Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જયા પોલીસથી બચવા સવાર સાંજ એક એક કલાક જ દવાખાનુ ખોલતીઃ અજાણ્યાને દવા આપતી નહિ

વેજાગામમાં બે વર્ષથી ડોકટર બની દવાખાનુ ચલાવતી રાજકોટની મહિલા પકડાઇ : ગામલોકો પાસે પૈસા ન હોય તો બાકીમાં સારવાર કરી આપતીઃ જમા-ઉધાર અને દર્દીના લિસ્ટની ડાયરી મળી : પહેલી વખત નકલી મહિલા તબિબ પકડાઇઃ યુનિવર્સિટીના પીએસઆઇ એ. બી. જાડેજાની બાતમી પરથી કાર્યવાહી : નર્સિંગનો ૧૫ વર્ષનો અનુભવ હોઇ દવાખાનુ ખોલી નાંખ્યુ હતું

રાજકોટ તા. ૨૬: કાલાવડ રોડ પર આવેલા વેજાગામમાં ભાડાની રૂમમાં બે વર્ષથી દવાખાનુ ધમધમાવતી ૧૦ ચોપડી ભણેલી રાજકોટની મહિલાને યુનિવર્સિટી પોલીસની ટીમે  પકડી છે. પોલીસની નજરથી બચવા આ મહિલા સવારે અને સાંજે માત્ર એક એક કલાક જ દવાખાનુ ખોલતી હતી અને માત્ર ગામના હોય તેવા લોકોને જ દવા આપી સારવાર કરતી હતી. લોકોની સુવીધા ખાતર ફીના પૈસા બાકી રાખીને પણ સારવાર કરી આપતી હતી! નર્સિંગનો પંદર વર્ષનો અનુભવ હોઇ તેના આધારે તે ડોકટર બની ગયાનું તેણીએ કબુલ્યું હતું.

યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ. બી. જાડેજાએ આ અંગે રાજકોટ ગંગોત્રી મેઇન રોડ પર રાધેક્રિષ્ના સોસાયટી બ્લોક નં. ૬માં રહેતી જયા ભરતભાઇ વીરડા સામે આઇપીસી ૪૧૯,  મેડિકલ પ્રેકટીશનર એકટની કલમ ૩૦ મજુબ કોઇપણ જાતની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોકટરનું રૂપ ધારણ કરી દવાખાનુ ખોલી બિમાર લોકોને તપાસી એલોપેથિક દવા આપી લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યુ કૃત્ય કરવા અંગે ગુનો નોંધી દવા, મેડિકલના સાધનો, મોબાઇલ ફોન, રોકડ મળી રૂ. ૨૦૭૧૨નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ રોડ પરના વેજાગામમાં આશાપુરા કોલ્ડ્રીંકસથી શ્રી ઠાકર મંદિર તરફ જતાં મહિપતસિંહ કનુભાના મકાનમાં આગળના ભાગે આવેલી રૂમમાં એક દવાખાનુ ખુલ્યું છે અને તેમાં ડોકટર તરીકે બેસતી જયા વિરડા પાસે કોઇપણ જાતની ડિગ્રી નથી.

આ માહિતીને આધારે પોલીસની ટીમ પંચોને લઇને પહોંચી હતી. મહિપતસિંહના મકાનના આગળના ભાગનો નળીયાવાળો રૂમ ખુલ્લો હોઇ અંદર જઇ જોતાં ખુરશી પર એક મહિલા બેસેલી જોવા મળતાં તેને પોલીસની ઓળખ આપી હતી. ટેબલ પર અલગ અલગ દવાઓ હતી. મહિલાને પુછતાં પોતાનું નામ જયા ભરત નાથાભાઇ વીરડા (આહિર) (ઉ.વ.૪૮) (રહે. રાજકોટ રાધેક્રિષ્ના સોસાયટી બ્લોક નં. ૬, ગંગોત્રી રોડ) જણાવ્યું હતું. પોતે ડોકટર હોવાનું કહેતાં પોલીસે તેની પાસે ડિગ્રી-સર્ટિફિકેટ માંગતા તેમજ હોમીયોપેથીક કે આયુર્વેદિકનું કોઇપણ સર્ટિફિકેટ હોય તો એ બતાવવા કહેતાં તેણીએ ગલ્લા તલ્લા કર્યા હતાં.

વિશેષ પુછતાછ થતાં પોતે માત્ર ૧૦ ચોપડી સુધી ભણી હોવાનું અને ઉપલેટામાં સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલ ખાતે નર્સિંગનો કોર્ષ કર્યો હોઇ પોતાની પાસે પંદર વર્ષનો નર્સિંગનો અનુભવ હોઇ જેથી દવાખાનુ ખોલીને બેસી ગયાનું અને દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો આપતી હોવાનું કબુલ્યું હતું.

પોલીસને ટેબલ પરથી એક ડાયરી મળી હતી. જેમાં દર્દીઓના નામનું લિસ્ટ હતું. તેમાં ફી આવી ગઇ છે અને બાકી છે તેની નોંધ હતી. પોલીસે રોકડ રકમ, ડાયબીટીશ માપવાનું મશીન, ડ્રેસીંગ કરવાની કાતર, દર્દીના નામવાળી ડાયરી, અલગ અલગ રોગની અલગ અલગ કંપનીની એલોપેથીક દવાઓ, સિરપ મળી કુલ રૂ. ૨૦૭૧૨નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયા પોલીસની નજરે ન ચડે એ માટે સવાર સાંજ પોણો કે એકાદ કલાક પુરતુ જ દવાખાનુ ખોલતી હતી. ગામના લોકોને જ દવા આપતી, અજાણ્યા આવે તો દવા સારવાર આપતી નહિ. જરૂર પડે ગામમાં ઇમર્જન્સી સારવાર આપવા માટે જે તે દર્દીના ઘરે વિઝીટ પણ કરતી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના અને રાહબરી હેઠળ પીઆઇ વી. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, સહદેવસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ,  મહિલા કોન્સ. જલ્પાબેન જોરા, જીઆરડી કાવેરીબેન ગોસ્વામી સહિતે આ કાર્યવાહી કરી હતી.

(2:46 pm IST)