Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ખેડૂતોને સરકારને મગફળી વેચવામાં કોઇ રસ નથી : બપોરે ૧ સુધીમાં રાજકોટ સહિત ૪ તાલુકામાં માંડ રપ ખેડૂતો આવ્યા

નવા યાર્ડ-જૂના યાર્ડમાં ખુલ્લા બજારમાં મગફળી વેચવા ખેડૂતોનો ધસારોઃ વાહનોના થપ્પા : સવારે ૧૧ વાગ્યાથી ખરીદી શરૂ થઇઃ આ વખતે રાજકોટ પુરવઠાનો ગયા વર્ષ સામે માંડ ૪૦ ટકા ટારગેટ પૂરો થશે

રાજકોટઃ રાજકોટ માર્કેટયાર્ડ ખાતે મગફળી ખરીદી શરૂ થઇ તે નજરે પડે છે. તસ્વીરમાં મગફળીનું વજન-ભેજનું પ્રમાણ કપાઇ રહ્યું છે, તે જણાય છે, તો ઉપરની તસ્વીરમાં નવા યાર્ડ ખાતે ખુલ્લા બજારમાં મગફળી વેચવા ખેડૂતો ઉમટી પડયા તે વાહનોના થપ્પા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૬: આજથી સરકાર દ્વારા મગફળી શરૂ થઇ છે, સવારે ૧૧ વાગ્યાથી રાજકોટના જુના માર્કેટયાર્ડ ખાતે અને જીલ્લાના રર કેન્દ્રો ઉપર અધીકારીઓ-પ્રાંત-મામલતદારોની ઉપસ્થિતિમાં મગફળી ખરીદી શરૂ થઇ, પ્રારંભે સર્વર ધીમું હોય ખેડૂતોને ભારે તકલીફ પડી હતી, પરંતુ બાદમાં બપોરે ૧ર સુધી બધું સરખું થઇ ગયું હતું.દરમિયાન સરકારે કવીન્ટલનો ભાવ ૧૦પપ રાખતા અને ખુલ્લા બજારમાં ખેડૂતોને ૧ર૦૦નો ભાવ મળી રહ્યો હોય, ખેડૂતોને સરકારને મગફળી વેચવામાં કોઇ રસ ન હોય તેવો તાલ સર્જાયો છે. વિગતો મુજબ બપોરે ૧ સુધીમાં રાજકોટ સહિત ૪ તાલુકામાં માંડ રપ ખેડૂતો મગફળી વેચવા વાહનો લઇને આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

સરકારી ખરીદીનો જાણે મોટો ફીયાસ્કો થયો હોય તેવો તાલ સર્જાયો છે, તમામ તાલુકામાં આ હાલત છે, જો કે અધીકારી સુત્રો બપોર પછી અન્ય ખેડૂતો આવી જશે તેમ જણાવી રહ્યા છે.

વિગતો મુજબ બપોરે ૧ સુધીમાં રાજકોટ જૂના માર્કેટયાર્ડમાં ૬-ખેડૂતો, કોટડાસાંગાણી ખાતે-૩, લોધીકામાં-પ, અને પડધરીમાં-૭ ખેડૂતો પોતાના વાહનમાં મગફળી લઇને આવ્યા છે.દરેક સ્થળે ર૦-ર૦ ખેડૂતોને બોલાવાયા છે, અને એક ખેડૂત પાસેથી રપ૦૦ કિલો મગફળી ખરીદાઇ રહી છે, કુલ ૯૭ હજાર ખેડૂતોની નોંધણી થઇ છે, તે સામે ખેડૂતો ખુલ્લા બજારમાં વધતા આ વખતે રાજકોટ શહેર-જીલ્લા પુરવઠા તંત્રનો ગયા વર્ષે જે ખરીદી થઇ હતી, તેનો માંડ ૪૦ ટકા ટારગેટ પુરો થાય તો નવાઇ નહીં એમ બોલાઇ રહ્યું છે.

(2:46 pm IST)