Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

૨.૩૮ લાખના એમડી ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર એમપીનો જાવેદખાન વીસેક વખત રાજકોટ આવ- જા કરી ચુકયો છે

શહેર એસઓજીએ ભગવતીપરાના રિક્ષાચાલક ટીપુસુલતાન અને તેને ડ્રગ્સ આપવા આવેલા એમપીના જાવેદ, તેના સાળા આમીરખાન અને મિત્ર ફારૂકને દબોચ્યાઃ બી-ડિવીઝન પોલીસની રિમાન્ડ માટે તજવીજ : પીએસઆઇ ભાનુભાઇ સી. મિયાત્રા અને ટીમે ઇન્ચાર્જ વાય. બી. જાડેજાની રાહબરીમાં કામગીરી કરી

રાજકોટ તા. ૨૬: શહેર એસઓજીએ માદક પદાર્થ પોસડોડાના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધા બાદ સતત બીજા દિવસે માફક પદાર્થ પકડી લેવામાં સફળતા મેળવી હતી. એમડી ડ્રગ્સ સાથે ભગવતીપરાના રિક્ષાચાલક અને તેને આ પદાર્થ સપ્લાય કરવા આવેલા એમપીના શખ્સ, તેના સાળા અને સાળાના મિત્ર સહિત ચારને ઝડપી લઇ બી-ડિવીઝન પોલીસને સોંપ્યા હતાં. એમપીનો સપ્લાયર અગાઉ રાજકોટ વીસેક વખત આવ-જા કરી ચુકયો છે. તે અગાઉ પણ ડ્રગ્સની સપ્લય કરી ગયાની શંકાએ તેના સહિત ચારેયના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

શહેર એસઓજીની ટીમ માદક પદાર્થની હેરાફેરી કરનારા, તેનું સેવન કરનારા શખ્સોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ ભાનુભાઇ સી. મિયાત્રા અને ટીમે માહિતીના આધારે  આશાબાપીરની દરગાહ ભગવતીપરા શેરી નં. ૫માં આવેલા જાહેર શૌચાલય પાસેથી ચાર શખ્સો  ટીપુસુલતાન રફીકભાઇ શેખ ( ઉ.વ ૨૩ રહે. ભગવતીપરા શેરી નં.૫) તથા તેને ડ્રગ્સ આપવા આવેલા જાવેદખાન હમીદખાન પઠાણ (ઉ.વ ૩૦ રહે. બારખેડા ગામ ભેંસાસુરી માતાયના મંદીર સામે તા.પીપલોદા જી. રતલામ મધ્યપ્રદેશ) તથા તેના સાળા આમીરખાન ઇલ્યાસખાન ખાન (ઉ.વ ૨૮ રહે. નાગડા બાલારામ કી કુટીયા નગરપાલીકાની બાજુમાં ઉજ્જૈન એમપી) અને આમરીખાનના મિત્ર ફારૂક ફીરોઝખાન પઠાણ ( ઉ.વ.૨૩-રહે. ઇન્દ્રાકોલોની નવી મસ્જીદની પાસે સસરા ફરીદખાનના મકાનમાં નાગડા શહેર ઉજ્જૈન એમપી)ને પકડી લઇ તેની પાસેથી રૂા. ૨.૩૮ લાખનું મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ તથા ત્રણ મોબાઇલ ફોન કબ્જે લેવાયા હતાં.

ઝડપાયેલામાં ટીપુસુલતાન રિક્ષાચાલક છે. તેણે જાવેદખાન મારફત ડ્રગ્સ મંગાવ્યું હતું. જાવેદ તેના સાળા આમીર અને તેના મિત્ર ફારૂકને સાથે લઇ સપ્લાય કરવા આવતાં જ ચારેય એસઓજીના હાથે દબોચાઇ ગયા હતાં. જાવેદે પહેલી જ વખત આવ્યાનું રટણ કર્યુ હતું. પરંતુ પ્રાથમિક તપાસમાં તે અગાઉ વીસેક વખત રાજકોટમાં આવ-જા કરી ચુકયાનું સ્પષ્ટ થયું હતું. તેણે પોતે બસનું ડ્રાઇવીંગ કરતો હોઇ બસ લઇને આવ્યાનું રટણ કર્યુ હતું. ટીપુસુલતાન પણ પહેલી જ વખત પકડાયો છે. આ તમામે અગાઉ પણ ડ્રગ્સની હેરફેર કરી હોવાની શંકાએ બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં ઇન્ચાર્જ પીઆઇ વાય. બી. જાડેજાના માર્ગદર્શનમાં પીએસઆઇ ભાનુભાઇ સી. મિયાત્રા, પીએસઆઇ એસ. વી. ડાંગર, એએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. કિશનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલો પદાર્થ ઓરિજીનલ એમડી ડ્રગ્સ હોવાનું પ્રાાથમીક પરીક્ષણ  એફ.એસ.એલ. અધિકારી વાય.એચ દવેએ કર્યુ હતું.

(3:28 pm IST)