Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કોર્પોરેશનમાં ખાલી પડેલ વિવિધ જગ્યાએ માટે ભરતી પ્રક્રિયા શરૂ : અરજદારોએ લાલચમાં ભરમાવું નહિં : ડો.પ્રદિપ ડવ

શહેરના વધતા વિસ્તાર-કામગીરીનું ભારણ-યુવાનોને રોજગારી મળે તે ખાસ હેતુ

રાજકોટ,તા. ૨૬ : મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરનો વિસ્તાર તથા વસ્તીમાં વધારો થઇ રહેલ છે. થોડા સમય પહેલા મોટામવા, મુંજકા, માધાપર, મનહરપુર શહેરની હદમાં ભેળવવામાં આવેલ છે. મહાનગરપાલિકા સ્વાયત સંસ્થા છે. સીધી જ લોકો સાથે સંકળાયેલી કચેરી છે જેથી લોકોની વહેલાસર પ્રથામિક સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા રખાતી હોય છે. શહેરના વિકાસને પહોંચી વળવા તેમજ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી તેમજ અધિકારી, કર્મચારીઓના કામના ભારણને દ્યટાડવા મહાનગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. ભરતી પ્રક્રિયા પણ પારદર્શક થાય અને સક્ષમ ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે ભરતી પ્રક્રિયામાં સરકારની એજન્સી દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવે છે. જેથી લાયક યુવાનોને નોકરી મેળવવાની તક મળશે.

ગત તા.૨૪/૧૦/૨૦૨૧, રવિવારના રોજ જુનિયર કલાર્કની ૧૨૨ જગ્યાની લેખિત પરીક્ષા લેવામાં આવેલ. પરીક્ષા ખુબજ સારી રીતે પૂર્ણ થયેલ છે. મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, કોર્પોરેશન દ્વારા લેવાતી પરીક્ષા સરકારી એજન્સી મારફત લેવાતી હોય જેથી બેરોજગાર યુવાનોએ કોઈ લાલચ ભલામણમાં ભરમાવું નહિ. ખરેખર લાયકાત ધરાવતા યુવાનને નોકરી મળવાપાત્ર થશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

વિશેષમાં, ખાલી પડેલ જેવી કે એકાઉન્ટ કલાર્ક-૧૫, એસ.એસ.આઈ-૨૦, આસી.મેનેજર-૨, ટેકસ ઓફિસર-૧, ડેપ્યુટી ચીફ એકાઉન્ટ-૨ અને વોર્ડ ઓફિસરની-૨ જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવેલ છે. તેમજ જુનિયર કલાર્કની ૧૨૨ મળી કુલ ૧૬૪ કાયમી જગ્યા ભરવાની આ ઉપરાંત સરકારશ્રીના નિયમાનુસાર એપ્રેન્ટિસ માટે પણ ૬૦૦ જેટલી જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલી રહેલ છે. સોલિડ વેસ્ટ વિભાગમાં સિટી બસ સેવા સર્વિસ માટે એજન્સીઓ મારફત ડ્રાઈવરો, કંડકટરો પણ ભરવાની કાર્યવાહી થઇ રહી છે. આમ શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓના કામો ઉપરાંત સુખાકારીના જુદા જુદા પ્રોજેકટો કામોની સાથે સાથે યુવાનોને પણ રોજગારી મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવા કટીબદ્ઘ છે તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવેલ.

(3:02 pm IST)