Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કાળીપાટ 'ડબલ મર્ડર' કેસના ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા

બે આરોપીઓને બે વર્ષ અને છ માસની સજાઃ બે મહિલાઓ સહિત પાંચ આરોપીઓને શંકાનો લાભઃ સામી ફરીયાદના કેસમાં સાત આરોપીઓનો છૂટકારોઃ રાજકોટના અધિક સેશન્સ જજ શ્રી ડી. એ. વોરોનો ચૂકાદો

રાજકોટ તા. ર૬ :.. રાજકોટથી ૯ કિ. મી. દુર કાળીપાટ ગામમાં ર૦૧૧ ની સાલમાં બે યુવાનોની હત્યા અને સાત જણા પર હૂમલો કરવાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓ દિનેશ દેવશી દૂધરેજીયા, સુરેશ રઘાભાઇ દૂધરેજીયા અને છગન રઘાભાઇ દૂધરેજીયાને ત્રીજા એડીશનલ સેશન્સ જજ દિગંત એ. વોરાએ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે બીજા બે આરોપીઓમાં બાબુ ઉકા દૂધરેજીયાને બે વર્ષની અને ધીરૂ રઘા દૂધરેજીયાને છ માસની સજા ફરમાવી હતી. અન્ય પાંચ આરોપીઓ કે જેમાં બે મહિલાનો સમાવેશ થાય છે, તેમને શંકાનો લાભ આપી છોડી મુકયા હતાં.

આ કેસની વિગત એવી છે કે કાળીપાટ ગામમાં ગઇ તા. ૧૦-૭-ર૦૧૧ ના રોજ સાંજે આશાપુરા માતાજીના મઢ ખાતે દરબાર સમાજ દ્વારા તાવાનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો. તે વખતે ગામમાં રહેતા રવિ કોળી નામના સગીરે વિશ્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાને ગાળો ભાંડતા તેને ગાળો નહી બોલવા સમજાવી ઠપકો અપાયો હતો. જેનો ખાર રાખી તેના પક્ષ તરફથી ગામમાં રહેતા બે મહિલા સહિતના દસ આરોપીઓએ એક સંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી ધારીયા, પાઇપ અને તલવાર સહિતના હથિયારો વડે હૂમલો કરી મહેન્દ્રસિંહ ઉર્ફે  મુન્નો પ્રવિણસિંહ જાડેજા અને વિશ્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાનું મોત નિપજાવ્યું હતું.

જયારે હિતેન્દ્રસિંહ રામદેવસિંહ જાડેજા, સહદેવસિંહ માનભા જાડેજા, જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, સુખદેવસિંહ જુવાનસિંહ  જાડેજા, યોગેન્દ્રસિંહ બાપુભા જાડેજા, સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને હરપાલસિંહ બાલુભા જાડેજા સહિત સાત હુમલામાં ઘવાયા હતાં.

ડબલ મર્ડરની આ ઘટનાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતાં. એટલુ જ નહી કાળીપાટ ગામમાં ઘણાં લાંબા સમય સુધી પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત રાખવો પડયો હતો.

રાજકોટ તાલુકા પોલીસમાં આ ઘટના અંગે સત્યજીતસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૦ર, ૩૦૭, ૩ર૬, ૩રપ, ૩ર૪, ૩ર૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને ૧૮૧ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ દસે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

આ કેસના આરોપીઓ દિનેશ, સુરેશ, ધીરૂ અને છગનની સેશન્સ કોર્ટ ઉપરાંત હાઇકોર્ટે પણ જામીન અરજી મંજૂર કરી ન હતી. જેને કારણે આ ચારેય આરોપીઓ કેસ પૂર્ણ થયો ત્યાં સુધી કાચા કામના કેદી તરીકે જેલમાં રહ્યા હતાં.

આ કેસ ચાલી જતા આજે ઘટનાના દસ વર્ષ ત્રણ માસ બાદ ભરી અદાલતમાં ચુકાદો અદાલતે આરોપી દિનેશ, સુરેશ અને છગનને આઇપીસી કલમ ૩૦ર, હેઠળ સખ્ત આજીવન કેદની સજા ઉપરાંત રૂ. ૧૦ હજારનો દંડ, જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ, આઇપીસી કલમ ૧૪૩ હેઠળ ત્રણ માસની સખ્ત કેદ, આઇપીસી કલમ ૧૪૮ હેઠળ છ માસની કેદ, આઇપીસી કલમ ૩ર૪, સાથે વાંચતા કલમ ૧૪૯ હેઠળ છ માસની કેદની સજા ફરમાવી હતી.

