Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.નો ૫૦મો જન્મોત્સવ ઉજવાયો : પરમ ભકિત ઉત્સવ

સેવાનું કર્તવ્ય બજાવીને જીવન સાર્થક કરી જનારા સેવાભાવી મહાનુભવોને ગૌરવવંતા પરમ એવોર્ડ અર્પણ કરીને સમાજને સેવાનું દિશા સૂચન અપાયું : મન કારણ છે મોક્ષનું, મન કારણ છે સંસારનું, પ્રેમથી તૃપ્તિ અને પદાર્થોથી મુકિત તે ભકિતની ફલશ્રુતિ : પૂ. નમ્રમુનિ મ.સા.

રાજકોટ તા. ૨૬ : અનેક અનેક જીવોને સંસારથી ઉગારીને, હજારો જીવોને સત્ય પમાડીને, હજારો જીવોના જીવનનો આધારસ્તંભ બનીને એક મહાન યુગપુરુષ સ્વરૂપે યુગ ઉપકાર કરી રહેલાં સહુના તારણહાર કરૂણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦ માં જન્મોત્સવ - પરમોત્સવ - મહા માનવતા અવસરનો દ્વિતીય દિવસ પરમ ભકિત ઉત્સવ સ્વરૂપે ઉજવાયો હતો.

પરમ ગુરૂદેવ જેવા મહાન પુરુષને જન્મ આપીને હજારો આત્માઓ પર ઉપકાર કરનારા એવા સંસારપક્ષે રત્નકુક્ષીણી માતા પૂજય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજીએ આ અવસરે યુગો પહેલાંના પ્રભુ મહાવીર અને માતા દેવાંનદાના સમવસરણમાં થયેલા મિલનની સ્મૃતિ કરીને અત્યંત હદયસ્પર્શી ભાવોમાં આર્શીવચન ફરમાવેલ.

છેલ્લા એક વર્ષથી શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો નાદ ગજાવીને પરમ ગુરુદેવના ૫૦દ્દત્ર્ જન્મોત્સવના વધામણા સ્વરૂપે ઉજવાય રહેલાં પરમ મંત્રોચ્ચારના દિવ્ય દર્શન કરાવ્યાં બાદ આ અવસરે પરમ ગુરૂદેવે અત્યંત મધુર વાણીમાં બોધ વચન ફરમાવતા કહ્યું હતું કે, મંત્રોની ઉર્જા સમગ્ર અસ્તિત્વને ઉર્જાવાન બનાવી દે છે. જેમ જેમ મંત્ર સાધનામાં લીનતા આવે છે એમ એમ મન, પ્રભુના મન સાથે એક થવા લાગે છે. તન કદાચ અલગ હોઈ શકે પરંતુ મન જયારે પ્રભુ સાથે એક થઈ જાય તો મન જ મોક્ષનું કારણ બની જાય. પ્રભુ જેવી દૃષ્ટિ, પ્રભુ જેવા ભાવ પ્રગટ થાય, પ્રભુમાં ભળી જવું, પ્રભુમાં ગળી જવું, પ્રભુમાં સમાય જવું તે ભકિત હોય છે. આવી ભકિતના ભાવો જયારે પ્રગટ થાય છે ત્યારે તે વ્યકિત પ્રેમથી તૃપ્ત બનતો જાય છે. અને પદાર્થથી ધીરે ધીરે મુકત બનતો જાય છે. ભકિતની આ જ ફળશ્રુતિ હોય છે. મન જયારે પ્રભુનું બની જાય છે ત્યારે સાધના ઉત્કૃષ્ટ બની જતી હોય છે. જયારે મારા અને પરમાત્માની વચ્ચે કોઈ ડીફરેન્સ નથી રહેતો ત્યારે આપણી સાધનાની યાત્રા યથાર્થ બની જતી હોય છે.

એ સાથે જ, પરમ ગુરૂદેવે પોતાના ૫૦ વર્ષની પૂર્ણતાના આ અવસરે, 'આવતાં જન્મે પારણામાં જ કોઈક સંતના મુખેથી શબ્દો સાંભળવા મળે કે, હે આત્મન ! તું ચરમ શરીરી આત્મા છે' એવા અંતરના મંગલ ભાવો પ્રગટ કરતાં પરમ ગુરુદેવ પ્રત્યે સહુ નત મસ્તક બની ગયાં હતા.

