Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

મુખ્યમંત્રી દ્વારા શકિત વંદના : રાજકોટના ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયાનું બહુમાન

રાજકોટ, તા.ર૬ : ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આ વરસે નવરાત્રી પર્વની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શકિત વંદના કાર્યક્રમ દ્વારા ગુજરાતના નારી રત્નોનું બહુમાન કરી શકિત વંદના કરવામાં આવી હતી.

રાજકોટમાંથી એક માત્ર સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયાની આ વિશિષ્ટ સન્માન માટે પસંદગી કરવામાં આવી હોય તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ એક ગરીમાપૂર્ણ સમારોહમાં ડો. દર્શના પંડયાનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ડો. દર્શન પંડયાએ વધુ એક વખત રાજકોટના તબીબી જગતનું ગૌરવ વધાર્યું હોઇ, તબીબી વર્તુળ સહિત સમસ્ત સમાજના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

ગુજરાતમાંથી નવ જેટલી મહિલા પ્રતિભાઓને વિશેષ આમંત્રણ આપી મુખ્યમંત્રીના નિવાસે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૬ મહિલા તબીબો અને ર મહિલા નર્સની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટમાંથી એકમાત્ર ડો. દર્શના પંડયાની આ સમારોહ માટે પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયાએ જણાવ્યું હતું કે, સમાજના ઉત્થાન માટે મહિલા શિક્ષણનું મહત્વ વધવું ખૂબ જરૂરી છે અને આપણા મુખ્મમંત્રીશ્રી આ બાબતે સતત પ્રયત્નશીલ છે જે આપણા બધા માટે ગૌરવની વાત છે. તેમણે સરકાર દ્વારા કોરોના મહામારી વખતે ૧૦૪ મેડીકલ હેલ્પ લાઇન, ૧૦૮ તેમજ ચિરંજીવી સહિત મેડીકલ સહાય યોજનાઓ છેવાડાની મહિલાઓ સુધી પહોંચતી કરવાના સરકારના અભિગમને આવકાર્યો હતો.

ર૦૧૯ના વર્ષનો તબીબી ક્ષેત્રનો વન્ડર ફીઝીશીયન  એવોર્ડ  રાજકોટના સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયાને એનાયત થયો હતો. તેમણે રીસર્ચ પેપર વિવિધ તબીબી લુલેટીનમાં પ્રસિદ્ધ થયા છે.

ડો. દર્શન પંડયા રાજકોટ-સૌરાષ્ટ્રના જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે. ડો. પંડયા ૧૯૯૪થી બે વર્ષ માટે જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી ૧૯૯૬થીરાજકોટની એચ.જે. દોશી હોસ્પિટલમાં જોડાયા હતા. દોશી હોસ્પિટલમાં તેમણે ૧૦ હજારથી વધુ કિટીકલ અને જટીલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યા છે. ર૦૦૪થી તેઓએ આશુતોષ મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ (કોટેચા નગર મેઇન રોડ, કોટેચા ગર્લ્સ હાઇસ્કુ સામે, રાજકોટ) ખાતે પ્રાઇવેટ પ્રેકટીસ શરૂ કરી છે.  ગર્ભવતી મહિલાઓ માટે ખાસ સેમિનારો યોજી ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન રાખવા બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે. કોલેજની યુવતીઓ માટે હોસ્પિટલમાં તેમજ વિવિધ કોલેજમાં તેઓ લેકચર આપી યુવતીઓની વિવિધ સમસ્યા બાબતે યોગ્ય સલાહ આપે છે.

(3:38 pm IST)