Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કાલે સીન્ડીકેટ : ભાજપના બે જૂથો સામસામે : ભરતી - ગેરકાયદે નિમણુંકના પ્રશ્ને તડાપીટ બોલશે

ભાજપ અને સરકારની આબરૂનું ધોવાણ અટકાવવા સાંજે ભાજપ સંકલન બેઠક

રાજકોટ, તા. ૨૬ : વિવાદમાં રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઉચ્ચ સત્તામંડળ સીન્ડીકેટનું આવતીકાલે બેઠક મળનાર છે ત્યારે ભાજપના જ બે જૂથો સામસામે આવી ગયા છે.

જાણવા મળતી વિગતો મુજબ આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીન્ડીકેટની બેઠક મળનાર છે જેમાં સમગ્ર ગુજરાત રાજયમાં ગુંજેલા અધ્યાપક ભરતી પ્રકરણ, ડીન અને અધરધેન ડીનની નિમણુંક, કોંગ્રેસના સણસણતા પ્રશ્નોનો મારો સહિતની બાબતોની ચર્ચા થનાર છે. આવતીકાલે મળનારી સીન્ડીકેટની બેઠક તોફાની બનનાર હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના અસંતુષ્ટોએ કોંગ્રેસનો સાથ લઈ ભાજપના કેટલાક સીન્ડીકેટ સભ્યો અને ઉચ્ચ અધિકારીઓને દબાવવાનો પ્રયત્ન કરેલ છે. ભાજપના બે જૂથો વચ્ચે ખટરાગ દીન પ્રતિદિન વધી રહ્યો છે.

આવતીકાલની સીન્ડીકેટમાં બઘડાટી બોલવાની હોય તેમજ ભાજપ પક્ષ અને ગુજરાત સરકારની આબરૂનું ધોવાણ થતા અટકાવવા આજે સાંજે તાકીદે ભાજપ સંકલનની બેઠક બોલાવી છે. જેમાં ભાજપના બે જૂથો સામસામે આવી જાય તો નવાઈ નહિં.

(4:19 pm IST)