Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

મનપામાં ભરતીની મોસમઃ વધુ ૨૭ જગ્યા ભરવા કાર્યવાહી

સેનેટરી સબ ઇન્સ્પેકટરની ૨૦, આસીસ્ટન્ટ મેનેજર-૨, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ- ૨, વોર્ડ ઓફીસર-૨ તથા ટેકસ ઓફીસરની ૧ જગ્યા માટે ૧૦ નવેમ્બર સુધી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ

રાજકોટ તા. ૨૬ : સરકારી નોકરી વાંચ્છુકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં જાણે ભરતીની મોસમ ખીલી છે. ગત રવિવારે જુ.કલાર્કની ૧૨૨ જગ્યા ભરવા કાર્યવાહી હાથ ધર્યા બાદ સેનેટરી સબ ઇન્સ્પેકટરની ૨૦, આસીસ્ટન્ટ મેનેજરની ૨, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની ૨, વોર્ડ ઓફિસર-૨ તથા ટેકસ ઓફિસરની ૧ જગ્યા સહિત કુલ ૨૭ ખાલી જગ્યા ભરવા ૧૦ નવેમ્બર સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મનપામાં સેનેટરી સબ ઇન્સ્પેકટરની ૨૦, આસી. મેનેજર-૨, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની ૨, વોર્ડ ઓફિસરની ૨ તથા ટેકસ ઓફિસરની ૧ જગ્યા માટે ૧૦ નવેમ્બર સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. સેનેટરી ઇન્સ્પેકટરમાં પાંચ વર્ષ ફિકસ પગાર રૂ. ૧૯,૯૫૦, આસી. મેનેજર, ટેકસ ઓફિસર તથા ડે.ચીફ એકાઉન્ટન્ટની જગ્યામાં ત્રણ વર્ષ ફિકસ પગાર રૂ. ૪૯,૭૦૦ તથા વોર્ડ ઓફિસરમાં ત્રણ વર્ષ ફિકસ પગાર રૂ. ૪૧,૩૦૦ આપવામાં આવશે. વિવિધ કેટેગરીમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૧૦ નવેમ્બર સુધીમાં ઓનલાઇન www.rmc.gov.in વેબસાઇટ પર અરજી કરવાની રહેશે.(૨૧.૩૮)

જુનીયર કલાર્કની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ : ૧૫ નવેમ્બર સુધી વાંધા સુચનો કરી શકાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૨૪ના રોજ જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવેલ. આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબોની 'પ્રોવિઝનલ આન્સર કી' આ પ્રસિધ્ધ કરેલ છે. જે અન્વયે ઉકત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો તરફથી કોઇ રજૂઆત હોય તો તે તા. ૧૫ નવેમ્બર સુધીમાં આધાર પુરાવા સાથે નિયત નમૂનામાં રૂબરૂમાં મહેકમ શાખા (૦૨૮૧ - ૨૨૨૧૬૦૭) મહાનગરપાલિકા ખાતે કરવા જણાવવામાં આવે છે.

એકાઉન્ટ કલાર્કની જગ્યા માટેની અરજીની મુદ્દત વધારાઇ

૧૫ જગ્યામાં ૧ માજી સૈનિક માટે અનામત

રાજકોટ : મહાનગરપાલિકામાં એકાઉન્ટ કલાર્ક સંવર્ગની ૧૫ ખાલી જગ્યાઓ ભરવા તા. ૨૬ ઓકટોબર મંગળવાર સુધીમાં ફકત ઓનલાઇન માધ્યમથી (www.rmc.gov.in) અરજીઓ મંગાવવામાં આવેલ. આ જગ્યામાં માજી સૈનિક માટે ૧ જગ્યા અનામત રાખવામાં આવે છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ તમામ કેટેગરીના ઉમેદવારો માટે તા. ૩૦ ઓકટોબર સુધી લંબાવવામાં આવે છે. વધુ માહિતી માટે વેબસાઇટ www.rmc.gov.in પરથી માહિતી મળશે. તેમ મનપાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

(4:12 pm IST)