Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કોરોનામાં દર્દીઓની રાત દિવસ સેવાને લીધે રાજકોટની સિવિલ હોસ્પિટલ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે: સાંસદ રામભાઈ મોકરીયા

કાશીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શુભારંભ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળતા સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓ:સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ રસીકરણ મહા અભિયાનમાં યોગદાન આપનાર કર્મયોગીઓને બિરદાવ્યા

રાજકોટ :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કાશી વારાણસીથી હાથ ધરાયેલા આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન સહિત અન્ય યોજનાઓના શુભારંભ કાર્યક્રમને રાજકોટ સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓ, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓએ ઓનલાઇન માધ્યમથી નિહાળ્યો હતો. ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રીના દેશમાં ઝડપથી વધી રહેલી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અને દિવાળીના તહેવારોમાં સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવા અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવાના આહવાનને સહર્ષ  વધાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.
લાઈવ પ્રસારણ કાર્યક્રમ પૂર્વે યોજાયેલા સ્થાનિક કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર વખતે સરકારી તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિત તમામ કર્મયોગીઓ રાતદિવસ દર્દીઓની સેવા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના રસીકરણમાં આપણે સિદ્ધિ મેળવી છે તેમ જણાવી તેઓએ કોરોનામાં રાજકોટની સિવિલ હોસ્પિટલ સહિત સરકારી દવાખાનાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે તેમ કહ્યું હતું અને સરકારના વિનામૂલ્યે સારવાર અભિયાનમાં કર્મયોગીઓએ  ખૂબ સેવા કરી છે તે અંગે તેમને વંદન સાથે અભિનંદન આપ્યા હતા. હજુ પણ દર્દીઓની આવી જ રીતે પરિવારજનોના ભાવથી અવિરત સેવા કરવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફને કોરોનાની મહામારીમાં સતત સેવા અને રસીકરણની નોંધપાત્ર કામગીરી અંગે તમામ સ્ટાફને બિરદાવ્યા હતા.
રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુએ કાર્યક્રમના પ્રારંભે સિવિલ અને હેલ્થ શાખાના કર્મચારીઓને બિરદાવી સરકારના આ અભિયાનને સફળ કરવા માટે તેમજ સ્વચ્છતા, બાકી રહેતા લોકોનું રસીકરણ અને સેવા ના ભાવથી આરોગ્યક્ષેત્રે હજુ વધુ સિદ્ધિઓ માટે પ્રેરણા આપી હતી.
     આ કાર્યક્રમમાં સ્ટેટ નોડલ ઓફિસર ડો. કમલેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભારતે વેક્સિનેશનના માધ્યમથી વિશ્વ બંધુત્વની ભાવના ઉજાગર કરી છે. હાલની સ્થિતિએ કોઈ તકલીફ નથી પરંતુ જો કોરોના કેસ વધે તો હૃદય અને અન્ય ગંભીર બીમારી ધરાવતા બાળકોની દેખરેખ-કાળજી રાખવી પડશે અને એની આસપાસના જે લોકોનું વેક્સિનેશન બાકી હોય તેનુ વેક્સિનેશન થઈ જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ધાત્રી અને સગર્ભા મહિલાઓના વેક્સિનેશન અંગે પણ તેમણે સમજણ આપી હતી. તેઓએ કોરોના સમયમાં અમદાવાદ ખાતે અરુણ મહેશ બાબુની વિશેષ સેવાઓ- કામગીરીની યાદ અપાવી કોરોનામાં રેવન્યુ અધિકારી કર્મચારીઓએ પણ મહત્વની કામગીરી કરી છે તેમ જણાવ્યું હતું.
  આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી આર.એમ.સી.ના ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી ,મેડીકલ કોલેજના ડીન ડો.અનીલ સીંઘ,સી.ડી.એચ.ઓ ડો.શાહ સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક કાર્યક્રમની આભારવિધિ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. આર.એસ ત્રિવેદીએ અને સંચાલન નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાંખરીયાએ કર્યુ હતું.

(7:35 pm IST)