Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જાતિ-ધર્મ અને લિંગથી ઉપર ઉઠી ઇન્સાનિયતને આગળ ધપાવવી જરૂરી : કલેકટર અરૂણ મહેશ બાબૂ

કલેકટરનો માનવીય અભિગમ : હસ્તકલા આર્ટિસ્ટ ટ્રાન્સજેન્ડર પાયલને રૂબરૂ મળ્યા

કલેકટરશ્રી આજે ટ્રાન્સજેન્ડર પાયલ રાઠવાને રૂબરૂ મળ્યા અને તેમની હસ્તકલા બિરદાવી હતી.

રાજકોટ, તા. ૨૬ :  માનવીય અભિગમ સાથે દિવ્યાંગો, વૃદ્ધ, નિરાધાર અને ટ્રાન્સજેન્ડર સમુદાયને હરહંમેશ મદદરૂપ બનતા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ વારલી આર્ટિસ્ટ ટ્રાન્સજેન્ડર પાયલ રાઠવાને રૂબરૂ મુલાકાત માટે બોલાવી તેને મળી તેની કલા અને સ્વાવલંબી અભિગમને બિરદાવ્યા હતા.

ટ્રાન્સજેન્ડર સમુદાયના સ્કિલ ડેવલપમેન્ટ તેમજ સામાજિક સમરૂપતા માટે જરૂરી વર્કશોપ, સેમિનાર સહિતની કામગીરી પણ વહીવટી તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓની મદદથી કરવામાં આવી રહી હોવાનું કલેકટરશ્રી બાબુએ જણાવ્યું હતું.

ટ્રાન્સજેન્ડર પાયલે આ તકે કલેકટરશ્રીનો આભાર માની ટ્રાન્સજેન્ડર સમુદાય ભણી-ગણીને કોઈને કોઈ હુન્નરમાં પારંગત બને તે માટે કલેકટરશ્રી દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિની સરાહના કરી  હતી. પાયલ સોશિયલ મીડિયાના માધ્યમથી સમુદાયના લોકો આત્મનિર્ભર બને તે માટે પ્રેરણા પુરી પાડી  રહ્યા છે.  પાયલ તેમના સમુદાયના લોકોને મેસેજ આપતા કહે છે કે, આપણે પણ અન્ય લોકો જેવા જ છીએ. અન્ય મનુષ્યની જેમ ભગવાને આપણને પણ હાથ, પગ, અને દિમાગ સમાન રીતે જ આપેલું હોઈ, આપણે પણ કોઈને કોઈ ક્ષેત્રે પારંગત બની સ્વનિર્ભર બનવું જોઈએ.    

પાયલ રાઠવાએ કલેકટરશ્રીને આદિવાસી સંસ્કૃતિનું વારલી પેન્ટિંગ, વાંસમાંથી બનતી પરંપરાગત હેન્ડિક્રાફ્ટની વસ્તુઓ ભેટ આપી તેમની ખુશી વ્યકત કરી હતી.

આ તકે કલકેટરશ્રીએ પાયલને હેન્ડીક્રાફ્ટ શોપિનું ડ્રિમ પૂરું કરવા બનતી મદદની ખાત્રી આપી હતી.

(3:03 pm IST)