Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

બજરંગવાડીના સદામ કુરેશીએ સગીરા સાથે દૂષ્કર્મ આચરતા ગર્ભ રહી ગયો

બળાત્કાર-પોકસો હેઠળ કાર્યવાહીઃ સદામે સગીરાના પિતાને ફોન કરી કહ્યું-તમારી દિકરીને પ્રેમ કરુ છું, લગ્ન કરવા છેઃ દિકરીને સમજાવતાં સંબંધ મુકી દીધાનું કહ્યું: પણ બે દિવસ પહેલા તે સગર્ભા હોવાનું ખુલતાં વાત ગાંધીગ્રામ પોલીસ સુધી પહોંચીઃ વિધર્મીની ધરપકડની તજવીજ

રાજકોટ તા. ૨૮: બજરંગવાડી વિસ્તારમાં રહેતાં મુસ્લિમ શખ્સે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દેતાં પોલીસે દૂષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધી વિધર્મી શખ્સની શોધખોળ હાથ ધરી છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી બજરંગવાડી શેરી નં. ૧૫માં રહેતાં સદામ યાસીનભાઇ કુરેશી વિરૂધ્ધ આઇપીસી ૩૭૬ (એન) તથા પોકસો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે    મારે ચાર સંતાન છે. જેમાં એક દિકરીની ઉમર હાલમાં સતર વર્ષ અને પાંચ મહિના છે. બે મહિના પહેલા મારા મોબાઇલમાં એક નંબર પરથી ફોન આવ્યો હતો. મેં રિસીવ કરતાં એ શખ્સે કહ્યું હતું કે-હું સદામ બોલુ છું અને તમારી દિકરીને પ્રેમ કરુ છું, મારે લગ્ન કરવા છે. જેથી મેં તેને કહેલું તમારી અને અમારી જ્ઞાતિ અલગ છે, અમારાથી બીજી જ્ઞાતિમાં લગ્ન ન કરાય. તું મારી દિકરીને ભુલી જા. તેમ કહી મેં ફોન કાપી નાંખ્યો હતો.

એ પછી મેં મારી દિકરીને પુછતાં તેણીએ કહ્યું હતું કે એકાદ વર્ષ પહેલા પોતે વસ્તુ લેવા જતી હતી ત્યારે સદામ સામે મળતો હતો અને એક બીજા સામે જોઇ હસતાં હતાં. એ પછી અમારી વચ્ચે પ્રેમ થયો હતો અને અવાર-નવાર અમે મળતાં હતાં. આઠેક મહિના પહેલા સદામે મને ફોન પણ લઇ આપ્યો છે. તેનાથી અમે વાતો કરીએ છીએ. આથી અમે દિકરીને સમજાવતાં તેણે હવે પોતે સદામ સાથે વાત નહિ કરે તેમ કહ્યું હતું અને તેની પાસેનો સદામે આપેલો ફોન અમે તોડી નાંખ્યો હતો.

દરમિયાન ગત ૨૪/૯/૨૨ના મારી દિકરીને પેટમાં દુઃખાવો ઉપડતાં દવાખાને લઇ જતાં અને સોનોગ્રાફી કરવાતાં તેના પેટમાં એકવીસ અઠવાડીયાઓ ગર્ભ હોવાની ખબર પડી હતી. તેણીને પુછતાં સદામ સાથે પોતે હજુ બોલતી હોવાનું અને સદામે શરીર સંબંધ બાંધતા આ ગર્ભ રહી ગયાનું તેમજ પોતે ગર્ભપાતની ગોળી ખાધી હોવાથી  પેટમાં દુઃખાવો ઉપડ્યાનું કહ્યું હતું. એ પછી દવાખાનામાં દાખલ કરાતાં તેણીને મિસકેરેજ થઇ ગયાનું ડોકટરે જણાવ્યું હોઇ સદામે અવાર-નવાર શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દીધાનું જણાતાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી સહિતે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(4:23 pm IST)