Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

રાજકોટમાં ઇદે મિલાદનું જુલુસ શુક્રવારે બપોર બાદ નિકળશે

રાજકોટ તા. રપઃ શહેર ઇસદ-એ-મિલાદુન્‍ન નબી કમિટીની એક અખબાર યાદીમાં જણાવ્‍યા મુજબ તા. ર૮ના રોજ ઇદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવાર સાથે આવતા હોઇ આ બાબતે સમસ્‍ત મુસ્‍લિમ સમાજની એક બેઠક તાજેતરમાં મળી હતી. એમાં મુસ્‍લિમ સમાજના ધર્મગુરુઓ, આગેવાનો અને જુદી જુદી કમિટીના સંચાલકોએ વિશાળ સંખ્‍યામાં હાજરી આપી ઝુલુસ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી જેમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તથા કોમી એખલાસ અને ભાઇચારો બની રહે તે માટે તેઓએ જણાવેલ કે મુંબઇ, રાજસ્‍થાન તથા ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ વગેરે શહેરોમાં તા. ર૮ના બદલે તા. ર૯ શુક્રવારના રોજ જુમ્‍માની નમાઝ બાદ બપોરે બે કલાકે સર્વાનુમતે સમગ્ર રાજકોટના મુસ્‍લિમ વિસ્‍તારોમાંથી ઝુલુસ કાઢવાનું નકકી કરેલ.

આ વખતે રેસકોર્સમાં ગણપતી મહોત્‍સવ ચાલતો હોવાથી રેસકોર્સ ગ્રાઉન્‍ડના તમામ ધાર્મિક કાર્યક્રમ જેમકે આમ ન્‍યાઝ, તકરીર વગેરે મોકૂફ રાખેલ હોવાથી, તમામ વિસ્‍તારો જેમકે જંગલેશ્‍વર, જિલ્લા ગાર્ડન, ઘાંચીવાડ, દૂધની ડેરી, થોરાળા, ગંજીવાડા, રામનાથપરા, બેડીપરા, જામનગર રોડ, બહિસ્‍તી વાડ, પરસાણાનગર, પોપટપરા, બજરંગ વાડી, નહેરુનગર, લક્ષ્મીનગર, નાણાંવટી ચોક કવાર્ટર, રૈયા ગામ, નુરાની પરા, સદર બજાર, ખોડિયારનગર, ખોડિયાર પરા, ઢેબર કોલોની, બાબરીયા કોલોની, પીરવાડી, મહમદી બાગ, રસૂલપરા, કોઠારીયા સોલ્‍વન્‍ટ, વાવડી વગેરે જગ્‍યાઓથી આવતા ઝુલુસ ત્રિકોણ બાગ ચોક ખાતે એકઠા થશે જયાંથી ઝુલુસ વર્ષો જુના રૂટ મુજબ ઢેબર રોડ વનવે, નાગરિક બેન્‍ક ચોક, શાક માર્કેટ, ખરાટા સ્‍ટેન્‍ડ, હોસ્‍પિટલ ચોક, જામટાવર ચોક, પાસેથી વણાંક લઇ કલેકટર બંગલા પાસેથી હઝરત ગેબનશાહ પીરની દરગાશ શરીફ ખાતે, સલાતો-સલામ સાથે સમાપન થશે.

આ ઉપરાંત ઇસ્‍લામ ધર્મના સ્‍થાપક તાજદારે મદીના, આકા-એ-નામદાર હઝરત મોહંમ્‍મદ મુસ્‍તુફા (સલલ્લાહો અલયહે વસ્‍લમ), ના વિલાદત (જન્‍મ દિવસ) પર્વ નિમિત્તે સેવાકીય કાર્યોની ઝલક અને માનવતાલક્ષી કાર્યો માટે ઝુલુસના આગામી દિવસે ગુરુવારના રોજ સિવિલ હોસ્‍પિટલમાં ફ્રુટ વિતરણ, મંદ બુદ્ધિના લોકો માટે ભોજન અને અબોલ પશુઓને ઘાસ-ચારો, જયુબેલીમાં પક્ષીઓને ચણ વિ. સેવાકાર્યો થશે.

ઇદ-એ-મિલાદની મોટી રાત્રે તા. ર૭ બુધવાર રોજ થશે. જેમાં રાજકોટની ૪ર મસ્‍જીદોમાં રોશનીનો શણગાર કરી આખી રાત મસ્‍જીદો ઇબાદત માટે ખુલ્લી રાખવામાં આવશે. વહેલી સવારે ૪-૪પના સબુહ-સાદીક સમયે સલાતો-સલામ સાથે વિલાદત પર્વની ઉજવણી કરી ફઝરની નમાઝ અદા કરવામં આવશે. તેમ યૌમુન્‍નબી કમિટી રાજકોટ શહેરની યાદીમાં જણાવેલ છે.

સમાજ જોગ યાદી

યૌમુન્‍નબી કમિટીના જણાવ્‍યા મુજબ પોલીસ કમિશ્‍નરશ્રીની સુચના અનુસાર રાત્રીના ૧૦ વાગ્‍યા સુધીની મંજૂરી હોય ત્‍યાર પછી ડીજે સિસ્‍ટમ્‍સ બંધ કરવા યૌમુન્‍નબી કમિટીએ અપીલ કરેલ છે. અને શરીયત વિરૂધ્‍ધના કોઇપણ કાર્યો જેમકે આતીશબાઝી જેવા વગેરે ન કરવા અપીલ કરેલ છે.

(5:45 pm IST)