Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

બસ એક પોલીસ જ છે કે જેમના કામના કલાકો જ વધે છે, પણ પગાર નહિ!

પે ગ્રેડ મુદ્દે પોલીસ કર્મચારીઓની તરફેણમાં રાજકોટમાં સોશિયલ મિડીયામાં વાયરલ થયા અલગ અલગ મેસેજ

પોલીસ આંદોલન ન કરી શકતી હોઇ તેના પગાર વધારા માટે પ્રજાજનોએ આગળ આવવા સહિતના મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયાઃ પાલનપુરમાં પોલીસના સમર્થનામાં ૧૦૦થી વધુ કાર્યકરો રસ્તા પર ઉતર્યાઃ વેગ પકડતી ઝુંબેશ : રાજકોટમાં કેટલાક પોલીસમેનને ખુલાસો આપવા અધિકારીએ બોલાવ્યાની ચર્ચા : લો એન્ડ ઓર્ડરના એડીશનલ ડીજીપીએ પરિપત્ર જાહેર કરી આ ઝુંબેશ સામે આચાર સંહિતાનું શસ્ત્ર અજમાવ્યું

સોશિયલ મિડીયામાં વારયલ થયેલી પોસ્ટમાં આ પ્રકારના પોલીસની તરફેણ કરતાં લખાણ છે

રાજકોટ તા. ૨૬: 'પેટ્રોલના ભાવ વધે, ડિઝલના ભાવ વધે, તેલના ભાવ વધે, શિક્ષકોના પગાર વધે, એસટી ડ્રાયવર અને કંડકટરના પગાર વધે, તલાટીના પગાર વધે, બસ એક પોલીસ જ છે કે જેમના કામના કલાકો જ વધે છે પણ પગાર નહિ'...આ સહિતના પોલીસની તરફેણ કરતાં અલગ અલગ મેસેજીસ સોશિયલ મિડીયા પર વાયરલ થયા છે. પે ગ્રેડ અને પગાર મામલે પોલીસ કર્મચારીઓની સોશિયલ મિડીયા પર ઝુંબેશ શરૂ થઇ છે. ઠેકઠેકાણેથી પોલીસનો પગાર પણ વધવો જોઇએ તેવા સમર્થન મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ અલગ અલગ સોશિયલ મિડીયા ગ્રુપ્સમાં પોલીસના પે ગ્રેડ મામલે અલગ અલગ મેસેજીસ વાયરલ થઇ રહ્યા છે. જેમાં પોલીસના સમર્થનમાં વિગતો લખેલી છે.  પોલીસ પોતે પગાર વધારા માટે આંદોલન ન કરી શકે એવું જણાવી લોકોને પોલીસની તરફેણ કરવા આગળ આવવા મેસેજમાં અનુરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકોટ શહેરના કેટલાક પોલીસ કર્મચારીઓ કે જેણે સ્ટેટસમાં આંદોલનના ફોટા રાખ્યા હોવાનું કહેવાય છે તેને અધિકારીએ ખુલાસો આપવા બોલાવ્યાની ચર્ચા છે. બીજી તરફ આજે પાલનપુરમાં પોલીસના સમર્થનમાં સો જેટલા કાર્યકરોએ રોડ પર આવી સુત્રોચ્ચાર કર્યા હતાં.

પે ગ્રેડ અને પગાર મામાલે પોલીસ કર્મચારીઓ સોશિયલ મિડીયા પર ટીપ્પણી ન કરી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા આચારસંહિતનાનું શસ્ત્ર ઉગામાયું છે. પોલીસ કર્મચારીઓને સોશિયલ મિડીયા પર કોઇપણ પ્રકારની વાંધાજનક પોસ્ટ ન મુકવા માટે આદેશ ફરમાવતો પરિપત્ર કાયદો અને વ્યવસ્થાના અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડીયામાં હજારો પોલીસ કર્મચારીઓના પે ગ્રેડના મામલે અનેક અલગ અલગ પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં રાજકીય અને સામાજીક નેતાઓ, કાર્યકરો પણ ટેકો આપી રહ્યા છે. આ કારણે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ એક નિવેદન આપ્યું હતું કે પોલીસની માંગણી સાચી અને યોગ્ય હશે તો ચોક્કસ ધ્યાનમાં લેવામાં આવશે. પોલીસના રજા પગાર, પે ગ્રેડ, કામના ચોક્કસ કલાક સહિતની બાબતોને લઇને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે સોશિયલ મિડીયા પર ઝુંબેશ શરૂ થઇ ગઇ છે.

શિક્ષકોના રૂ. ૭૮૦૦ના પે ગ્રેડને સરકારે મંજુર કરતાં પોલીસ વિભાગમાં શરૂ થયેલો સળવળાટ મોટુ સ્વરૂપ લઇ રહ્યો છે. કોન્સ્ટેબલને રૂ. ૨૮૦૦, હેડકોન્સ્ટેબલને રૂ. ૩૬૦૦ અને એએસઆઇને રૂ. ૪૪૦૦નો પે ગ્રેડ આપવા માંગણી કરાઇ હતી. સોશિયલ મિડીયામાં એવી ટીપ્પણી કરવામાં આવી છે કે પોલીસ એકપણ રજા વગર ફરજ બજાવે છે. છતાંય પોલીસ વિભાગ સાથે અન્યાય થઇ રહ્યો છે. ચાર પાંચ દિવસથી પોલીસના સમર્થનમાં પોસ્ટ ફરતી થઇ છે. ખુદ કેટલાક પોલીસ કર્મચારીઓ પણ વ્હોટ્સએપ, ફેસબૂક, ટિવટર સહિતના માધ્યમથી પોસ્ટ વાયરલ કી રહ્યા છે. બીજી તરફ લો એન્ડ ઓર્ડરના અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમરે પરિપત્ર બહાર પાડી પોલીસ કર્મચારીઓ સોશિયલ મિડીયા પર આચારસંહિતાનો કડક અમલ કરે તેની તકેદારી રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુચના આપી છે.

(3:11 pm IST)