Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

તમે અમારા જેવી દૂકાન શું કામ ચાલુ કરી?...મચ્છી-ઇંડાના ધંધાર્થી હનીફભાઇને ધોકા ફટકારી બંને હાથ ભાંગી નાંખ્યા

વચ્ચે પડેલા સાઢુ ઇકબાલભાઇને પણ ઇજાઃ કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે બનાવઃ અનિશ સહિત ૪ જણા ધોકા-પાઇપથી તૂટી પડ્યાઃ હનીફભાઇએ થોડા દિવસ પહેલા જ લોઠડામાં દૂકાન ચાલુ કરી તે અનિશને ન ગમતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૬: ગોંડલ રોડ પર રસુલપરામાં રહેતાં ફકીર યુવાને લોઠડામાં  થોડા દિવસ પહેલા મચ્છી-ઇંડાની દૂકાન ખોલી ધંધો ચાલુ કરતાં આવો જ ધંધો અગાઉથી કરતાં મુસ્લિમ શખ્સે આ યુવાન તથા તેના સાઢુના બાઇકને કોઠારીયા સોલવન્ટ ફાટક નજીક આંતરી 'તમે કેમ અમારા જેવી દૂકાન ચાલુ કરી? બંધ કરી દેજો' કહી ડખ્ખો કરી બીજા ત્રણ જણા સાથે મળી ધોકા-પાઇપથી હુમલો કરી ફકીર યુવાનના બંધે હાથ ભાંગી નાંખતા અને તેના સાઢુભાઇ વચ્ચે પડતાં તેને પણ ધોકાવતાં બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

રસુલપરા કિસ્મત સિમેન્ટ પાસે રહેતાં હનીફભાઇ ઇસ્માઇલભાઇ શાહમદાર (ફકીર) (ઉ.૩૮) અને તેના સાઢુ ઇકબાલભાઇ કરિમભાઇ શાહમદાર (ઉ.૩૯) રાતે ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં આવતાં અને પોતાના પર અનિશ તથા બીજા ત્રણ જણાએ ધોકા-પાઇપથી માર માર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. બી. વાઘેલા અને હેમતભાઇ તળાવીયાએ હોસ્પિટલે પહોંચી હનીફભાઇની ફરિયાદ પરથી અનીશ તથા ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો.

હનીફભાઇના કહેવા મુજબ મેં થોડા દિવસ પહેલા જ મારા સાઢુ સાથે મળી લોઠડા નજીક મચ્છી-ઇંડાનો ધંધો ચાલુ કર્યો છે. અહિ અનિશ પહેલેથી જ આવો ધંધો કરે છે. આથી તેણે મને થોડા દિવસ પહેલા દૂકાન બંધ કરી દેવાનું કહી ધમકી આપી હતી. પરંતુ અમે અમારો ધંધો બંધ ન કરતાં તેણે ખાર રાખ્યો હતો. ગત રાતે હું અને મારા સાઢુ ઇકબાલભાઇ બાઇક પર લોઠડાથી કોઠારીયા ગામ તરફ આવતાં હતાં ત્યારે રસ્તામાં મહાદેવ કારખાના પાસે અનિશ સહિત ચાર જણાએ આવી અમને આંતર્યા હતાં અને દૂકાન બંધ કેમ નથી કરી? કહી ધોકા-પાઇપથી હુમલો કરતાં મારા બંને હાથ ભાંગી ગયા હતાં. સાઢુ વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. તેમજ અમને મારી નાંખવાની ધમકી પણ અપાઇ હતી. પોલીસે આ ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

(1:19 pm IST)