દર વર્ષે પરમ ગુરૂદેવના જન્મોત્સવ અવસરે સમાજના સેવાભાવી - પરોપકારી મહાનુભવોને અર્પણ કરવામાં આવતાં પરમ એવોર્ડની પરંપરાને જાળવી રાખતાં આ જન્મોત્સવ અવસરે પણ સંઘ અને સમાજ પ્રત્યે અનન્ય સેવા બજાવી જીવન સાર્થક કરનારા, એવા આણંદજી કલ્યાણજીની પેઢીના શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, ચીંચપોકલી ધર્મસ્થાનકના સ્થાપક શ્રી દામજીભાઈ લક્ષ્મીચંદ શેઠ, એચ. જે. દોશીના શ્રી હરિલાલભાઈ જેચંદ દોશી, દશશ્રીમાળી ભોજનાલયના શ્રી પ્રાણલાલભાઈ છગનલાલ ગોડા, પ્રખ્યાત રૂબી મિલસના શ્રી મનહરલાલભાઈ ચુનીલાલ શાહ, મુલુંડ સંઘના સંઘમાતા માતુશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી, અજમેરા બિલડર્સ ના છોટુભાઈ અજમેરા, રબર ઉધોગના પ્રણેતા શિવુભાઈ વિશનજીભાઈ લાઠીયા, તેમજ સિંગાપોરના શ્રી નગીનભાઈ જયસુખલાલ દોશીને ગૈરવવંતા પરમ એવોર્ડ અર્પણ કરીને એમની સેવા ભાવનાનું બહુમૂલ્ય સન્માન અર્પણ કરવામાં આવતાં હજારો ભાવિકો સેવા ધર્મનું એક પ્રેરણાત્મક દિશાસૂચન પામ્યાં હતાં.

આ કાર્યક્રમમાં જોડાયેલાં હજારો ભવિકોના હૃદય જયકાર અને હર્ષનાદ પોકારી ઉઠ્યાં હતાં જયારે આ અવસરે પરમ ગુરુદેવની ૨૬ સપ્ટેમ્બરની જન્મ તારીખના દિવસે જન્મેલાં અનાથાશ્રમના અને સેવાભાવી સંસ્થાઓના આધારે ઉછેરી રહેલાં એવા ૫૦ થી વધુ અનાથ બાળકોને જીવન સહાય પૂરી પડતાં માનવતાના મહા પ્રકલ્પ 'પરમ સપોર્ટ'ની ઉદ્દઘોષણા કરવામાં આવી હતી. પ્રેરણાદાયી કલાકૃતિ 'એક સૂત્ર મેરા શાસ્ત્ર'ની પ્રસ્તુતિ ગુરૂતત્વની મહત્તાના દર્શન કારવાયેલ.

પરમોત્સવના તૃતીય દિવસે આવતીકાલે તા.૨૭ને રવિવાર સવારના ૮ કલાકે વિશિષ્ટ પ્રકારની ધ્યાન સાધના અને ભકિતની સાથે પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે વર્ષમાં માત્ર એક જ વાર કરાવવામાં આવતી મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની વિશિષ્ટ મંત્રોચ્ચાર સાથેની સંકલ્પ સિધ્ધિ મહા જપ સાધના ક્રમબદ્ઘ ત્રણ તબક્કામાં કરાવવામાં આવશે. ગુરુના અગાધ ગુણો પર પ્રકાશ પાડતી પ્રેરણાત્મક કલાકૃતિ 'ગુરૂ કનેકશન ગુણ ક્રિએશન'ની પ્રસ્તુતિ સાથે પરમ ગુરૂદેવની ૫૦ વર્ષની જીવનયાત્રા આધારિત મહાગ્રંથ તેમજ પરમ ગુરુદેવની વાણીના અક્ષરદેહ સ્વરૂપ ૫૦ books નું આ અવસરે વિમોચન કરવામાં આવશે. અર્હમ પશુ રક્ષા, હેપી એન્ડ હેલ્પ જેવા જીવદયા અને માનવતાના અનેકવિધ મેધા પ્રકલ્પોના શુભારંભ સાથે લાખો જીવોને શાતા -સમાધિ આપતો આ મહોત્સવ ઉજવાશે.

(3:34 pm IST)