Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

'મકાન લેવું છે માવતરેથી પાંચ લાખ લઇ આવ'કહી ગાંધીગ્રામના દીનાબેન જેઠવાને ત્રાસ

પરમેશ્વર સોસાયટીમાં રહેતા પતિ સુભાષ, સાસુ રમાબેન, સસરા મણીભાઇ, જેઠ અશોક અને જેઠાણી સરોજ સામે ગુનો

રાજકોટ તા. ર૬: શહેરના ગાંધીગ્રામમાં માવતર સાથે રહેતી મોચી પરિણીતાને 'માવતરેથી મકાન માટે રૂ. પ લાખ લઇ આવવા બાબતે ત્રાસ આપતા પરમેશ્વર સોસાયટીમાં રહેતા પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ શેરી નં. ૭/૮ માં રહેતા દિનાબેન સુભાષભાઇ જેઠવા (ઉ.વ. ર૬) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં દોઢસો ફૂટ રોડ નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી શેરી નં. ૩ માં રહેતા પતિ સુભાષ જેઠવા, સાસુ રમાબેન જેઠવા, સસરા મણીભાઇ રણછોડભાઇ જેઠવા, રામાપીર ચોકડી પાસે બંસીધર પાર્ક શેરી નં. ૩ ના જેઠ અશોક જેઠવા અને જેઠાણી સરોજ જેઠવાના નામ આપ્યા છે. દિનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના એક વર્ષ પહેલા સુભાષ જેઠવા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સાથે સંયુકત કુટુંબમાં રહેતા હતા. પતિ અમદાવાદ ખાતે નોકરી કરતો હોઇ, જેથી તે શનિ-રવિવારની રજામાં રાજકોટ આવતા હતા. લગ્નના પંદર દિવસ સારી રીતે રાખ્યા બાદ સાસરીયાઓ કહેતા કે 'તારા માવતરના ઘરેથી તું પાંચ લાખ રૂપિયા લઇ આવ, અમારે નવું મકાન લેવું છે' તેમજ 'તું કરિયાવરમાં અમારા લાયક કાંઇ લાવી નથી' તેમ કહી મેણાટોણા મારતા હતા અને નજીવી બાબતે ઝઘડો કરતા તેમજ ગાળો આપતા હતા. આ વાત પતિને કરતા તે પોતાની સાથે ઝઘડો કરી મારકુટ કરતો હતો પતિ અવારનવાર કહેતા કે મારા ભાભી અને તેના બે દીકરાઓ જ મારો પરિવાર છે 'તને માત્ર તુ પૈસા કમાઇને આપ એટલે જ લગ્ન કર્યા છે' બાકી તારી કાંઇ જરૂર નથી' તેમ મેણાટોણા મારતા હતા. બાદ પતિ સાથે અમદાવાદ ગયા ત્યાં પણ ઝઘડો કરી ત્રાસ આપતા પોતે માવતરના ઘરે આવી ગયા હતા. બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ જે. જે. માઢકે તપાસ હાથ ધરી છે.

(3:35 pm IST)