Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

મવડીમાં કેટરર્સ-મંડપ સર્વિસના ધંધાર્થી જયદિપ પટેલનો ગળાફાંસો ખાઇ આપઘાત

રૈયામાં વણકર યુવાન અજયનો પણ ફાંસો ખાઇ આપઘાતઃ માતા ચા પીવા માટે બોલાવવા ગયા ત્યારે પુત્ર લટકતો મળ્યોઃ પથરીથી કંટાળ્યો'તોઃ તહેવાર ટાણે પરિવારોમાં ખુશીને બદલે શોકનો માહોલ : પટેલ યુવાને આર્થિક ભીંસને લીધે પગલુ ભર્યાની શકયતા

રાજકોટ તા. ૨૫: ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેવાની બે ઘટના બની છે. તહેવારના દિવસોમાં આ બનાવથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. મવડીમાં રહેતાં અને કેટરર્સ તથા મંડપ સર્વિસનો ધંધો કરતાં લેઉવા પટેલ યુવાને તથા રૈયા ગામમાં રહેતાં અને મજૂરી કરતાં વણકર યુવાને જિંદગી ટૂંકાવી લીધી હતી. તેણે પથરીના દુઃખાવાથી કંટાળીને પગલુ ભર્યુ હતું. જ્યારે પટેલ યુવાને આર્થિક ખેંચને લીધે પગલુ ભર્યાની શકયતા દર્શાવાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મવડીના બાપા સિતારામ ચોકમાં વેરાઇ વે બ્રીજવાળી શેરીમાં રહેતાં જયદિપ ચંદુભાઇ રામોલીયા (ઉ.વ.૨૮) નામના લેઉવા પટેલ યુવાને મોડી રાતે ઘરમાં પંખાના હુકમાં દોરી બાંધી  ગળાફાંસો ખાઇ લીધાની જાણ ૧૦૮ના ઇએમટી દિનેશભાઇએ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ રાજૂભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી. એએસઆઇ ડી.વી. ખાંભલાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર જયદિપ પટેલ ભાગીદારીમાં કેટરર્સ અને મંડપ સર્વિસનું કામ કરતાં હતાં. તે પરિણીત હતો અને એક પુત્ર છે. હાલમાં ધંધામાં થોડી મંદી હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલું ભર્યાની પોલીસને શકયતા જણાઇ છે. સ્વજનોના વિશેષ નિવેદનો બાદ વધુ વિગતો બહાર આવશે.

બીજા બનાવમાં રૈયા ગામમાં મધુવન પ્રોવિઝન સ્ટોર પાસે પરમાર નિવાસમાં રહેતાં અજય અનિલભાઇ વાણીયા (ઉ.૧૮) નામના વણકર યુવાને સાંજે ઘરમાં પંખાના હુકમાં સાડી ગળાફાંસો ખાઇ લીધાની જાણ ૧૦૮ના ઇએમટી અલ્પાબેન ઝાલા મારફત થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ એએસઆઇ નિરંજનભાઇ જાનીએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. ભગીરથસિંહ ખેર અને બ્રિજરાજસિંહએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

અજયને બોલાવવા તેના માતા ચા પીવા માટે બોલાવવા ગયા ત્યારે દરવાજો બંધ હોઇ બારીમાંથી ડોકીયુ કરતાં દિકરો અજય લટકતો દેખાતાં દેકારો મચાવ્યો હતો. ૧૦૮ બોલાવાઇ હતી પરંતુ તેના તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આપઘાત કરનાર અજય મજૂરી કરતો હતો અને ત્રણ ભાઇમાં વચેટ હતો. બંને કીડનીમાં પથરી હોઇ સારવાર છતાં ફરક ન પડતાં અને દુઃખાવો સહન ન થતાં આ પગલુ ભર્યાનું તપાસમાં ખુલ્યું હતું.

(1:02 pm IST)