Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોરોના કાળમાં રેવન્યુ તંત્ર ઠપ્પ : લાખોનું નુકસાન

છેલ્લા ૩ મહિનાથી જિલ્લાની તમામ મામલતદાર કચેરી, ડે.કલેકટરોમાં બીનખેતી, નવી - જુની શરતો, જમીન ટેક્ષ, ઇ-ધરા કેન્દ્ર વગેરેની કામગીરી બંધ : અધિકારીઓ કોવિડ-૧૯ની ફરજમાં : અનેક કર્મચારી સંક્રમિત : ૩૦૦ જેટલી ફાઇલો પેન્ડીંગ : અરજદારો - વકીલોમાં જબરો દેકારો

રાજકોટ તા. ૨૬ : શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે તેની માઠી અસર કલેકટરના રેવન્યુ તંત્રને પહોંચી છે. છેલ્લા ૩ મહિનાથી રેવન્યુ સંદર્ભની કામગીરી ઠપ્પ થઇ ગઇ હોઇ તંત્રને પણ લાખોનું નુકસાન થયું છે.

સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૩ મહિનાથી કોરોના સંક્રમણ વધતા મામલતદારો - ડે.કલેકટર જેવા મહત્વના અધિકારીઓને કોવિડ-૧૯ની કામગીરીમાં મહત્વની જવાબદારીઓ સુપ્રત કરાઇ છે. આ દરમિયાન ૩૫ જેટલા અધિકારી અને કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં કચેરીમાં સ્ટાફની અછત છે.

આ તમામ કારણોને લઇ શહેર - જિલ્લાની ૧૫ જેટલી મામલતદાર તથા ડે.કલેકટરની કચેરીઓમાં રેવન્યુ સંદર્ભની જેવી કે બીનખેતી, નવી-જુની શરત, જમીન ટેક્ષ, ઇ-ધરા કેન્દ્ર વગેરેની કામગીરી બંધ હાલતમાં છે. જેના કારણે રેવન્યુ વિભાગને થતી ફીની લાખોની આવકનું નુકસાન પહોંચ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રેવન્યુની અંદાજે ૩૦૦ જેટલી ફાઇલો પેન્ડીંગ છે. જેના કારણે અરજદારો તથા વકિલોમાં જબરો દેકારો બોલી ગયો છે.

(2:56 pm IST)