના ભકતોનું રક્ષણ કરવા માટે અવતાર લે છે.પ્રભુ કંસના છાતી પર બેસીને કહે છે કંસમામા તારા પાપોનું હિસાબ કરવા આવેલ છું. તે બધાને તારા અહમના લીધે તે બધાને ખૂબ જ હેરાન કર્યા છે. હવે તારો અંત કરીને અહમનું નાશ કરી રહ્યો છંુ.

ઉદ્ધવજી કહે પ્રભુ ઉદાસ કેમ છો? ત્યારે કૃષ્ણ કહે મને મારૂ ગોકુલ યાદ આવે છે. ગોપીઓ તથા ગ્વાલાઓ યાદ આવે છે. ઉદ્ધવજી ગોકુલ આવીને ગોપીઓને કહે છે કે હું મથુરાથી કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું તો ગોપીઓ કહે શું કામે ખોટુ બોલો છો કૃષ્ણ તો એ રહ્યા જમના કિનારે બંસરી વગાડી રહ્યા છે. તે તો એ ગાયોની સાથે ગ્વાલાઓ સાથે ઉભા છે આ છે પ્રેમ ભકિતની પરાકાષ્ઠા. જગતમાં બધા સંબંધો વિરામ પામે છે પણ પ્રેમ, ભકિત, ભાવ અને સેવારૂપી સંબંધો અજર છે અમર છે.

જીવનો સંસાર સાથેનો સંબંધ કાચો છે. ઈશ્વર સાથેનો સંબંધ જ સાચો છે. 'હું ભગવાનનો છું' એવુ જે સમજે એ જ ભકિત કરે છે અને જયારે ભકિત વધે ત્યારે અનુમાન થાય કે ભગવાન મારા છે અને હું પણુ નાશ પામે અને શીષ અને જીવનો સંબંધ બંધાય છે.

રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ સવજાણી પરિવારના બધા ભાઈઓ, બહેનો અને સગા સંબંધીઓ સાથે ખૂબ જ આનંદમાં ઉજવ્યો. રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી હતી. સવજાની ભવન માધવપુરના લગ્ન મંડપમાં ફેરવાઈ ગયેલ જયાં આ લગ્ન સંપન્ન થયા હતા.

ભાગવત સપ્તાહ પારાયણમાં શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ જામજોધપુરના ભરતભાઈ ઠકરાર તથા રમેશભાઈ રાયઠઠ્ઠા તથા અન્ય ટ્રસ્ટીઓ સાથે જલારામ મંદિર ટ્રસ્ટના શ્રી વિજયભાઈ સોઢા અને રોકડીયા ભકિત મંડળના લુખભાઈ પાબારી સાથે અનેક ટ્રસ્ટીઓએ સાથે જ શ્રી રઘુવંશી યુવક મંડળ જામજોધપુરના જીજ્ઞેશભાઈ ચોટાઈ સાથે તેમના કાર્યકારીણીના સભ્યોએ શાસ્ત્રીજીનું મુખ્ય યજમાનોનું પોથીના ભૂદેવોનંુ તથા સમસ્ત સવજાણી ટ્રસ્ટના આયોજકોનું બહુમાન તથા સન્માન કરેલ છે. ચંદુભાઇ રાજાણી તથા વિપુલભાઈ હિંડોચાએ પણ શાસ્ત્રીજીનું સન્માન કર્યુ છે. આજે કથા વિરામ પામશે. સાથોસાથ મહાપ્રસાદનું આયોજન કરેલ છે.

દરમિયાન કથાના પાંચમા દિવસે શાસ્ત્રી પૂ.ચંદ્રેશભાઈ સેવકે શ્રીકૃષ્ણની બાલ લીલાનો વર્ણન ખૂબ જ સુંદર રીતે કરેલ. બાળલીલામાં પુતનાનો વર્ણન શિવજીએ સાધુવેશમાં કૃષ્ણની બાળલીલાના દર્શન, નાગનાથવાનો, માખણ ચોરી સાથે ગીરીરાજનું વર્ણન એટલા સુંદર રીતે કરેલ કે સર્વે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને ખૂબ જ આનંદીત થયા હતા. ગિરીરાજ ચરણના મુખ્ય યજમાન ડો.વૈભવ લલીતભાઈ તથા સૌ.કૃષ્ણાબેન વૈભવ સવજાણી હતા.

આ પ્રસંગમાં પણ શાસ્ત્રીજી પ્રેમ, સભ્યતા, ભવ્યનો મહત્વ બતાવેલ છે. શ્રોતાઓએ ખૂબ મંત્રમુગ્ધ થઈને કથાનો રસપાન કરેલ છે.

(11:57 am IST)