Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

મનોરંજનની સાથે સામાજીક સંદેશો પ્રસરાવી સોશ્યલ મીડિયા પર અવ્વલ સ્થાન જમાવતી 'ભગેડી' અને 'કીસુડી'ની જોડી

ભગેડી ઉર્ફે ભાવેશ અકબરી મુળ ભગેડી ગામના છે અને હાલ રાજકોટ સ્થાયી થયા છે : અનેક વધુ શોર્ટ ફિલ્મો કરી હવે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી : કીસુડી ઉર્ફે ક્રિષ્ના બેસે નાનકડા કોરસ કેરેકટરથી અભિનય શરૂ કરેલો : હાલ અનેક થી વધુ શોર્ટ ફિલ્મો અને અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય : 'સ્ટાર પ્લસ મીડિયા' અને 'કીસુડીની ધમાલ' ના માધ્યમથી ગુજરાતી શો કરતી આ જોડીના કરોડો વ્યુઅર અને ૯૦ હજારથી વધુ સબસ્ક્રાઇબર

રાજકોટ તા. ૨૬ : લોકોને હસાવવા એ જ જેની જિંદગી છે, લોકોને ખુશ કરવા એ જ જેનું કર્મ છે, અને ઉદાસ ચહેરાઓને ખીલખીલાટ કરી દેનાર એક સુપર કોમેડી સ્ટાર એટલે ભાવેશ- ભગેડી.

ભગેડીના નામથી પ્રખ્યાત થયેલા આ કોમેડી કિંગનું નામ ભાવેશ અકબરી છે. એકદમ સીધુ અને સરળ વ્યકિતત્વ ધરાવનાર ભાવેશ ભગેડી ખૂબ જ ઉમદા એકટર છે. દેશી અને વાસ્તવિક કોમેડી એકટિંગથી એમણે કરોડો લોકોના દિલ જીતી લીધા છે. સોશ્યિલ મીડિયાના કોમેડી કિંગ આ ભગેડીએ યુ-ટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશ્યલ મીડિયા પર સારૂ પ્રભુત્વ જમાવ્યુ છે.

કાલાવડ તાલુકાના ભગેડી ગામના વતની છે અને હાલ રાજકોટ રહે છે. હંમેશા ગામના નામથી માણસની ઓળખ થાય, પણ ભાવેશ ભગેડીની દમદાર એકટિંગના કારણે આજે ભગેડી ગામનું નામ પ્રસિદ્ઘ થઇ ગયું છે.

એકદમ મધ્યમ પરિવારના ભાવેશભાઇએ જિંદગીમાં ખૂબ સ્ટ્રગલ કરેલ છે. રામામંડળ, નાટકો અને સાંસ્કૃતિક કાર્યકમોમાં એકટિંગની શરૂઆત કરી હતી. માબાપ અને રામદેવપીરના આશીર્વાદથી આજે ફકત ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ ભગેડીના કોમડી શોર્ટ ફિલ્મો જોઇ લોકો પેટ પકડીને હશે છે.

સ્ટાર પ્લસ મીડિયા, કિસુડીની ધમાલ ચેનલના આ કોમેડી સુપરસ્ટારે ૫૦૦ કરતા વધારે શોર્ટ ફિલ્મમાં જબરદસ્ત એકટિંગ કરી બધાને ખુશખુશાલ કરી દીધા છે. હાલ ઘણા જ ગુજરાતી આલ્બમ્સમાં પણ અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. આ ઉપરાંત હવે ગુજરાતી ફિલ્મોમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે.

હાલ સોશ્યલ મીડિયાની બેસ્ટ જોડી ભગેડી અને કોમેડી કવીન કોસુડીની છે. આ તકે કોમેડી એકટર ભાવેશ ભગેડીએ એમના લાખો કરોડો પ્રેક્ષકોનો આભાર વ્યકત કરેલ છે.

એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં ચારે દિશામાં ગુંજતું એક જ બીજુ નામ એટલે ક્રિષ્ના બેસ એટલે કે આપણી કોસુડી... ગુજરાતની કોમડી કવીન તરીકે જાણીતી આ અભિનેત્રીએ યુ-ટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી છે. ઢોલિવૂડમાં પણ ઘણી ફિલ્મોમા ક્રિષ્ના બેસે એમની આબેહુબ એકટિંગના ઔજસ પાથર્યા છે.

ક્રષ્નાબેન કોમેડી શોર્ટ ફિલ્મના માધ્યમથી લાખો કરોડો લોકોને પેટ પકડીને હસાવે છે. એક આદર્શ, સંસ્કારો, અને સમજદાર વહુ 'કોસુડી'ના પાત્રએ યુ-ટ્યુબમાં ખૂબ નામના મેળવેલ છે. યુ-ટ્યુબમાં ક્રિષ્ના બેસની પોતાની ચેનલ સ્ટાર પ્લસ મીડિયામાં કરોડો views અને ૯૦ હજારથી વધુ subscriber ધરાવે છે. કોમેડીથી ભરપૂર સમજવાલાયક, પુરા પરિવાર સાથે જોઇ શકાય તેવી શોર્ટ ફિલ્મોનો ખજાનો 'સ્ટાર પ્લસ મીડિયા' ચેનલમાં જોવા મળશે. એટલું જ નહીં એમની બીજી યુટ્યૂબ ચેનલ 'કીસુડીની ધમાલ'એ પણ ચારેબાજુ કોમેડીની ધમાલ મચાવી છે.

ક્રિષ્નાબેને એક નાનકડા કોરસના કેરેકટરથી અભિનયની પા પા પગલી કરી હતી. ખૂબ  સ્ટ્રગલ કર્યા બાદ પોતાના લાજવાબ અભિનયના દમથી બધાના દિલ જીતી લીધા છે. અત્યાર સુધીમાં ૭૦૦ કરતા પણ વધુ શોર્ટ ફિલ્મોમા લીડીંગ રોલ કરેલા છે. ઘણા ગુજરાતી સોંગ આલ્બમોમાં એકટિંગની સાથે ડાન્સ પણ કરેલ છે. એટલું જ નહીં મોટા પરદે રજૂ થનારી સનમ તારો કસમ, તું મારો દોસ્તાર, મેર કરો મામદેવ, પરદેશી ઢોલા આવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ જબરજસ્ત અભિનય કરેલો છે. હાલમાં જ અમુલ ડેરીની international advertiseમાં પણ leading role કરેલ છે.

ગુજરાતના પ્રેક્ષકોને મનોરંજનની સાથે એક સામાજિક સંદેશ પણ મળી રહે એ જ ભાવેશ ભગેડી અને ક્રિષ્ના બેસનો ઉદેશ્ય છે. (ભાવેશ ભગેડી મો.૮૮૪૯૫ ૭૨૦૫૪, ક્રિષ્ના કીસુડી મો.૯૮૨૪૭ ૧૯૦૮૮)

(4:15 pm IST)