Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

સન્‍યાસ ત્‍યાગ નહિ, પણ આનંદ છે : ઓશો

૨૬ સપ્‍ટેમ્‍બર : ઓશો અભિનવ સંન્‍યાસ દિવસ

રાજકોટ,તા. ૨૬ : સૌંદર્ય જ્‍યાં સોળે કળાએ ખીલી રહ્યું છે એવા હિમાચલ પ્રદેશના મનાલીમાં એક શિબિર યોજવામાં આવી હતી. આ સાધના શિબિર આચાર્ય શ્રી રજનીશજી (ઓશો)ના સાનિધ્‍યમાં રાખવામાં આવી હતી. તા. ૨૨ સપ્‍ટેમ્‍બર.૭૦ થી ૫ ઓકટો. ૭૦ સુધી યોજાયેલ આ શિબિરનો વિષય હતો શ્રી કૃષ્‍ણ લીલા અને ગીતા શ્રી કૃષ્‍ણનું વિરલ વ્‍યકિતત્‍વ, કૃષ્‍ણ લીલાનું અદભુત રહસ્‍ય અને ગીતાની ગહનતા અને ગંભીરતાનું રસપાન આચાર્યશ્રી જેવી મૌલિક વિભૂતિના મુખેથી કરવું એ જીવનનો મહામૂલો અવસર હતો. ભારતભરમાંથી તેમજ વિદેશમાંથી આવેલ અનેકવિધ શિબિરાર્થીઓ સમક્ષ મધુર વાણી વહેવડાવતા આચાર્યજીએ સાંભળતા એમ લાગતુ કે જાણે હિમાલય જ જીવંત થઇ વહી રહ્યો છે.

આ શિબિર દરમ્‍યાન ૨૬ સપ્‍ટે. ૭૦ના રોજ આચાર્યજીએ ક્રાંતિના એક નવા કદમની ઘોષણા કરી અને તે ‘અભિનવ સન્‍યાસની' ભારતીય સંસ્‍કૃતિની અમરવેલનું પુષ્‍પ તે સંન્‍યાસ છે. અને આ મહામૂલુ ફુલ બચાવી લેવું જોઇએ એવી ભાવના તેમણે પ્રગટ કરી. પરિણામ સ્‍વરૂપ એમની આ અભિલાષાને ત્‍યાં હાજર રહલામાંથી ૨૧ જેટલા ભાઇ-બહેનોએ ઝીલી અને સંન્‍યાસ ધારણ કર્યો. જેમાંના આજમાં ધર્મજયોત હયાત છે.

અભિનવ સન્‍યાસ વિષે ઓશો કહે છે કે મારી દ્રષ્‍ટિએ સંન્‍યાસ ત્‍યાગ નહીં, આનંદ છે. સન્‍યાસ એ નિષેધ નથી, ઉપલબ્‍ધી છે. પરંતુ આજ સુધી પૃથ્‍વી ઉપર સન્‍યાસને નિષેધાત્‍મક દ્રષ્‍ટિએ જ જોવામાં આવ્‍યો છે. આજ સુધી સન્‍યાસને ત્‍યાગના અર્થમાં છોડવાના અર્થમાં લેવામાં આવ્‍યો છે. મેળવવાના અર્થમાં નથી.

પરંતુ હું સન્‍યાસને પ્રાપ્‍તિના અર્થમાં જોઉ છું જ્‍યારે કોઇ વ્‍યકિત હીરા ઝવેરાત મેળવે છે ત્‍યારે જરૂર તે કાંકરા પથરાને છોડી દે છે. પરંતુ કાંકરા પથરાને છોડવા એનો અર્થ એટલો જ છે કે હીરા ઝવેરાત માટે જગ્‍યા કરવી.  કાંકરા પથરાનો ત્‍યાગ કરી શકાતો નથી. ત્‍યાગ તો આપણે એવી વસ્‍તુઓનો કરીએ છીએ કે જેનુ મૂલ્‍ય વધારે હોય છે. જ્‍યારં કાંકરા પથરા તો એવી રીતે છુટી જાય છે જાણે ઘરમાંથી કચરો કાઢયો. કચરાનું આપણે મૂલ્‍ય સમજતા નથી અને કેટલો કચરો ફગાવ્‍યો તેનો હિસાબ પણ રાખતા નથી જે કોઇ છોડવામાં આવે છે તેનો હિસાબ કિતાબ અત્‍યાર સુધીનો સંન્‍યાસ રાખતો રહ્યો છે હું સન્‍યાસને એવી ભાષામાં, એવા હિસાબ કિતાબમાં જોઉ છું કે જે પ્રાપ્‍ત થાય છે. આ બંને દ્રષ્‍ટિકોણમાં જરૂર પાયાનો ફરક પડશે.

જો સન્‍યાસ એ આનંદ છે, જો સન્‍યાસ એ ઉપલબ્‍ધિ છે, જો સન્‍યાસ એ પ્રાપ્‍તિ છે, વિધાયક છે-તો સન્‍યાસનો અર્થ વિરાગ ન હોઇ શકે, ઉદાસીનતા ન હોય શકે, સન્‍યાસનો અર્થ છે જીવનમાં અહોભાવ, સન્‍યાસનો અર્થ ઉદાનસીનતા નહીં, પ્રફુલ્લતા હોઇ શકે. સંન્‍યાસનો અર્થ હોઇ શકે જીવનનો વિસ્‍તાર, ઉડાણ, સંકોચાવું નહીં, વિસ્‍તરવું. અત્‍યાર સુધી જેને આપણે સંન્‍યાસ કહીએ છીએ તેઓ પોતાને સંકોચે છે, બધાથી અલગ કરે છે. પોતાની જાતને બધી બાજુની અંદર પુરી રાખે છે. હું તેને સન્‍યાસી કહુ છુ જે પોતાની જાતને જોડે, પોતાની જાતને બંધ ન કરે એટલુ જ નહિ ઉપરથી ખુલ્લી કરે.

સ્‍વામી સત્‍ય પ્રકાશ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર

મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

(4:49 pm IST)