Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મોદી સ્કૂલ પ્રકરણમાં જુદા જુદા તપાસનીશ અધિકારીઓ દ્વારા કોર્ટમાં વિરોધાભાસી સોગંદનામાઃ કાર્યવાહી કરવા અરજી

જવાબદાર અધિકારી વિરૂદ્ધ ફરીયાદ નોંધવા રજૂઆતઃ ૨૦મીએ સુનાવણી

રાજકોટ, તા. ૨૬ :. મોદી સ્કૂલ પ્રકરણમાં પોલીસે ખોટુ સોગંદનામુ કરેલ હોવાની તથા પુરાવાઓનો નાશ કર્યા અંગે એડવોકેટ સંજય પંડિત એ કોર્ટમાં સોગંદનામુ કરી તપાસનીશ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

આ બનાવની ટૂંક હકીકત એવી છે કે હાલમાં રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં સેન્ટમેરી સ્કૂલ, ધોળકીયા સ્કૂલ તેમજ મોદી સ્કૂલના સંચાલકો વિરૂદ્ધ આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી. જે ફરીયાદ અનુસંધાને આરોપીઓની અટક થતા આરોપીઓને પોલીસ સ્ટેશનેથી જામીન ઉપર મુકત કરવામાં આવેલ હતા.

ઉપરોકત આરોપીઓને પોલીસ સ્ટેશનેથી પોલીસ દ્વારા જામીન ઉપર મુકત કરવામાં આવતા એડવોકેટ સંજય એચ. પંડિત એ મોદી સ્કૂલના સંચાલકોના જામીન રદ કરવા વર્ષ ૨૦૧૬માં રાજકોટ સેસન્સ કોર્ટમાં અરજી કરેલ હતી અને આરોપીઓ આગોતરા જામીન મેળવવામાં અરજી કરેલ હતી. આરોપીઓની આગોતરા જામીન અરજીના વિરોધમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના અધિકારી કે.સી. વાઘેલાએ સોગંદનામુ કરેલ હતુ અને આ સોગંદનામુમાં જણાવેલ હતુ કે તપાસ દરમ્યાન આરોપીઓ વિરૂદ્ધ મળેલ પુરાવાઓથી આઈ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦(બી) મુજબનો ગુન્હો કરેલ હોવાની હકીકતો ખુલવા પામેલ છે.

હાલ બન્ને અરજીઓની સુનવણી સેસન્સ કોર્ટે હાથ ધરેલ હોય માલવીયાનગર પોલીસ સ્ટેશનના અધિકારી પી.એલ. ધામાએ આરોપીઓની આગોતરા જામીન અંગે સેસન્સ કોર્ટમાં સોગંદનામુ કરી જણાવેલ છે કે આજદીન સુધીની તપાસમાં આરોપીઓ વિરૂદ્ધ માત્ર આઈ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૨૦ મુજબના પુરાવાઓ મળી આવેલ છે અને આઈપીસીની કલમ ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦(બી) મુજબના પુરાવાઓ મળી આવેલ ન હોવાની હકીકત સોગંદ ઉપર જણાવેલ હતી. આ બન્ને વિરોધાભાસી સોગંદનામા અંગે એડવોકેટ પંડિતે જવાબદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરેલ છે.

આમ એડવોકેટ પંડિત એ પોતાની અરજીમાં વિસ્તૃત રજૂઆતો કરી સાથે તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ રજુ રાખી પોલીસ તથા આરોપીઓએ મીલાપીપણુ કરી પુરાવાઓનો નાશ કરેલ હોય તેમજ આરોપીઓને બચાવવા, છાવરવા પોલીસ દ્વારા ખોટા સોગંદનામાઓ કોર્ટ સમક્ષ કરેલ હોય જવાબદાર પોલીસ અધિકારી વિરૂદ્ધ ખોટુ સોગંદનામુ કર્યા અંગે કાયદા અનુસાર સી.આર.પી.સી.ની કલમ ૧૯૫(બી)(૧) અનુસાર પ્રાથમિક તપાસનો હુકમ કરી જવાબદાર પોલીસ અધિકારી વિરૂદ્ધ ફોજદારી ફરીયાદ નોંધવા અરજ કરેલ છે. જેની વધુ સુનવણી તા. ૨૦-૧૦-૨૦૧૮ના રોજ મુકરર કરવામાં આવેલ છે.

(4:40 pm IST)