Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

રાજકોટમાં અમુલ અને ગોપાલ બ્રાન્ડના નકલી જેવા ઘી સાથે મોન્ટુ પકડાયોઃ સુરતનો મહેશ મોકલતો હતો

ક્રાઇમ બ્રાંચે રેલનગર લોકમાન્ય તિલક આવાસના યુવાનને રામાપીર ચોકડીએથી ૬૩ હજારના ઘી સાથે પકડ્યો : ૩૪૦૦ના ભાવથી ૫૦૦-૫૦૦ ગ્રામની ૨૦ કોથળી સાથેનું કાર્ટુન મંગાવતોઃ દૂકાનો-ડેરીઓમાં અસલીના નામે કંપની ભાવે વેંચતોઃ બે વખત એસટી બસ મારફત ઘી મંગાવ્યાની કબુલાતઃ ઘીના નમૂના લઇ મ્યુ. કોર્પોરેશનની ફૂડ શાખાએ પરિક્ષણમાં મોકલ્યા : એક મહિનામાં ૫૦૦ મી.લી.ના ૪૦૦ જેટલા પાઉચ મંગાવી વેંચી નાંખ્યાનું રટણઃ મિત્ર મારફત સુરતી શખ્સના નંબર મળ્યા હતાં: સસ્તા ભાવે આવતું ઘી ડેરી-કરિયાણાની દૂકાનોમાં એમઆરપી મુજબ ધાબડી એક પાઉચે મોટો જેટલો નફો રળી લેતો!

રાજકોટ તા. ૨૬: નકલી દૂધ પછી હવે નકલી ઘીના ધંધાનું કારસ્તાન ઉઘાડું પડ્યું છે. ક્રાઇમ બ્રાંચે રેલનગર વિસ્તારમાં રહેતાં શખ્સને રૂ. ૬૩૬૮૫ના અમુલ તથા ગોપાલ બ્રાન્ડના ૫૦૦ મી.લી.ના ૨૭૧ પાઉચ સાથે રામાપીર ચોકડી પાસેથી દબોચી લીધો છે. પકડાયેલા શખ્સે આ ઘી નકલી હોવાનું રટણ કર્યુ છે. પણ પોલીસે ખરાઇ કરવા મ્યુ. કોર્પોરેશનની ફૂડ શાખાને બોલાવી ઘીના નમુના લેવડાવી પરિક્ષણ માટે મોકલાવ્યા છે. ઝડપાયેલા શખ્સે પોતે સુરતના શખ્સ પાસેથી આ ઘીનો જથ્થો ઓછા ભાવે મંગાવી એમઆરપીના ભાવે વેંચી મારતો હોવાનું અને આ રીતે બે વખત જથ્થો મંગાવ્યાનું રટણ કર્યુ છે.

ડીસીબીના કોન્સ. ઉમેશભાઇ ચાવડા અને જગદીશભાઇ વાંકને મળેલી બાતમી પરથી રૈયા રોડ રામાપીર ચોકડી પાસેથી રેલનગર લોકમાન્ય તિલક આવાસ યોજના બ્લોક નં. સી-૪૪માં રહેતાં મોન્ટુ બિપીનભાઇ જોબનપુત્રા (ઉ.વ.૩૭)ને રૂ. ૬૩૬૮૫ના અમુલ અને ગોપાલ કંપનીના ઘીના ૫૦૦-૫૦૦ મી.લી.ના ૨૭૧ પાઉચ સાથે પકડી લીધો છે. આ ઘી નકલી હોવાની પોલીસને દ્રઢ શંકા હોઇ શંકાસ્પદ જથ્થો ગણી કબ્જે કરી મ્યુ. કોર્પોરેશનની ફૂડ શાખાને જાણ કરતાં ત્યાંના અધિકારીઓએ આ ઘીના નમુના લઇ પરિક્ષણ માટે મોકલ્યા છે.

પકડાયેલો મોન્ટુ સિઝનલ ધંધો કરે છે. ચીકી સહિતનો જથ્થો ધંધો કરતો હોઇ એક મિત્ર મારફત તેને સુરતના મહેશ નામના શખ્સના નંબર મળ્યા હતાં. મહેશ અમુલ અને ગોપાલનું ઘી સસ્તા ભાવે આપતો હોવાની વાત મળી હોઇ બે મહિના પહેલા મોન્ટુએ તેનો ફોનથી સંપર્ક કર્યો હતો અને પોતાને ઘી જોઇએ છે તેવી વાત કરી હતી. વાત પાક્કી થયા બાદ મોન્ટુએ આંગડિયા મારફત મહેશને સુરત પૈસા મોકલી દીધા હતાં અને એ પછી મહેશે તેને ઘીના પાઉચ એસટી બસમાં પાર્સલ મારફત મોકલ્યા હતાં. બે મહિનામાં આ રીતે ૪૦૦ જેટલા પાઉચ મોન્ટુએ મંગાવ્યા હોવાનું તેણે કબુલ્યું છે. આ પાઉચ સસ્તા ભાવે પોતે મંગાવતો હતો અને તેના પરની એમઆરપી મુજબ ડેરીઓ કે કરિયાણાની દૂકાને દૂકાને જઇ વેંચી દેતો હતો. એક પાઉચ પર આશરે સો જેટલો નફો મળતો હોવાનું રટણ તેણે કર્યુ છે.

જો કે આ ઘી નકલી જ છે કે કેમ? તેની કાયદેસરની ખરાઇ લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ થશે એ પછી પોલીસ ગુનો નોંધવા કાર્યવાહી કરશે. મોન્ટુએ જેનું નામ આપ્યું છે એ મહેશ કોણ છે? એ કયાંથી બ્રાન્ડેડ કંપનીના ઘીના પાઉચ મેળવે છે? કે પછી એ પોતે જ નકલી ઘી બનાવીને સપ્લાય કરે છે? એ સહિતની તપાસ હવે પછી થશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, કોન્સ. મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, જગદીશભાઇ વાંક, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(11:06 am IST)