Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

કારખાનેદારનું કારસ્‍તાનઃ ઓનલાઇન જૂગારમાં ૧૫ લાખ ગુમાવતા સાયબર ફ્રોડની ફરિયાદ કરી, પોલીસે પોલ ખોલી

કોઠારીયાના કારખાનેદારે મુકેશ ખંભાળીયા જૂગારમાં લાખો હારી જતાં પોતાના કારીગર ગાંધીગ્રામમાં રહેતાં વિજય મકવાણા મારફત સાયબર ક્રાઇમમાં ખોટી અરજી કરાવીઃ પોલીસે વિજયને ૧૫ લાખ ક્‍યાંથી આવ્‍યા? એ પુછતાં જ ગેંગેં-ફેંફેં થઇ ગયો અને ભાંડો ફુટયો મુકેશ સામે ઓનલાઇન જૂગાર રમવાનો એક ગુનો અને રાજ્‍ય સેવકને ખોટી માહિતી આપવાનો બીજો ગુનો નોંધાયોઃ કારીગર વિજય સામે પણ ફોજદારીઃ સાયબર ક્રાઇમ પીઆઇ કે. જે. રાણા, એએસઆઇ વી.એન. કુછડીયાની કાર્યવાહી કારખાનેદારે જાન્‍યુઆરીમાં પણ ૧.૩૬ હજાર ટાસ્‍કના ફ્રોડમાં ગુમાવ્‍યાની અરજી કરતાં પોલીસે ૯૬ હજાર ફ્રીઝ કરાવ્‍યા'તાઃ આ રકમ પણ પાછી મળે એ પહેલા કારસો નાકામ

રાજકોટ તા. ૨૬: ઓનલાઇન આઇડી પર જૂગારમાં પંદર લાખની રોકડ હારી ચુકેલા કોઠારીયાના કારખાનેદારે પ્‍લાન ઘડી પોતાની સાથે પંદર લાખનો સાયબર ફ્રોડ થયો છે તેવી ખોટી અરજી સાયબર ક્રાઇમ પોલીસમાં પોતાના કારગીર મારફત કરાવતાં પોલીસે અરજદાર કારીગરને નિવેદન માટે બોલાવતાં અને ૨૦ હજારના પગારદાર એવા આ કારીગર પાસે પંદર લાખ ક્‍યાંથી આવ્‍યા? તેની વિશેષ પુછતાછ હાથ ધરતાં જ તેની પોલ પકડાઇ ગઇ હતી. તેણે પોતાનો શેઠ જૂગારમાં રકમ હારી ગયાનું અને કોઇ ફ્રોડ નહિ થયાનું કહેતાં આ બંને સામે રાજ્‍ય સેવકને ખોટી માહિતી આપવા બદલ ગુનો દાખલ કરાયો હતો. તેમજ આઇડી પર જૂગાર રમવાનો એક ગુનો પંદર લાખ હારી જનારા કારખાનેદાર સામે અલગથી દાખલ કર્યો હતો.

સાયબર ફ્રોડના કિસ્‍સામાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ નાણા ગુમાવનારને નાણા પરત અપાવી દેતી હોઇ પોતે જૂગારમાં નહિ પણ ફ્રોડમાં નાણા ગુમાવ્‍યા છે તેવી ફરિયાદ કરશે તો નાણા કદાચ પાછા મળી જશે તેમ વિચારી કોઠારીયાના કારખાનેદાર શખ્‍સે કારસ્‍તાન ઘડયુ઼ હતું. પણ તેનો પ્‍લાન ચોપટ થઇ ગયો હતો. આ બારામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ વિવેકકુમાર નારણદાસ કછુડીયાએ કોઠારીયા ગામ ન્‍યુ રામેશ્વર પાર્ક સોસાયટી ઓમકાર સ્‍કૂલની બાજુમાં રમીલાબેનના મકાનમાં ભાડેથી રહેતાં મુકેશ રણછોડભાઇ ખંભાળીયા (ઉ.વ.૩૩) વિરૂધ્‍ધ  જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

એએસઆઇ કુછડીયાએ સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ ઉપર થયેલી ફરિયાદ સંદર્ભની અરજીના અરજદાર નાણાવટી ચોક આરએમસી ક્‍વાર્ટર નંદનવન સોસાયટીમાં રહેતાં વિજય તેજાભાઇ મકવાણાને નિવેદન માટે બોલાવ્‍યો હતો. તેણે અરજી કરી હતી કે ઓનલાઇના ટાસ્‍કના નામે પોતાની સાથે પંદર લાખનું ફ્રોડ થયું છે. જો કે તે કારખાનામાં નોકરી કરતો હોઇ અને પગાર વીસ હજાર જેવો જ હોઇ આટલી મોટી રકમ કરી રીતે એકઠી કરી ટાસ્‍કમાં ગુમાવી? તે સહિતની પુછતાછ કરતાં તે ગેંગે-ફેંફેં થઇ ગયો હતો અનેં તેણે કબુલ્‍યું હતું કે તેના કારખાનાનો માલિક મુકેશ ખંભાળીયા ઓનલાઇન આઇડીથી જૂગાર રમતો હોઇ તેમાં રૂા. ૧૫ લાખ હારી ગયો હોવાથી મુકેશના કહેવાથી તેણે એનસીપીઆર પોર્ટલ ઉપર ૧૯૩૦માં ફોન કરી ફ્રોડ થયાની ખોટી અરજી કરી હતી. વળી મુકેશ પણ નિવેદન આપવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશને સાથે જ આવ્‍યો હોઇ પોલીસે તેને સકંજામાં લીધો હતો.

પોલીસે તેની પુછતાછ કરતાં તેણે કબુલ્‍યું હતું કે ઓનલાઇન આઇડીમાં પોતે પંદર લાખ હારી ગયો છે. આથી ખોટી ફ્રોડની અરજી મિત્ર વિજય મારફત કરાવી હતી. મુકેશનો મોબાઇલ ફોન પોલીસે ચેક કરતાં અંદર આઇડીમાં હારજીતના સોદા થયાનું જણાતાં તેના વિરૂધ્‍ધ જૂગારધારાનો ગુનો પીએસઓ દિપકભાઇ પંડિતે દાખલ કરાવ્‍યો હતો. પીઆઇ કે. જે. રાણા અને એએસઆઇ વી. એન. કુછડીયાએ બંનેની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.

તપાસમાં એ પણ ખુલ્‍યું હતું કે અગાઉ જાન્‍યુઆરીમાં પણ મુકેશ ખંભાળીયાએ ઓનલાઇન ટાસ્‍કમાં ૧.૩૬ લાખ ગુમાવ્‍યાની સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. આ અરજીની તપાસને આધારે સાયબર ક્રાઇમ પોલીસે ૯૬ હજાર ફ્રીઝ કરાવ્‍યા હતાં. આ રકમ કોર્ટ મારફત મુકેશને પાછી મળવાની હતી. એ પહેલા તેણે બીજા પંદર લાખથી વધુ જૂગારમાં ગુમાવ્‍યા હોઇ આ રકમ પણ ટાસ્‍કમાં ફોર્ડ થયાનું કહી ખોટી અરજી કરાવી દીધી હતી. પણ આ વખતે તેનો ભાંડો ફુટી ગયો હતો. લોકો પૈસા માટે કેવા કેવા રસ્‍તા અપનાવતાં હોય છે તે આ બનાવ પરથી જાણી શકાય છે. એએસઆઇ વિવેકકુમાર કુછડીયા વિશેષ તપાસ કરે છે.

(5:05 pm IST)