જયારે અન્ય બે આરોપીઓમાં બાબુને આઇપીસી કલમ ૩ર૬ હેઠળ બે વર્ષની જયારે આરોપી ધીરૂને આઇપીસી કલમ ૩ર૩ હેઠળ છ માસની સજાનો હુકમ કર્યો હતો. આ કામમાં સરકાર પક્ષે સ્પે. પી. પી. અનિલભાઇ દેસાઇ તથા મુળ ફરીયાદીની મદદમાં એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર, હુસેન હેરેજા, જયદેવસિંહ ઝાલા, શકિતભાઇ ગઢવી, કૃણાલ શાહ અને હર્ષિત ઠાકર રોકાયા હતાં. જયારે જેઓને છોડી મુકવામાં આવેલ તે આરોપીઓ વતી એડવોકેટ શ્રી પથિક દફતરી, ભાવીન દફતરી, દિપકભાઇ ત્રિવેદી, દિનેશ રાવલ વિગેરે રોકાયા હતાં.

વિડીયો કોન્ફરન્સીગ મારફત આરોપીઓને ચૂકાદો સંભળાવાયો

રાજકોટ : આ કેસના ચાર આરોપીઓ કે જે આજ સુધી જામીન મુકત થયા ન હતા, તેમને અદાલતે સજા બાબતે સાંભળી વિડીયો કોન્ફરન્સીંગ મારફતે ચૂકાદો સંભળાવ્યો હતો. એટલુ જ નહીં નિયમ મુજબ આરોપીઓને ચુકાદાની નકલ પણ જેલમાં મોકલી દેવામાં આવી હતી.

સ્પેશ્યલ પીપી તરીકે અનિલભાઇ દેસાઇની નિયુકિત થઇ હતી

૧૦૩ દસ્તાવેજી પુરાવા અને રપ સાહેદોની જુબાની લેવાઇ હતી

સરકાર પક્ષ તરફથી સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ર૪ ચુકાદાઓ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ચર્ચા જગાવનાર આ કેસમાં રાજય સરકારે સ્પેશ્યલ પીપી તરીકે રાજકોટ જિલ્લાના પૂર્વ સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર અનિલભાઇ આર. દેસાઇની નિયુકિત કરી હતી. જેમણે કેસ ચાલવા દરમ્યાન સરકાર પક્ષ તરફથી કુલ ૧૦૩ દસ્તાવેજી પુરાવા ફરીયાદ પક્ષના સમર્થનમાં રજૂ કર્યા હતાં.

આ ઉપરાંત ઇજા પામનાર સાહેદો, નજરે જોનાર સાહેદો, છ નિષ્ણાંત તબીબો, પોલીસ અધિકારીઓ સહિત રપ સાહેદોની જુબાની લીધી હતી. સાથોસાથ કોર્ટમાં એવી દલીલ પણ કરી હતી કે આરોપીઓ વિરૂધ્ધ સમગ્ર તહોમતનામા મુજબનો પુરાવો ફરીયાદ પક્ષે શંકા રહીત સાબિત કરેલ છે. સમગ્ર કેસમાં તમામ કડીઓ પુરવાર થાય છે. ફરીયાદ પક્ષના સાહેદો, પંચો સ્વતંત્ર છે. મુદામાલ બાબતેનો વૈજ્ઞાનિક પરીક્ષનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.

આરોપીઓ વિરૂધ્ધ ગુનો સાબિત કરવા માટે ફરીયાદ પક્ષે કાનુની, ભરોસાપાત્ર, તટસ્થ, સંપૂર્ણપણે વિશ્વાસજન્ય, સબળ પુરાવો રજૂ કર્યો છે. ફરીયાદ પક્ષે તહોમતનામુ નિઃશંક પણે સાબિત કરેલ છે.

એટલુ જ નહી આરોપીઓનું ગુનાઇત કૃત્ય પણ સાબિત કરેલ છે. જેથી આરોપીઓને સખ્ત સજા કરવા વિનંતી કરી હતી. પોતાની દલીલોના સમર્થનમાં સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ર૪ ચુકાદાઓ રજૂ કર્યા હતાં. જયારે મુળ ફરીયાદીના એડવોકેટ રૂપરાજસિંહ પરમારે ૧પપ પાનાની લેખિત દલીલ રજૂ કરી હતી.

(11:07 am IST)