Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વાવડીને દિવાળીની ભેટ સ્વરૂપે પાણીનો ટાંકો : બિનાબેન

૬.ર૩ કરોડનાં ખર્ચે પાણીનો ટાંકો અને પમ્પીંગ સ્ટેશનનું કામ પુરૂ થવામાં : એક મહીના પછી ૩૦ હજારની વસ્તીને પાણી પ્રશ્ને નિરાંત : મેયરનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ સમીક્ષા બેઠક

રાજકોટ, તા. ર૬ :  શહેરમાં નવા ભેળવાયેલા વાવડી વિસ્તારમાં પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવા માટે ૬ કરોડનાં ખર્ચે નવો પાણીનો ટાંકો અને પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ કાર્ય હવે એક મહિનામાં પૂર્ણ થશે. ત્યારબાદ અહીંની ૩૦ હજારની વસતીને પાણીની કાયમી ધોરણે નિરાંત થઇ જશે.

આ અંગે મેયર બિનાબેન આચાર્યની યાદીમાં જણાવાયુ છે કે, વોર્ડ નં.૧૨માં અમુક સોસાયટીમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું ન હોવાની રજૂઆત અંગે આજ તા.૨૬/૧૦/૨૦૨૦ના રોજ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ પદે મીટીંગ મળેલ. આ મીટીંગમાં શાસકપક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસકપક્ષ દંડક અજયભાઈ પરમાર, સીટી એન્જીનીયર કામલીયા, ગોહેલ, વોર્ડ નં.૧૨ ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ડવ, યોગરાજસિંહ જાડેજા, ડે.એન્જી. ડાભી, વોર્ડ ઓફિસર કાનાણી વિગેરે ઉપસ્થિત રહેલ. વોર્ડ નં.૧૨ના પાણી પ્રશ્ને વાવડી ખાતે બની રહેલ ઈ.એસ.આર. બની જતા વોર્ડ નં.૧૨ વિગેરેનો પાણીનો પ્રશ્ન હલ થઇ જશે. વાવડી ખાતે બની રહેલ ઈ.એસ.આર. કામગીરી એકાદ માસમાં પૂર્ણ થઇ જશે.

 વાવડી ખાતે રૂ.૬.૨૩ કરોડના ખર્ચે ઈ.એસ.આર., જી.એસ.આર. તથા પમ્પીંગ સ્ટેશન બની રહ્યું છે. કામ પૂર્ણ થયા બાદ અંદાજે ૩૦૦૦૦ ની વસ્તીને પીવાનું પાણી પુરા ફોર્સથી મળી રહેશે.

હાલમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇ વોર્ડ નં.૧૨માં જે સોસાયટીઓને પૂરતું પાણી નથી મળતું તેની સ્થળ વિઝીટ કરી વાવડી ઈ.એસ.આર., જી.એસ.આર. બને ત્યાં સુધી વોર્ડ નં.૧૨ની જુદી જુદી સોસાયટીઓને પૂરતું પાણી મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા મેયરશ્રીએ અધિકારીઓને જણાવેલ હતું.

(3:59 pm IST)