Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મ્યુ. કોર્પોરેશનમાં હાજરીનું સરપ્રાઇઝ ચેકીંગઃ ૪પ ગુટલીબાજો ઝડપાયા

ગત સપ્તાહે ૧૦ર કર્મચારીઓ અધિકારીઓ મોડા પડયાઃ સમયસર આવો ઉદિત અગ્રવાલની તાકિદ

રાજકોટ તા. રપ :.. મહાનગરપાલિકામાં ગત સપ્તાહમાં સ્ટાફ સમયસર પોતાની ફરજ પર હાજર થઇ જાય છે કે કેમ તેની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટાફની હાજરીનું સરપ્રાઈઝ ચેકિંગ કરાવાયું હતું અને ત્યારબાદ ફરી એક વખત આજે પણ કમિશનરશ્રીના આદેશ અનુસાર ૧૦.૪૫ કલાકે હાજરીનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આજે સકારાત્મક પરિણામ જોવા મળેલ છે.

 આ વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, ગત સપ્તાહમાં થયેલ હાજરીના ચેકીંગમાં ૧૦૨ કર્મચારીઓ અને અધિકારીઓ મોડા પડ્યા હોવાનું જણાયું હતું. જેના પરિણામે પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. આજે તા.૨૫- ના રોજ કરવામાં આવેલ સરપ્રાઈઝ ચેકીંગમાં માત્ર ૪૫ જેટલા કર્મચારીઓ જ ૧૦.૪૫ વાગ્યા સુધીમાં કચેરીમાં પહોંચી શકયા નહોતા.

   આજ રોજ મ્યુનિ. કમિશનર દ્વારા ૧૦.૪૫ વાગ્યા પછી ઓફિસે આવનાર સ્ટાફની હાજરી અંગે ફેસ ડિટેકટર આધારિત માહિતી મંગાવવામાં આવી હતી અને સમયસર હાજર ન રહેલ કર્મચારીઓ સામે પગલાં રૂપે  અડધા દિવસની સી.એલ. ગણવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ કહેલું કે, મહાનગરપાલિકા સતત નાગરિકો સાથે સંકળાયેલી કચેરી છે અને તેમાં લોકોના કાર્ય સમયસર થતા રહે તે માટે સ્ટાફ સમયસર પોતાની ઓફિસમાં હાજર રહે તે જરૂરી છે.

(3:20 pm IST)