Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વધારે ભાવ મળતા ખેડૂતો યાર્ડમાં મગફળી વેચવા લાગ્યા! સૌરાષ્ટ્રના યાર્ડોમાં ૪.૭પ લાખ ગુણીની આવક

આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે ત્યારે અમુક ખેડૂતોએ ઓપન માર્કેટમાં મગફળી વેચી દીધાનું ખુલ્યું: મગફળીના ભાવમાં ૪૦ થી પ૦ રૂ.નો ઉછાળો

રાજકોટ તા. ર૬ :.. રાજય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ રહી છે. ત્યારે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ૪.૭પ લાખ મગફળીની જંગ આવકો થતા યાર્ડો મગફળીથી છેલાછલ થઇ ગયા છે. બીજી બાજુ વધારે ભાવો મળતા અમુક ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ઓપન માર્કેટમાં વેંચી દિધાનું ખુલ્યું છે.

નવા સપ્તાહના પ્રારંભે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ખુલતાની સાથે જ મગફળીની ધીંગી આવકો થઇ છે. રાજકોટ યાર્ડમાં આજે મગફળીની ૧.રપ લાખ ગુણીની વિક્રમજનક તથા ગોંડલ યાર્ડમાં મગફળીની ર લાખ ગુણીની આવકો થઇ છે. સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે મગફળીની ૪.૭પ લાખ ગુણી અને ગુજરાતના તમામ યાર્ડોમાં આજે કુલ પ.૭પ લાખ ગુણી મગફળીની વિક્રમજનક આવકો થઇ છે.

રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે મગફળી એકમણના ૧૦પપ રૂ. ટેકાના ભાવ જાહેર કરાયા છે. અને મોટાભાગના ખેડૂતોએ ઓપન માર્કેટમાં ભાવ ઓછા મળશે તેવી ગણત્રીએ ટેકાના ભાવની ખરીદીમાં નોંધણી કરાવી દીધી હતી. આજથી રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે નોંધણી કરાયેલ ખેડૂતો પાસેથી મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે. ત્યારે અમુક ખેડૂતોએ વધારે ભાવ મળતા ટેકાના ભાવે નોંધણી કરાવેલ હોવા છતાં ઓપન માર્કેટમાં મગફળી વેચી દિધાનું ખુલ્યું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં એક જ દિ' માં ૪.૭પ લાખ મગફળીની વિક્રમજનક આવકના પગલે ખેડૂતો વધારે ભાવ મળતા મગફળી સરકારે વેચવાના બદલે ઓપન માર્કેટ એટલે કે યાર્ડમાં વેંચી રહ્યાનું ચિત્ર ઉપસી રહયું છે. રાજકોટ યાર્ડમાં મગફળી જાડી એકમણના ભાવ ૯૮૦ થી ૧૧૬૦ તથા મગફળી ઝીણી એકમણના ભાવ ૯૦૦ થી ૧૦૪૦ રૂ.ના ભાવે સોદા પડયા હતા તથા જામનગર પંથકમાં મગફળી ૧૩પ૦ રૂ. વિક્રમજનક ભાવે સોદા પડયા હતાં.

વેપારી સુત્રોના જણાવ્યા મુજબ મગફળીના ભાવોમાં રોજબરોજ સુધારો જોવા મળી રહ્યો છે. આજે પણ મગફળીના ભાવમાં ૪૦ થી પ૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. મગફળી જાડી એકમણ ૧૧પ૦ રૂ.ના ભાવે વેચાઇ રહી છે. ચાઇનાની ખરીદીના પગલે મગફળીના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

ખેડૂતોને ઓપન માર્કેટમાં મગફળીના ભાવો વધારે મળતા આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે થતી ખરીદીમાં ગાબડા પડે તો નવાઇ નહિ તેમ જાણકાર સુત્રોએ જણાવ્યું હતું.

(2:47 pm IST)